દુઃખદ : વડોદરામાં પોલીસ જવાન પર ઝાડ પડતા ઘટના સ્થળે જ પ્રાણપંખેરૂ ઉડી ગયા, તસવીરો જોઈને હાલત ખરાબ થઇ જશે

રાજયમાં હવે ચોમાસુ માઝા મુકી રહ્યું છે. ઘણા વિસ્તારોમાં તડાભાર વરસાદ પડી રહ્યો છે, તો ઘણા વિસ્તારોમાં ખાલી ઝાપટા પડી રહ્યા છે. જો કે, કેટલાક તાલુકાઓ તો સાવ કોરા ધાકોર છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો, 100થી પણ વધુ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. ત્યારે ઘણીવાર વધુ વરસાદ હોવાને કારણે ક્યાંક વૃક્ષો ધરાશાયી થવાની તો ક્યાંક છાપરા ઉડી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. આવા કિસ્સાઓમાં કોઇ ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થતુ હોય છે તો કોઇ મોતને ભેટતુ હોય છે.

હાલમાં વડોદરામાંથી આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાંજના સમયે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો અને આ દરમિયાન અજબડી મીલ પાસેથી એક્ટીવા પર પસાર થઈ રહેલ પોલીસ જવાન પર તોતિંગ ઝાડ ધરાશાયી થયુ હતુ. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળા એકત્ર થઇ જવા પામ્યા હતા અને ફાયરબ્રિગેડની મદદ પણ લેવામાં આવી હતી. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, 23 જૂનના રોજ સાંજે છ વાગ્યા આસપાસ ભારે વંટોળ સાથે વડોદરાના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

જો કે, આ દરમિયાન અજબડી મીલ રોડ પરથી એકટીવા લઇ પસાર થઈ રહેલ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અમરસિંહ રાજપૂત પર ઝાડ પડ્યુ હતુ, જેને કારણે તેમને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ધડામ દઇને ઝાડ પડતા આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને ફાયરબ્રિગેડને જાણ કરી હતી. પોલિસ જવાનને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. આ ઘટનાથી પાણીગેટ પોલીસ સહિત શહેર પોલીસતંત્રમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. પરિવારજનોને જાણ થતા તેઓ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને તેમના હૈયાફાટ રૂદનથી વાતાવરણ પણ ગમગીન બની ગયુ હતુ.

Shah Jina