20 જૂનના રોજ વડોદરાના તાંદલજાના નુરજહા પાર્કમાં ભાડાના મકાનમાં રહેતી નફીસા ખોખરેએ આપઘાત કરી લીધો હતો. તેણે આપઘાત પૂર્વે વીડિયો પણ બનાવ્યો હતો અને આ વીડિયોમાં તેણે તેના પ્રેમી રમીઝ શેખની પોલ ખોલી હતી. રમીઝે નફીસાને દગો આપતા તે આપઘાતમાં સરી પડી હતી અને ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણી દીધો હતો. ત્યારે આ કેસના છઠ્ઠા દિવસે પોલિસે આરોપી રમીઝને અમદાવાદમાંથી ઝડપી પાડ્યો હતો. અમદાવાદના દાણીલીમડાના આરોપી રમીઝ શેખ વિરૂદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નફીસાની બહેન સુલતાનાએ જે.પી.રોડ પોલિસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો.
પોલિસે રમીઝની ધરપકડ બાદ તેની પૂછપરછ કરી હતી અને ત્યારે તેણે ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. રમીઝે તેના બચાવમાં કહ્યુ હતુ કે નફીસાના અન્ય યુવક સાથે સંબંધ હતા અને આ વાતની જાણ થયા બાદ તેણે નફીસાને તરછોડી હતી. રમીઝે એમબીએ સુધી અભ્યાસ કર્યો છે. તે ખાનગી કંપનીમાં નોકરી પણ કરે છે. જો કે, હાલ તો એવો સવાલ ઊભો થઇ રહ્યો છે કે નફીસા અંગેનું રમીઝનું નિવેદન કેટલુ સાચુ છે. નફીસા વિરૂદ્ધ રમીઝે જે નિવેદન આપ્યુ તે તેણે તેના બચાવ માટે પણ આપ્યુ હોઇ શકે છે.

રમીઝ અને નફીસાના સંબંધ અંગે નફીસાની રૂમ પાર્ટનર શબનમે પણ નિવેદન આપ્યુ હતુ અને આ જોતા રમીઝ અને શબનમ બંનેનું નિવેદન વિપરીત લાગી રહ્યુ છે. શબનમે રમીઝ અને નફીસાના સંબંધો વિશે નિવેદનમાં જણાવ્યુ હતુ કે, બંને એક ઘરમાં ભાડે સાથે રહેતા હતા. તેઓ પતિ-પત્ની તરીકે જ રહેતા. તેઓ બંને 5 વર્ષથી લિવ ઇનમાં પણ રહેતા હતા. જો કે, શબનમે એ પણ કહ્યુ હતુ કે, નફીસાના આપઘાત પાછળ રમીઝ જવાબદાર છે. જણાવી દઇએ કે, નફીસાએ આપઘાત કર્યા પહેલા બે વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને સફળતા મળી હતી નહિ.
તેણે એકવાર ઝેરી દવા પી આપઘાત કરવાની કોશિશ કરી તો બીજીવાર અમદાવાદ રિવરફ્રન્ટ પર જઇ વીડિયો બનાવી આપઘાત કરવાની કોશિશ કરી હતી. પરંતુ તે બાદ તેણે 20 જૂનના રોજ વડોદરા ઘરે ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. નફીસાએ તેના વીડિયોમાં રમીઝ વિશે ઘણુ જણાવ્યુ હતુ. તેણે રમીઝ પર જિંદગી બરબાદ કરી નાખવાનો આરોપ પણ લગાવ્યો હતો. નફીસાના પરિવારે રમીઝ અને તેના પરિવારને આપઘાત માટે જવાબદાર ઠેરવ્યા છે.
ત્યારે પરિવારે જે.પી. રોડ પોલિસ પર પણ સહયોગ ન આપવાનો આરોપ લગાવ્યો હતો. જે બાદ પોલિસે આ કેસમાં એક્શન લઇ તાત્કાલિક રમીઝની ધરપકડ કરી હતી. નફીસાની બહેને કહ્યુ કે, રમીઝને એવી સજા મળવી જોઇએ કે તે કોઇ બીજા સાથે એવું ન કરે. નફીસાના પરિવારમાં તેની ત્રણ બહેનો છે અને બે ભાઇ છે. આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ પરિવાર કરી રહ્યો છે. રમીઝે ‘તારે મરવું હોય તો મરી જા’ કહેતા નફીસાએ ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો.