વડોદરામાં ફરી એક માસૂમની કરવામાં આવી ઘાતકી હત્યા ! ગ્રીષ્મા, તૃષા બાદ હવે આવ્યો મીરાનો વારો- ગળુ દબાવ્યુ અને ડામ પણ આપ્યો….

છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાંથી યુવતિઓની ઘાતકી હત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. થોડા સમય પહેલા એટલે કે 12 ફેબ્રુઆરીના રોજ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલ ગોયાણી નામના નરાધમે સરાજાહેરમાં ગળુ કાપી તેની ઘાતકી હત્યા કરી દીધી હતી. જે બાદ વડોદરામાંથી પણ ચકચારી ભરેલો કિસ્સો સામે આવ્યો હતો, જેમાં તૃષા સોલંકીની હત્યા કરવામાં આવી હતી. ત્યારે હવે વધુ એક વડોદરાની દીકરીની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે. તૃષા બાદ હવે વડોદરાની યુવતી મીરા સોલંકીની તિલકવાડામાં હત્યા કરાયેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની વિગત તપાસીએ તો, 20 વર્ષિય યુવતિ કે જેણે તાજેતરમાં જ ધોરણ 12ની પરિક્ષા આપી હતી, તે વડોદરાના માંજલપુર દરબાર ચોકડી પાસે રહેતી હતી.

તેની લાશ નર્મદા જિલ્લાના તિલકવાડા પોલીસ સ્ટેશનની હદમાં એક ખેતરમાંથી હત્યા કરેલી હાલતમાં મળી આવી હતી. ઉલ્લેખનીય છે કે, મીરાએ તેની પિતરાઇ બહેનને વોટ્સએપ પર મેસેજ કર્યો હતો કે હું સંદીપ સાથે છું, ચિંતા કરશો નહિ. હું રવિવારે સાંજ સુધીમાં ઘરે આવી જઇશ. મીરા સોલંકી તેના માતા પિતા સાથે માંજલપુર વિસ્તારમાં આવેલી દરબાર ચોકડી પાસે બળિયાદેવ મંદિર નજીક રહેતી હતી. મૃતક બે દિવસ પહેલા ઘરેથી નીકળી હતી પરંતુ મોડી રાત સુધી ઘરે પરત ન ફરતાં તેના પિતા નિલેશભાઈએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં મીરાના ગુમ થયાની જાણ કરી હતી.

જે બાદ તેની શોધ હાથ ધરવામાં આવી હતી અને તે બાદ મીરાનો મૃતદેહ નર્મદા જિલ્લાના તિલકવાડા વિસ્તારમાં આવેલા એક ખેતરમાંથી મળી આવ્યો હતો. પોલિસે હાલ તો અજાણ્યા હત્યારા વિરૂદ્ધ ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે. મીરાએ જે સંદીપના નામનો તેની પિતરાઇ બહેનને મેસેજ કર્યો હતો, તેની તપાસ કરતા જૂના પાદરા રોડ પર રહેતાં સંદીપ મકવાણા નામના યુવક સાથે મીરા ગઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ત્યારે હવે એવી આશંકા સેવવામાં આવી રહી છે કે આ હત્યા પ્રેમ પ્રકરણમાં થઇ હોઇ શકે છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મીરાનુ ગળુ દબાવવામાં આવ્યુ છે અને તે બાદ તેને ડામ આપી તેની હત્યા કરવામાં આવી છે. જો કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનું સાચુ કારણ સામે આવી જશે. મીરાની હત્યા કેવી રીતે કરવામાં આવી એનું ચોક્કસ કારણ પણ બહાર આવશે. ઉલ્લેખનીય છે કે, મીરાનો ફોન પણ ગાયબ હોવાથી તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.

આ હત્યાનો ભેદ ઉકેલવા તિલકવાડા અને માજલપુર પોલીસે સંયુક્ત તપાસ હાથ ધરી છે. ઓલ્ડ પાદરા રોડ પર રહેતા સંદીપ મકવાણા સાથે મીરા સોલંકી તિલકવાડા તરફ ગઇ હતી. જેથી સંદીપ શંકાના દાયરામાં આવ્યો છે. તિલકવાડા પોલીસે સંદીપના માતા- પિતા સહિત પરિવારના 4 સભ્યોની મોડી રાત સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

Shah Jina