રાજ્યમાં છેલ્લા ત્રણ-ચાર દિવસ ભારે વરસાદ પડ્યો જેને કારણે ઘણા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાયા તો અનેક જગ્યાએ લોકોના ઘર અને દુકાનોમાં પણ પાણી ઘૂસી જવા પામ્યા હતા. ત્યારે હાલમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ હવે નહિવત જોવા મળી રહ્યો છે. ડિપ ડિપ્રેશનના કારણે અનેક વિસ્તારોમાં વરસાદે ભૂક્કા કાઢી નાંખ્યા અને તેમાંથી એક વડોદરા પણ છે. વડોદરાની હાલત હાલ ઘણી ખરાબ છે. ઘણા લોકો એવા છે જેમને ભરપેટ જમવા નથી મળી રહ્યું અને તેઓ ફૂડ પેકેડ પર જીવી રહ્યા છે.
ત્યારે હાલમાં વડોદરાના વિદ્યાર્થીઓને લઇને એવી ખબર સામે આવી રહી છે કે સ્કૂલ-કોલેજોમાં 1 સપ્ટેમ્બર સુધી રજા જાહેર કરવામાં આવી છે. વડોદરા કલેક્ટરે જણાવ્યું કે વડોદરા જિલ્લામાં પડેલા અતિભારે વરસાદ અને ભારે વરસાદની આગાહી તેમજ વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં થયેલા વધારાના કારણે 27/08/2024થી 29/08/2024 સુધી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી. જો કે આ રજાઓ 1/09/2024 સુધી લંબાવવામાં આવી છે.
02/09/2024થી અન્ય કોઈ સૂચના ના મળે તે સંજોગોમાં શાળાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. ભારે વરસાદને પગલે આખુ વડોદરા પાણી પાણી થઇ ગયુ છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે, વડોદરા કલેક્ટર દ્વારા 1 સપ્ટેમ્બર સુધી સ્થિતિને ધ્યાનમાં રાખી તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓને મુશ્કેલી ન થાય તે માટે વિવિધ જિલ્લાઓના કલેક્ટરો દ્વારા રજાનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.