વડોદરામાં વેપારીને ફોર્ચ્યુનર કાર સસ્તામાં લેવી ભારે પડી, કાર ખરીદતા પહેલા આ વાંચી લેજો ક્યાંક તમે લૂંટાઈ ન જાઓ

ગુજરાતમાંથી અવાર નવાર છેતરપિંડીના કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર છેતરપિંડી કરનારાઓ અલગ અલગ લોભ લાલચો આપી વેપારી કે કોઇ વ્યક્તિને ફસાવે છે અને તેમના પાસેથી લાખો રૂપિયા પડાવી લેતા હોય છે. ત્યારે હાલ આવો જ એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે, જેમાં સ્ટેશનરી અને પ્રિન્ટીંગનો સામાન સપ્લાયના વેપારીને ટોયોટા કંપનીની ફોર્ચ્યુનર કાર માત્ર 25 લાખ 50 હજારમાં અપાવવાની લાલચ આપી છેતરપીંડી કરનાર પિતા પુત્રી અને જમાઇ વિરૂધ્ધ પાણીગેટ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

વિદેશમાં એક્સપોર્ટ કરવાની ફોર્ચ્યૂનર કારનો સ્ટોક પડી રહ્યો હોવાથી કાર સસ્તામાં અપાવવાની લાલચ આપી મહિલા સહિત 3 ગઠિયાઓએ વેપારીના 25.50 લાખ પડાવી લીધા હતા. જે બાદ તેમના વિરૂદ્ધ પાણીગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનાની વિગત જોઇએ તો, વાઘોડિયા રોડ ચંદ્રનગર સોસાયટીમાં રહેતા પંકજ શાહ રાવપુરા ગવર્ન્મેન્ટ પ્રેસ પાસે સ્ટેશનરી અને પ્રિન્ટિંગ સપ્લાયનો વેપાર કરે છે.

એપ્રિલ 2021માં વેપારીના ભાઈની સાળીના દીકરા જય શાહ મારફતે સંજીત પટેલ અને તેમનાં પત્ની નિધિ પટેલ કે જેઓ વાઘોડિયા રોડના સૂર્યોદય કોમ્પ્લેક્સમાં રહે છે તેમના સાથે ઓળખાણ થઈ હતી. મે-2021માં સંજીત પટેલ વેપારીના ઘરે આવ્યા અને જણાવ્યુ કે, ઈલેક્ટ્રિક વસ્તુઓની સાથે તેમના સસરા વિવેક અરવિંદભાઈ દવે કાર લે-વેચનો વેપાર કરે છે. વેપારીએ વિવેક દવે સાથે 25.50 લાખમાં ટોયોટા ફોર્ચ્યૂનર કાર લેવા માટે ડીલ નક્કી કરી હતી.

આ કાર પૂણેના શોરૂમમાંથી અપાવવાની વિવેક દવેએ વાત કરતા રૂ.25.50 લાખ આપ્યા હતા. જે બાદ તેમણે તપાસ કરી તો વિવેક દવે ફ્રોડ હોવાનું માલૂમ પડ્યુ અને તે બાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કારની ડીલીવરી નહી મળતા વેપારીએ પૈસા પરત માંગ્યા હતા. જે પરત કરવા માટે આપેલા ચેક પણ પરત ફરતા પંકજકુમારે વિવેક દવે, સંજીત મનોજભાઇ પટેલ અને નિધી સંજીત પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.

Shah Jina