વડોદરાના ભાયલીમાં 16 વર્ષિય સગીરા પર નરાધમોએ નવરાત્રિના બીજા દિવસે એટલે કે 4 ઓક્ટોબરે રાત્રે સામુહિક દુષ્કર્મ ગુજાર્યુ હતુ, ત્યારે આ મામલે હવે મોટી અપડેટ સામે આવી છે. આ કેસના આરોપીઓને 48 કલાક બાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. એવું સામે આવ્યુ છે કે 3 આરોપીઓ ઉત્તરપ્રદેશના બીજા ધર્મના છે. આ ઘટના જિલ્લા પોલીસ તંત્રના તાલુકા પોલીસ મથકની હદમાં બન્યો હોવાને કારણે શહેર ક્રાઈમ બ્રાન્ચ ઝડપાયેલા આરોપીઓને જિલ્લા પોલીસને સોંપશે.

જણાવી દઇએ કે, હવે સામુહિક દુષ્કર્મ માટે બદનામ થઈ ચૂકેલા વડોદરામાં બીજા નોરતે એટલે કે 4 ઓક્ટોબરે રાત્રે 11.30 વાગ્યા આસપાસ 16 વર્ષિય સગીરા જ્યારે તેના મિત્ર સાથે બેઠી હતી ત્યારે નરાધમોએ તેના પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું. ભાયલીથી 2 કિલોમીટર દૂર વિસ્તારમાં સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી, ત્યારે નરાધમોએ મિત્રને ગોંધી રાખી સગીરા પર સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતુ.

આ ઘટના રાત્રે 12થી1 વાગ્યાના સુમારે બની હોવાનું કહેવાઇ રહ્યુ છે. સગીરા અને તેનો મિત્ર પશ્ચિમ વિસ્તારનાં રહેવાસી છે. ઘટનાની ફરિયાદ તાલુકા પોલીસ મથકમાં નોંધાતા પોલિસ એક્શનમાં આવી ગઇ હતી. ભાયલી-બીલ રોડ પર આ ઘટના બની હતી. રીપોર્ટ અનુસાર, ઘટના નજીકમાં રોડના ડિવાઇડર પર પહેલાથી 5 યુવાનો દારૂની મહેફિલ માણી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. આ યુવાનોએ ડિવાઇડર પર બેસી વાતો કરી રહેલી સગીરા અને તેના મિત્રને જોયા અને 5 પૈકી 2 બાઇક લઇ જતા રહ્યા હતા.

જ્યારે નશામાં ચૂર ત્રણ યુવાનો સગીરા અને તેના મિત્ર પાસે પહોંચ્યા અને અભદ્ર વર્તન કર્યું. આ દરમિયાન એક યુવાને સગીરાના મિત્રને પકડી રાખ્યો અને બાકીના બે યુવાનો સગીરાને નજીકમાં ખેંચી જઇ દુષ્કર્મ આચર્યું. આ પછી બધા ત્યાંથી નીકળી ગયા. પોલીસ અને એફએસએલની ટીમને સ્થળેથી પીડિતાના ઘરેણાંની ઘૂઘરી, ચશ્મા સહિત આરોપીના ગેઝેટ પણ આવ્યા હતા.
