ખબર

વડોદરામાં નિર્ભયા કાંડ જેવી ઘટના, પાર્કિંગ લોટમાં પડેલી બસની અંદર ત્રણ-ત્રણ નરાધમોએ ભેગા મળીને સગીરાની લાજ લૂંટી

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી બહેન દીકરીઓની ઈજ્જત સુરક્ષિત ના હોવાના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણા નરાધમો નાની બાળકીઓ અને સગીરાઓને પણ પોતાની હવસનો શિકાર  બનાવતા હોય છે, ત્યારે હાલ સંસ્કારી નગરી વડોદરામાંથી એક એવી ઘટના સામે આવી છે જેને નિર્ભયા કાંડની યાદ આપવી દીધી. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાના ન્યુ વીઆઈપી રોડ ઉપર સગીરા સાથે દુષ્કર્મ આચરવાની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ નરાધમોએ સગીરાને બસમાં ખેંચીને લઇ ગયા હતા, જેમાંથી એક યુવકે સગીરા સાથે બળજબરી કરીને લાજ લૂંટી હતી, જયારે બે યુવાનો બસ પાસે વૉચ રાખીને ઉભા હતા.

આ સમગ્ર મામલો પીડિત સગીરાના કાકાએ હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવી હતી. જે અંતર્ગત પોલીસે પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ અનુસાર એ વાત પણ સામે આવી રહી છે કે પોલીસે શરૂઆતના ચાર દિવસ સુધી ફરિયાદ નોંધી નહોતી, જેના કારણે પણ પરિવારને ધક્કા ખાવા પડ્યા હતા.

પીડિત સગીરાના કાકા સતત ચાર દિવસ સુધી પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા રહ્યા છતાં પણ પોલીસે ફરિયાદ લેવામાં બેદરકારી દાખવી હતી, જેના કારણે પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઇ રહ્યા છે. વડોદરામાં બનેલી આ ઘટના હવે ખુબ જ ચર્ચાઈ રહી છે. સંસ્કાર નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં બનેલી આ ઘટના આખા ગુજરાત માથે કાળી ટીલડી સમાન છે.