વધુ એક ગુજરાતીનું અમરનાથ યાત્રામાં મોત : વડોદરાના 32 વર્ષના યુવકને ઉપરાછાપરી આવ્યા 3 હાર્ટ એટેક

વધુ એક અમરનાથ દર્શનાર્થે ગયેલા ગુજરાતીનું મોત, સતત ત્રણ હાર્ટ એટેક આવતા દર્શન કરે એ પહેલા જ મોતને ભેટ્યો…મૃતદેહ વિમાનમાં લવાશે વડોદરા

Vadodara man Suffered 3 Consecutive Heart Attacks : ગુજરાત સમેત દેશભરમાંથી હાર્ટ એટેકથી મોતના ઘણા કિસ્સા છેલ્લા કેટલાક સમયમાં સામે આવી રહ્યા છે. ત્યારે હાલમાં અમરનાથ યાત્રા પણ ચાલુ છે અને આ દરમિયાન પણ હાર્ટ એટેકથી મોતની ઘટના બની છે. વડોદરાના વેમારી વિસ્તારમાં રહેતા 58 વર્ષીય રાજેન્દ્ર ભાટિયાનું અમરનાથમાં વરસાદ અને બરફના વિઘ્ન વચ્ચે ઓક્સિજન લેવલ ઘટી ગયા બાદ ઘોડા પરથી પડી જતાં મોત થયું હતું.

32 વર્ષીય ગણેશ કદમને આવ્યા 3 હાર્ટ એટેક
જે બાદ તેમના મૃતદેહને કાર્ગો પ્લેનમાં શ્રીનગરથી વાયા મુંબઇથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. ત્યારે હાલમાં અમરનાથ દર્શનાર્થે ગયેલા વધુ એક વડોદરાવાસીના મોતના સમાચાર છે. વડોદરાના ફતેપુરામાં આવેલ પીતાંબર પોળમાં રહેતો 32 વર્ષીય ગણેશ કદમ અમરનાથ યાત્રાએ ગયો હતો અને તે અમરનાથ પહોંચીને દર્શન કરે એ પહેલાં જ પહેલગામ હોસ્પિટલમાં સતત 3 હાર્ટ-એટેક આવતાં મોત નિપજ્યું. આ ઘટનાને પગલે પરિવારમાં શોક વ્યાપી ગયો છે.

મૃતક ગૌરક્ષા સમિતિનો કાર્યકર
પીતાંબર પોળમાં રહેતો ગણેશ એલ્યુમિનિયમ સેક્શનનું કામ કરતો હતો અને તે ગૌરક્ષા સમિતિનો કાર્યકર પણ હતો. તે પોતાના મિત્રો સાથે અમરનાથ યાત્રાએ ગયો હતો અને આ દરમિયાન તેને પહેલગામમાં અચાનક ઊલટીઓ શરૂ થઈ અને સ્થાનિક દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો. જો કે, તેને બે હાર્ટ એટેક આવ્યા બાદ ત્રીજો પણ આવતા તેનું મોત થયું હતું.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

મૃતકને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર
ત્યારે આજે સવારે તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ અને હવે મૃતદેહને શ્રીનગરથી વિમાન માર્ગે વડોદરા ખાતે લઇ જવાની કાર્યવાહી થઇ રહી છે. મૃતકને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. આ મામલે સ્થાનિક કોર્પોરેટર સચિન પાટડિયાએ જણાવ્યું કે, ગૌરક્ષા સમિતિ માટે માઠા સમાચાર છે. અમારા સંનિષ્ઠ કાર્યકર્તા ગણેશભાઇ કદમ બાબા અમરનાથનાં દર્શને ગયા હતા અને ત્યાં તેમનું દુખદ અવસાન થયું.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

સેવાકીય પ્રવૃત્તિ ખૂબ જ કરતા
આ ખબર આવતાની સાથે જ ગૌરક્ષા સમિતિમાં શોકનું મોજુ ફરી વળ્યુ. તેઓએ આગળ જણાવ્યુ કે, તેઓ ગાય માતાની સેવા હોય કે પછી કોઈ પણ પ્રાણીઓની સેવા હોય હંમેશાં આગળ રહેતા અને સેવાકીય પ્રવૃત્તિ ખૂબ જ કરતા. આવા કાર્યકર્તા અમારી વચ્ચે રહ્યા નથી એનું અમને ખૂબ જ દુઃખ છે. તેઓએ કહ્યુ કે- અમે ખૂબ સારા કાર્યકર્તા ગુમાવ્યા છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે.

Shah Jina