રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડેલા ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઇ છે, ત્યારે આ વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટ આપવામાં આવ્યુ છે. ભારે વરસાદને કારણે વડોદરાની દશા બગડી છે. વડોદરામાં જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. લોકોના ઘરમાં-દુકાનોમાં પણ પાણી ભરાઇ ગયા છે અને વિશ્વામિત્રી નદીના મગરો પાણીની સાથે શહેરમાં ઘૂસી ગયા છે.
ત્યારે આ વચ્ચે હવે જનતાનો બળાપો જોવા મળી રહ્યો છે. વડોદરાના જાગૃત નાગરિક અને કરણી સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોડ બાપુએ વડોદરાને ડુબાણમાં લઈ જનાર નેતાઓ સામે આક્રોશ ઠાલવ્યો છે. તેમણે આ પૂરની સ્થિતિને કૃત્રિમ પુર ગણાવી આકરા પ્રહારો કર્યા. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેને ગુજરાત કોંગ્રેસે X એકાઉન્ટ પર શેર કર્યો છે.
મહેન્દ્રસિંહે કહ્યું કે, ઓરિજિનલ મગરો તો માર્કેટમાં બેઠા છે જે મારા વડોદરાને ખાઇ ગયા. છેલ્લા 30 વર્ષમાં કોતરો અને લોકોની ગૌચર જમીનો પચાવી છે અને આજે શહેરની શું હાલત કરી છે. વડોદરા હરણી કાંડ અને સ્મશાનમાં લાકડા પર ભ્રષ્ટનેતાઓ 18 કરોડ 36 લાખના ભજીયા તળીને ખાઈ ગયા. મગરને પકડવાના લોકો હેલ્પલાઈન નંબર મૂકે છે પણ ઓરિજીનલ મગર ખંડેરાવ માર્કેટમાં બેઠા છે જે વડોદરાને ખાઈ ગયા.
ગુજરાતની જનતાની જુબાની ભાજપના ભ્રષ્ટાચારની કહાની..
ગુજરાતની જનતા 30 વર્ષથી ભાજપ ભ્રષ્ટાચારથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.. pic.twitter.com/2MMxOKiW8N
— Gujarat Congress (@INCGujarat) August 28, 2024