વડોદરામાં પોલિસકર્મીની દાદાગીરી : રસ્તામાં ચાલતા 13 વર્ષના કિશોર સાથે કરી લાફાવાળી…જુઓ વીડિયો

ગુજરાતમાંથી ઘણીવાર ખાખી વર્દીનો રોફ જમાવતા વીડિયો સામે આવતા રહે છે. આવા વીડિયો સામે આવે ત્યારે લોકો પણ પોલિસનું રૂપ જોઇ ચોંકી ઉઠતા હોય છે. ત્યારે હાલ એક વીડિયો વડોદરામાંથી સામે આવ્યો છે, જેમાં  પોલિસકર્મી એક કિશોરને માર મારી રહ્યો છે. આ વીડિયો બહાર આવતા જ પોલિસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.  આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, છાણી પોલીસ સ્ટેશનની મોબાઇલ વાનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ ગટોરસિંહ પાવરા તથા મહિલા કર્મચારી વહીવટી કામગીરી માટે સરકારી વાહનમાં નંદેસરી પોલીસ સ્ટેશન આવ્યા હતા.

ત્યારબાદ તેઓ છાણી પોલિસ સ્ટેશન જવા નીકળ્યા હતા. ત્યારે રાત્રે નવ વાગ્યા આસપાસ 13 વર્ષનો એક કિશોર નંદેસરી બજારમાંંથી પસાર થતા ખોડિયાર કરીયાણા સ્ટોર ખાતે પોલિસની ગાડી આવતા કંઇક બોલતો રોડ ક્રોસ કરતો ત્યારે અચાનક પોલીસ કોન્સ્ટેબલ શક્તિસિંહ પાવરાએ ગાડીમાંથી ઉતરી કિશોરને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ જતાં શક્તિસિંહ પાવરા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી અને તપાસ બાદ તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો.

આ બનાવ અંગે વડોદરાના A ડિવિઝનના ACP ડી.જે. ચાવડાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, 2 એપ્રિલ રાત્રે પોણા નવ વાગ્યે આ ઘટના બની હતી. આ બાબતે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટના અંગે પોલીસ કમિશનરને પ્રાથમિક અહેવાલ સોંપવામાં આવ્યો છે. આ ઘટના અંગે અમને દુખ છે અને પોલીસ કમિશનરે તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, પીસીઆર વાન ઝડપી ચાલતી હોય ત્યારે ચાલકને કેવી રીતે અપશબ્દો સંભળાયા ? તે વાત પોલીસ અધિકારીઓ પણ સમજી શક્યા ન હતા.

Shah Jina