3 રોડ સાઇડ રોમિયોએ 8 કિમી સુધી યુવતીનો કર્યો પીછો, આપવીતીનો વીડિયો શેર થતાં જ વડોદરા પોલીસે આવારા છોકરાઓની હવા કાઢી નાખી

વડોદરામાં 3 રોમિયોએ 8 કિમી સુધી એક યુવતિનો પીછો કર્યો, છોકરીએ કહ્યુ- પહેલાં નજરઅંદાજ કર્યા પણ…

ગુજરાતમાંથી ઘણીવાર સગીરાઓ અને યુવતિઓ સાથે છેડતીની ઘટના બનતી હોય છે. ઘણી સગીરાઓ કે યુવતિઓ ડરના કારણે આ વાત તેના પેરેન્ટ્સ કે બીજા કોઇને કહેતી નથી. પણ હાલમાં જ ગઇકાલના રોજ વડોદરામાંથી એક યુવતીની છેડતીનો કિસ્સો સામે આવ્યો અને તે બાદ તે યુવતિએ જે હિંમત બતાવી તેની દરેક કોઇ ચર્ચા કરી રહ્યુ છે. ઓટોરિક્ષામાં જઈ રહેલી એક યુવતીને બાઈક પર જતા ત્રણ રોડ સાઇડ રોમિયોએ હેરાન કરી અને તે બાદ યુવતીએ હિંમત દાખવી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો અને પોલીસની મદદ માંગી.

વડોદરા પોલીસની શી ટીમે ત્રણેય આવારા યુવકોનો 30 કિલોમીટર સુધી પીછો કર્યો અને તેમને પકડી કાયદાનું ભાન કરાવ્યું. વડોદરા પોલીસે આ વીડિયો ટ્વિટર પેજ પર પણ શેર કર્યો છે. ત્યારે પીડિત યુવતિએ વીટીવી ગુજરાતી મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, તે ગેંડા સર્કલથી ઘરે જવા ઓટિરિક્ષામાં નીકળી અને તે બાદ પંડ્યા બ્રિજથી ત્રણ રોમિયોએ તેને ફોલો કરવાનું શરૂ કર્યું. તેમણે લગભગ 7-8 કિમી સુધી પીછો કર્યો.

શરૂઆતમાં તો 2-3 કિમી સુધી યુવતિએ તેમને નજરઅંદાજ કર્યાં. પણ જ્યારે તેનું ઘર નજીક આવ્યુ ત્યારે તેણે એક્શન લીધુ. તેના અનુસાર, જો આ યુવકોને તેના ઘરનું એડ્રેસ મળી જતુ તો તેઓ ભવિષ્યમાં પણ તેને પરેશાન કરતા. જેને કારણે યુવતિએ ફોનમાં વીડિયો ઉતારવાનું શરૂ કર્યું. જ્યારે તેણે જોરથી પોલીસ સ્ટેશન જવાની બૂમ પાડી તો તેઓ ફૂલ સ્પીડમાં બાઇક ચલાવીને ભાગી ગયા.

આ વીડિયોને યુવતિએ સોશિયલ મીડિયા પર શેર કર્યો અને પોલીસની શી-ટીમે 2-3 દિવસમાં તેઓની સામે કાર્યવાહી કરી ત્રણેયની ધરપકડ કરી. યુવતીએ કહ્યુ કે, તેમની ઉંમર ઓછી હોવાને કારણે તેણે કેસ કર્યો નથી. યુવતિએ પોલીસનો આભાર માન્યો હતો અને તેણે યુવતીઓ અને મહિલાઓને અપીલ કરતા જણાવ્યું કે, તેઓ પણ અવાજ ઉઠાવે, જો તમે અવાજ ઉઠાવશો તો પોલીસ તમારી મદદ કરવા માટે તૈયાર છે. માત્ર મદદ માંગવાની જરૂર છે.

Shah Jina