વડોદરા : પતિ-પત્નીનો જીવન મરણનો સાથ ! પત્નીના મોતના સમાચાર સાંભળતા પતિ પણ પ્રાણ પંખેરું ઉડી ગયું…

મંદિર જતા પત્નીનું અકસ્માતમાં મૃત્યુ થયાની જાણ થતાં જ પતિનું પણ પ્રાણ પંખેરું ઉડી ગયું, અંતિમયાત્રામાં લોકો ઉમટી પડ્યા

લગ્ન સમયે પતિ-પત્ની એકબીજાને સાત જન્મ સુધી સાથે રહેવાનું અને સાથ આપવાનું વચન આપે છે. આ વચન આજના જમાનામાં લોકો જ્યાં એક જન્મ પણ નથી નિભાવી શકતા ત્યાં એક પતિ-પત્નીએ તેમનું જીવન સાથે નિભાવ્યુ અને તેમનું મોત પણ એક જ દિવસે થયું. આ કરુણ ઘટના વડોદરામાંથી સામે આવી છે. જેમાં પત્નીનું અકસ્માતમાં મોત થયું હોવાની માહિતી મળતા ઘરે પતિનું પણ પ્રાણ પંખેરુ ઉડી ગયું. બંનેની અંતિમયાત્રા એક સાથે નિકળી હતી. આ અંતિમયાત્રામાં પરિવારજનોનું કરુણ આક્રંદ જોઇ સૌ કોઈની આંખોમાં આંસુ આવી ગયા હતા.

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, 61 વર્ષીય સુશીલાબેન અમીન વડોદરાના માંજલપુરમાં માણેજા ક્રોસીંગ રાજમણી સોસાયટીમાં રહે છે. તેઓ મંગળવારના રોજ સવારે 6 વાગ્યાના સુમારે મહાદેવના મંદિરે દર્શન કરવા જતા ત્યારે રોડ ક્રોસ કરતા એક બાઇક ચાલકે ટક્કર મારી અને તેમને માથામાં ગંભીર ઇજાઓ પહોંચવાને કારણે 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઘટનાને પગલે મકરાપુરા પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો

અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક સુશીલાબેનનો અકસ્માત થયો હોવાની જાણ થતાં તેમનો પુત્ર અર્પિત દોડી આવ્યો હતો. જો કે, આ દરમિયાન તેને તેની માતાના મોત અંગે જાણ થઇ હતી. જે બાદ સંબંધીઓને અને પડોશીઓને જાણ કરવામાં આવી હતી. સુશીલાબેનના પતિ વાસુદેવભાઇને પત્નીના મોતની જાણ થયા બાદ તેમને આઘાત લાગ્યો અને તેમનું ત્યાં જ હાર્ટ એકેટ આવવાને કારણે મોત થયુ.

જો કે, તેમને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, પરંતુ તેમને સારવાર મળે એ પહેલા જ તેમનું મોત થયુ હતુ. માતા અને પિતાનું એક જ દિવસે મોત થતા અમીન પરિવાર પર તો જાણે દુખોનો પહાડ તૂટી પડ્યો હતો. પતિ-પત્ની બંનેની અંતિમયાત્રા એકસાથે જ નિકળી હતી. જેમાં પાડોશીઓ અને સંબંધીઓ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. જણાવી દઇએ કે, મૃતક વાસુદેવભાઇ માણેજા ખાતેની ABB કંપનીમાંથી નિવૃત્ત થયા હતા.

Shah Jina