ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરોનો ત્રાસ સતત વધતો જઇ રહ્યો છે. રસ્તા પર અવાર નવાર અડિંગો જમાવી બેસતા ઢોરોને કારણે વાહનચાલકોને ઘણી મુશ્કેલીએ વેઠવી પડે છે અને ઘણીવાર અકસ્માતના બનાવો પણ બને છે. ઘણીવાર રખડતા ઢોરોને કરણે નિર્દોષ વ્યક્તિઓને જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. ઘણીવાર સ્થાનિકો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છત્તાં પણ એની એજ જોવા મળી રહી છે, જો કે, દિવસ જાય એમ રખડતા પશુઓને કારણે ઘણીવાર કોઇ પરિવારને પોતાના વ્હાલસોયાને ગુમાવવાનો પણ વારો આવે છે. ત્યારે આજે વડોદરામાં રખડતા ઢોરના કારણે એક વ્યક્તિનું મોત થયુ હતુ.
મૃતકનું નામ જીગ્નેશ રાજપૂત છે, ગત મોડી રાત્રે રસ્તા પર બેઠેલી ગાય સાથે તેઓનું બાઇક અથડાયું હતુ અને રાત્રિના અંધારાને કારણે ગાય ન દેખાતા આ અકસ્માત સર્જાયો હતો. જો કે, તે સ્થળે સ્ટ્રીટ લાઇટ પણ બંધ હતી. મૃતકના પરિવારજનોએ આ મામલે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મૃતકના પરિવારજનો આ ઘટના મામલે પાલિકાને જવાબદાર ગણાવી રહ્યા છે અને વળતરની માંગ કરી રહ્યા છે. આ સાથે જ ઢોર માલિકને શોધી કડક કાર્યવાહી કરવાની પણ માંગ મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવી રહી છે.

જણાવી દઇએ કે, મૃતક પરિવારમાં એકમાત્ર કમાવનાર હતા અને હવે તેમના જવાથી તેમનું ઘર ચલાવનાર કોઈ નથી. મૃતકની 18 વર્ષની પુત્રીએ કહ્યું કે હવે અમારું ઘર કેવી રીતે ચાલશે ? પપ્પા થોડીવારમાં આવું છું, તમે લોકો જમી લો એમ કહી મિત્રના ઘરે જવા માટે નીકળ્યા હતા અને પછી ફોન આવ્યો કે તેમનો અકસ્માત થયો છે. ઘટનાને પગલે કોર્પોરેશનના વિપક્ષ નેતા અમીબેન રાવત મૃતકના પરિજનને મળવા સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં મૃતકના પરિજનને મળી સાંત્વના આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે અમારી માંગ છે કે પાલિકા મૃતકના પરિવારજનોને વળતર આપે અને તેમના પરિવારના એક સભ્યને નોકરી પણ આપે. અને મ્યુનિસિપલ કમિશનર અને મેયર સામે માનવ વધનો ગુનો દાખલ કરવામાં આવે.આ મામલે હાલ લોકોમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે. મૃતક વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં રાજેશ ટાવર રોડ પર આવેલી વિષ્ણુકુંજ સોસાયટી વિભાગ-1માં રહેતા હતા અને તેઓ ગત મોડી રાત્રે પોતાનું બાઇક લઈ સુભાનપુરા ઝાંસીની રાણી સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે જ આ ઘટના બની હતી. ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને રોડ પર પટકાતાં બેભાન થયેલા જીગ્નેશભાઇને હોસ્પિટલ લઇ ગયા હતા પરંતુ ત્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.