ફી ભરવાના પૈસા ન હતા, વડોદરામાં 2 દીકરીઓની હત્યા બાદ ડિવોર્સી માતાએ પણ…જાણો સમગ્ર મામલો
Vadodara Mother kill 2 Daughters case : વડોદરામાંથી હાલમાં જ એક મામલો સામે આવ્યો જેમાં એક સગી જનેતાએ પોતાની બે દીકરીઓની હત્યા કર્યા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો પણ જો કે પાડોશીએ મહિલાને બચાવી લેવાયા બાદ તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. (તમામ તસવીરો સૌજન્ય : દિવ્ય ભાસ્કર)
વૃદ્ધાની કેરટેકર તરીકેની નોકરી કરતી
વડોદરાના કારેલીબાગની અક્ષતા સોસાયટીમાં રહેતી અને વૃદ્ધાની કેરટેકર તરીકેની નોકરી કરતી દક્ષા ચૌહાણે પહેલા પોતાની 2 દીકરીઓને ઝેરી દવા પીવડાવી અને પછી પણ તેઓ ના મરતાં ગળે ટુપો દઈને બંનેની હત્યા કરી. તે બાદ તેણે પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો.હાલ તો દક્ષા ચૌહાણની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ત્યારે આ ઘટના મામલે દક્ષા ચૌહાણે દિવ્યભાસ્કર સાથે વાતચીતમાં ચિતાર આપ્યો હતો.
ઉંઘની ગોળીઓ અને બ્લેક હિટ નાખીને બંને છોકરીઓને જમવાનું ખવડાવ્યુ
દક્ષા ચૌહાણે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યુ કે તેને રૂપિયાની ઘણી તકલીફ હતી અને ઘરનું ભાડું તેમજ દીકરીઓની ફી આ બધુ તે ક્યાંથી કરે, તેનો 9 હજાર પગાર હતો અને આમાં પુરુ નહોતું પડતું. એટલે તેણે સોમવારે બપોરે છોલે બનાવ્યા અને તેમાં એવીલ નામની ઉંઘની દવા બે પત્તાની ગોળીઓ અને બ્લેક હિટ નાખીને બંને છોકરીઓને ખવડાવી દીધું. આ ભોજન તે નહોતી જમી.
બંને દીકરીઓની હત્યા બાદ ભાઇના ઘરે જઇ ભત્રીજાને રમાડ્યો
તેણે આગળ કહ્યુ કે તેની નાની દીકરી ગીતો સાંભળતી-સાંભળતી સુઈ ગઈ અને પછી તેણે તેનું બપોરે સાડા બાર વાગ્યે ઓઢણીથી ગળુ દબાવ્યુ. જો કે તેણે છોડવવાનો પ્રયત્ન પણ કર્યો પણ તે મોતને ભેટી. જે બાદ મોટી દીકરી બપોરે અઢી વાગ્યે ઘેનમાંથી ઉઠતાં તેનું પણ ગળુ ઓઢણી વડે દબાવી દીધું. બંને દીકરીઓ અલગ-અલગ રૂમમાં પડી હતી. હનીના પગ પહોળા થઈ ગયા હોવાથી તેના અંગુઠા બાંધી દીધા અને પછી દક્ષા ત્યાંજ બેઠી રહી અને ખુબ રડી. તે રાત્રે તેના ભાઈને મળવા પણ ગઈ હતી અને ભત્રીજાને રમાડ્યો પણ હતો.
આપઘાત કરવા જતા જ આવી ગયો અજાણ્યો વ્યક્તિ
જો કે, ઘરે આવ્યા પછી તે પણ એવીલ દવા લઈને સુઈ ગઈ અને રાત્રે ઘેનમાં તેણે બહેન નિલમને ફોન પણ કર્યો. તે કહે છે કે તેને છેલ્લીવાર બધાની સાથે વાત કરવી હતી. તેણે એવું પણ કહ્યુ કે તેને ગોળીની કંઈ અસર ન થતા દોરી વડે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો પણ ત્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ આવ્યો અને મને કોઈનું સરનામું પૂછતો હતો. આ દરમિયાન જ પાડોશી આવી ગયા. તેણે વધુમાં કહ્યુ કે તેણે થોડા મહિના પહેલા જ ફિનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ ત્યારે વિચાર આવ્યો કે તે નહીં રહે તો દીકરીઓનું કોણ કરશે ?
મહિલાએ પહેરી કાળી કુર્તી, કાળી બંગડી અને કરી કાળી નેઇલપોલિસ
જો કે, દક્ષા ચૌહાણે સોમવારે જ્યારે દીકરીઓને મારવાનું નક્કી કર્યું ત્યારે કાળી કુર્તી, કાળી નેઈલ પોલીશ અને કાળી બંગડીઓ પહેરી હતી. દક્ષાબહેને સોમવારે દીકરીઓની હત્યા બાદ તેમના જ એક પરિચિત ફોટો સ્ટુડિયોમાં કામ કરતા યુવકને બંને દીકરી સહિત તેમના ફોટો વોટ્સએપ પર મોકલ્યા અને કહ્યુ કે આ ફોટો તમારી પાસે રહેવા દેજો, તેને ફ્રેમ કરાવવાની છે’. જો કે, તે યુવકને તો આ બાબત સામાન્ય લાગી.
પૈસાની વ્યવસ્થા ન થતા ભર્યુ આવું પગલુ
કારેલીબાગ પીઆઈ મુજબ દક્ષાબેને છોકરીઓની હત્યા કરી મૃતદેહ જોયા પછી તેઓના મનમાં થયું કે મારે આવું મોત નથી જોઈતું, તેમનામાં જીવવાની આશા જાગી પણ કલાક બાદ તેમણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, દક્ષાબેને ભાડે લીધેલા મકાન માટે 10 હજારની ડિપોઝીટ, મોટી દીકરીની કોલેજની ફી 22,000 મકાન ભાડાના 6000 અને નાની દીકરીની ફી બે હજાર સહિત કુલ 40 હજારની વ્યવસ્થા કરવાની હતી અને આ ન થતા તેણે બંને દીકરીઓને મારી આપઘાતનો નિર્ણય કર્યો.