વડોદરાના યુવાનનું અમેરિકામાં આડેધડ ફાયરિંગમાં મોત, પત્ની બચાવવા દોડી પણ…અફસોસ – અમેરિકાની કાળી અને ભૂંડી હકીકત વાંચો
વિદેશમાંથી ઘણીવાર ગુજરાતીઓ અને ભારતીયોના રહસ્યમય મોત તેમજ હત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે હાલમાં વધુ એક ઘટના સામે આવી છે. અમેરિકામાં છેલ્લાં 18 વર્ષથી સ્થાયી થયેલા અને મૂળ વડોદરાના મૈનાંક પટેલનું ત્રણેક દિવસ પહેલાં અમેરિકાના સેલબરીમાં સગીરે આડેધડ ગોળીબાર કરતાં મોત થયું હોવાનું સામે આવ્યુ છે. ગોળીબાર સમયે મૈનાંકની પત્ની તેને બચાવવા દોડી હતી, પણ મૈનાંક બચી શક્યો નહિ. મૈનાંક ગેસ સ્ટેશનના સ્ટોરમાં મેનેજર તરીકે નોકરી કરતો હતો.
ભારતીય સમય પ્રમાણે ગત રાત્રે 11.30 વાગ્યે અમેરિકામાં તેના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા. મૃતકની વડોદરામાં રહેતી બહેને જણાવ્યું કે- મારો ભાઈ મૈનાંક ધો.1થી 12 સુધી વડોદરામાં ભણ્યો અને બેચલરના વધુ અભ્યાસ માટે 2007માં અમેરિકા ગયો. તેણે ત્યાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો અને પછી ત્યાં જ સ્થાયી થઈ ગયો. 13 ઓગસ્ટે તેના પર એક સગીરે ગોળીબાર કર્યો અને આ દરમિયાન મારા ભાભી ગેસ સ્ટેશનના સ્ટોરની બહાર હતાં. ત્યારે ગોળીનો અવાજ સાંભળીને ભાભી દોડ્યા અને ભાઇને તરત જ હોસ્પિટલ લઇ જવાયો જો કે તેનું મોત થઇ ગયું.
એવું સામે આવ્યુ છે કે મૃતકના માતા-પિતા 6 મહિના પહેલાં જ તેની સાથે અમેરિકા રહેવા ગયાં હતાં અને મૈનાંક, તેની પત્ની અને પુત્ર સાથે રહેતા હતા. જો કે મૈનાંકની બહેનના ફેબ્રુઆરી-2024માં લગ્ન હતા ત્યારે મૈનાંક પરિવાર સાથે વડોદરા આવ્યો અને આ તેની મુલાકાત છેલ્લી બની રહી. મૈનાંક પછી તેનાં માતા-પિતાને ગ્રીન કાર્ડ મળતાં તેઓ 6 મહિના પહેલાં જ અમેરિકા દીકરા સાથે રહેવા ગયાં હતાં, જો કે દીકરા સાથે રહેવાનાં તેમનાં સપના અધૂરાં રહી ગયાં. હાલ તો પરિવાર દીકરાને ગુમાવ્યા બાદ આઘાતમાં છે. 36 વર્ષિય મૈનાંક પટેલ નોર્થ કેરોલિના રાજ્યના સેલબરી ખાતે રહેતો હતો અને સોલાટ સિટીમાં ગેસ સ્ટેશન ખાતે આવેલા સ્ટોરમાં નોકરી કરતો હતો.
ઘટનાની વાત કરીએ તો, 13 ઓગસ્ટે સવારે સ્થાનિક સમય મુજબ 11.15 વાગ્યે સ્ટોરમાં આવેલા બુકાનીધારીએ લૂંટના ઇરાદે પોતાની પાસે રહેલી બંદૂકથી મૈનાંક પર આડેધડ ગોળીઓ વરસાવી અને ભાગી છૂટ્યો. સગીરે સ્ટોર પર લૂંટનાં ઈરાદે આવ્યો હતો અને ગન બતાવતાં મૈનાંકે પણ ગન કાઢી જો કે એ પહેલાં જ સગીરે ધડાધડ ગોળીઓ વરસાવી અને મૈનાંક ત્યાં જ ઢળી પડ્યો. ઘટના બાદ પોલીસે સ્ટોરમાં લગાવેલા અને આસપાસના CCTV ફૂટેજ તપાસ્યા અને એક શ્વેત બુકાનીધારી કાળાં કપડાંમાં ભાગતો દેખાયો. પોલીસે તેની ઓળખ કરી રાત્રિના 8.30 વાગ્યે તેને ઝડપી લીધો.