ખબર

વડોદરામાં ચાના કેબિનમાં રાત્રીના સમયે ચોરી કરી રહેલા ચોરને રોકવા ગયો સિક્યુરિટી ગાર્ડ, તસ્કરોએ ધારદાર હથિયારના 10 ઘા ઝીંકીને પતાવી દીધો

લગ્નના એક મહિના પહેલા જ યુવકની કરી નાખી હત્યા, ચાની કેબિનમાં ચોરી કરવા ગયેલા ચોરને રોકવા ગયો હતો.. જાણો સમગ્ર મામલો

Vadodara security guard killed : ગુજરાતમાં હત્યાના મામલાઓ સતત સામે આવી રહ્યા છે. ઘણા બધા લોકોની અંગત અદાવતમાં તો કોઈની પૈસાની લેતી દેતીના મામલામાં હત્યા કરી દેવામાં આવે છે. પરંતુ હાલ વડોદરા (vadodara) માંથી એક એવી ઘટના સમયે આવી છે જેને લઈને ચકચારી મચી ગઈ છે. અહીંયા ચોરોએ એક સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી દીધી હતી.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરાની બહારથી પસાર થઇ રહેલા નેશનલ હાઇવે (National Highway) પર વાઘોડિયા ચોકડી પાસે આવેલા જય અંબે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહેલા સુરેશભાઈ હરિભાઈ ભરવાડને મોડી રાત્રે એપીએમસીની સામે આવેલ ચા-નાસ્તાની કેબિન તૂટવાનો અવાજ આવ્યો હતો.

જેના બાદ તે ત્યાં સ્થળ પર પહોંચ્યો તો જોયું કે કેટલાક તસ્કરો કેબીન તોડી રહ્યા છે અને તેથી જ તેને આ કેબીન કેમ તોડો છો તેમ પૂછ્યું. જેના બાદ કેબીન તોડવા આવેલા તસ્કરો સુરેશ ઉપર ત્રાટક્યા હતા અને સુરેશના છાતીના ભાગમાં 8થી 10 તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. જેના બાદ તમામ ચોર ત્યાંથી ફરાર થઇ ગયા.

આ હુમલાના કારણે સુરેશનું ઘટના સ્થળે જ ઢીમ ઢળી ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે તાબડતોબ આવી પહોંચી હતી અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી પણ કબ્જે કરી હતી. આ ઉપરાંત પોલીસને ઘટના સ્થળેથી આરોપીની બાઈક પણ મળી આવી હતી. જેના આધારે પોલીસે આરીફ ગનીમીયાં શેખ નામના વ્યક્તિની ગણતરીના સમયમાં જ ધરપકડ કરી લીધી.

સુરેશ ભરવાડ મૂળ ખંભાત તાલુકાના વરણેસ ગામનો વતની હતો. એક વર્ષ પહેલા જ તે પોતાના પરિવાર સાથે વડોદરામાં સ્થાયી થવા માટે આવ્યો હતો અને નેશનલ હાઇવે પર આવેલા એક ગોડાઉનમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આગામી 30 મેના રોજ સુરેશનe લગ્ન પણ હતા. ત્યારે દીકરાના લગ્નના એક મહિના પહેલા જ તેની હત્યા થવાના કારણે પરિવાર માથે પણ દુઃખોનું આભ તૂટી પડ્યું છે.