છેલ્લા કેટલાક દિવસોથી પડેલા ભારે વરસાદને પગલે વડોદરાના આજવા ડેમમાંથી સતત પાણી છોડાયુ અને તેને પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની. નદીના પાણી આસપાસના કાંઠા વિસ્તારમાં ઘૂસી ગયાં છે અને લાખો લોકોને પોતાના ઘરમાં જ પુરાયેલા રહેવુ પડ્યુ. ત્યારે હવે રાહતના સમાચાર એ છે કે વિશ્વામિત્રી નદીની સપાટી 32.50 ફૂટે આવી ગઈ છે અને સાંજ સુધીમાં પૂરના પાણી ઉતરી જશે.
જો કે,આ વચ્ચે વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં 12 ફૂટ વિશાળ મગર મળી આવ્યો અને તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. પૂર બાદ શહેરમાં અલગ-અલગ જગ્યાએ મગર નીકળ્યા હોવાના ફોન વન વિભાગને મળી રહ્યા છે. ત્યારે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે. એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ અને બોય્ઝ હોસ્ટેલમાં વિશ્વામિત્રીના પૂરના પાણીના કારણે ત્રણ હજાર કરતા વધુ વિદ્યાર્થીઓની હાલત કફોડી બની હતી.
વિશ્વામિત્રી નદીની સપાટી વધ્યા પછી પૂરના પાણી ફતેગંજ અને પ્રતાપગંજ વિસ્તારમાં પણ પ્રવેશ્યા હતા. આમ તો હોસ્ટેલમાં પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓ રહે છે પણ કેટલાક વિદ્યાર્થીઓ જન્માષ્ટમીની રજાના કારણે વતન જતા રહ્યા હતા.
View this post on Instagram