વડોદરામાં રખડતા ઢોરનો આતંક : રસ્તા પર દોડતી ગાયે માર્યો કાર પર કૂદકો, બોનેટનો બોલાઇ ગયો કૂરચો

વડોદરામાં PM મોદીના સભા સ્થળ નજીક ગાય કાર સાથે અથડાતા બોનેટ ચીરાઇ ગયું…વીડિયો જોતા જ ધ્રુજી ઉઠશો તમે

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી સતત રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. રખડતા ઢોર રસ્તામાં આવતા જતા વાહનો પર પણ ઘણીવાર હુમલો કરી દે છે, તો ઘણીવાર તેઓ રાહદારીને પણ પોતાની અડફેટે લેતા હોય છે. ત્યારે અવારનવાર રખડતા ઢોરને કારણે કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થતા હોય છે. રખડતા ઢોરની ફરિયાદ ઘણીવાર નાગરિકો દ્વારા તંત્રને કરવામાં આવતી હોય છે પરંતુ કેટલાક સમાચાર સામે આવતા તંત્ર આંખ આડા કાન કરી રહ્યુ તેમ લાગે છે. ત્યારે હાલ વડોદરા ખાતેથી રખડતા ઢોરના આતંકનો એક કિસ્સો સામે આવ્યો છે.

રસ્તા વચ્ચે દોડતી ગાયે કાર પર કૂદકો માર્યો હતો અને તેને કારણે કારના ભૂક્કા બોલાઇ ગયા હતા અને બે લોકોને ઇજા પણ થઇ હતી. આ દરમિયાનના CCTV ફુટેજ પણ સામે આવ્યા છે. ઘટનાની વિગત જોઇએ તો, પીએમ મોદીની જ્યાં સભા છે એ લેપ્રસી મેદાનથી એકાદ કિમી દૂર વાઘોડિયા રોડના પ્રભુગરથી વર્ષા સોસાયટી જવાના રસ્તા પર ક્રિષ્ના પાર્ક સોસાયટીના ટીપી રોડ પર આ ઘટના ઘટી હતી. જેના CCTV ફુટેજ સામે આવ્યા છે.

ગાય એટલી જોરથી કાર સાથે ટકરાઇ હતી કે કારનું બોનેટ પણ ચકદાઇ ગયુ હતુ. કારની વિન્ડ સ્ક્રીનના પણ ભૂક્કા બોલાઇ ગયા હતા. બુધવારના રોજ બપોરે આ અકસ્માત થયો હતો અને તેને કારણે આસપાસના રહીશો પણ દોડી આવ્યા હતા. કાર ચાલક અને સાથીને ઇજા પહોંચી હતી, જેને કારણે તેઓ થોડીવાર બાદ કારની બહાર આવ્યા હતા.

આ વીડિયો સામે આવતા જ વાયરલ થઇ ગયો હતો. જણાવી દઇએ કે, છેલ્લા એક મહિનામાં રખડતા ઢોરે 10થી વધુ લોકોને અડફેટે લેતા તેમને ઇજા થઇ હતી. રખડતા ઢોરના આતંકને લીધે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

Shah Jina