ધાર્મિક-દુનિયા

ધડ કપાય અને માથું લડે એવા વીર વાછરાદાદાનો આ ઇતિહાસ જાણવા જેવો છે, વાંચીને જય વાછરદાદા જરૂર કહેજો !!

આપણા દેશમાં ઘણાં શુરવીરો થઇ ગયા છે જેમને દેશ અને સંસ્કૃતિની રક્ષા માટે પોતાના પ્રાણ પણ ત્યજી દીધા છે. ઘણા શુરવીરો દેવ તરીકે આજે પણ પૂજાય છે એવા જ એક દેવ છે વીર વાછરાદાદા, જેમનો ઇતિહાસ આજે પણ અમર છે, તમેના શૌર્યની કથાઓ આજે પણ સૌરાષ્ટ્રના ઘર ઘરમાં સંભળાય છે. તો ચાલો આજે આપણે વીર વાછરા દાદાના ઇતિહાસ વિષે જાણીએ.

Image Source

બહુચરાજી તાલુકાનું કાલેરી ગામ, જ્યાં દિવ-ઘોધલાના રાજવીને ત્યાં મોટી ઉંમરે પુત્ર જન્મ થયો. વધાઈઓથી રાજભવન ઉભરાઈ ગયું. પુત્રએ માનું થાન મુખમાં લીધુ જ નહિ. ધાવણ ધાવ્યા જ નહિ. કેવલ વાયુના ભક્ષણથી ઉછર્યા એટલે વિધ્વાન બ્રાહ્મણોએ વચ્છરાજ એવું નામ  પાડ્યું. બાળપણમાં જ તેમને ગૌરક્ષાના સંસ્કારો વારસામાં મળ્યા અને ત્યારથી તે ગૌરક્ષા માટે પોતાનો જીવ પણ આપવા માટે તૈયાર થઇ ગયા હતા.

બીજી તરફ કચ્છમાં ચારણ પરિવારમાં દેવલબેન નામે દીકરીને સંસાર અસાર લાગ્યો. ગાયોની સેવામાં ઈશ્વરના દર્શન થયા. એટલે પોતાની ગાયો હાંકીને કાઠીયાવાડમાં આવ્યા. જીંજકાને ટીંમ્બે ડુંડાસ ગામની ભાગોળે ગાયો માટે ચરાણ અને પાણી માટે વાવ તથા અવેડો જોઇને રોકાયા. ત્યાં એક હનુમાનજી બાપાનું મંદિર. વયોવૃદ્ધ સંતશ્રી શ્યામદાસજી બાપુ તેની સેવા પુંજા કરતા અને ગાયો માટે પાણીનો અવેડો ભરતા. દેવલબેને શ્યામદાસજી બાપુ તેની સેવા પૂજા કરતા અને પાણીનો અવેડો ભરતા. દેવલબહેને શ્યામદાસજી બાપુ પાસેથી ગુરૂ મંત્ર લીધો. પિતા તુલ્ય શ્યામદાસજી બાપુ અને હનુમાનજી દાદાને ઓથારે કાયમી ગૌસેવાના આશરો લીધો. દેવલબહેન પાસે ૧૦૦ ગાયો હતી. તેમાં એક વેગડ નામની ગાય હતી. જેના દુધનો દીવો બળતો.

Image Source

સમય વીતતો ગયો વચ્છરાજ સોલંકી યુવાન થયા તેમના લગ્ન લેવાયા, કંકાપુરીના કનક ચાવડાના માંડવે જાન પરણવા માટે જાય છે. માર્ગ બહુ લાંબો હતો, રસ્તામાં જાનૈયાઓને તરસ લાગી, પાણીની શોધ કરવા લાગ્યા. એવામાં ગાયોનું રહેઠાણ હનુમાનજી મંદિર, સંતોની કુટિયા, પાણીની વાવ, અવેડો દેખાયો, જોતા જ વેલડા ઉભા રહયા. પાણી માટે સૌ ઉતરવા મંડ્યા. અતિથિને દેવ માનનારી દેવેલબેહેન હરખાતા ઉતાવળા પગલે સામે દોડયા. બે હાથ જોડી ઉજળો આવકાર આપ્યો. જાનૈયાઓએ પીવા માટે પાણી માગ્યું. દેવેલબેહને પોતાના બન્ને હાથના થાપા જય ગુરૂ મહારાજ નાદ સાથે ધરતી ઉપર જીંકયું. ધરતીના પેટાળમાંથી ગંગાજળ સમાં નીરની ધારા વહેતી થઈ. વીરડીમાંથી બેહનશ્રીએ ચુંદડીને છેડે આખી જાનને પાણી પાયું. સૌની તરસ છિપાણી.

બહેનની સેવા અને સત જોઈ સૌ કોઈ અચરજ પામી ગયા. વીર વચ્છરાજ વરરાજાએ આગળ આવી બહેનને પ્રણામ કર્યા. બહેન હું એક રાજપૂતનો દીકરો છું. દિવ મારી રાજધાની છે અને વરરાજો પણ છું. તમે મારી જાનના હૈયા ટાઢા કર્યા. મારા ક્ષત્રિય ધર્મ પ્રમાણે મારે કપડું કરવું જોઈએ. બહેન માગો, જે માંગશો તે આપીશ. મારૂ વચન છે. દેવલબહેને કહ્યું: ભલે ભાઇ લાડે કોડે પરણવા જાઓ, મારા આશીર્વાદ છે. મારે જરૂર પડશે ત્યારે માંગીશ.

Image Source

વીર વચ્છરાજની જાન બહેનના આશીર્વાદ લઈને કંકાપુરીના માર્ગ તરફ ચાલવા લાગી, કંકાપુરીમાં જાનનું સ્વાગત થયું, સામૈયું કરવામાં આવ્યું, વીર વચ્છરાજ ચોરમાં બેઠા, ફેરા ફરવાના શરૂ થયા, ત્રણ ફેરા પ[પૂર્ણ થયા. તો બીજી તરફ ડુંડાસ ગામની ભાગોળે દેવલબહેનના નેસડે બહારવતીઓએ બંધૂકના હદકે ગામ ગુંજવી મૂક્યું, દિવસ આથમવાનો સમય હતો, બહારવટિયાઓ ગાયોને બળ જબરીથી હંકારીને લઇ ગયો, દેવલબહેન કરગરતા રહ્યા પણ બહારવટિયો એક ના માન્યો, દેવલબહેને વીર વચ્છરાજ પાસે રક્ષણ મેળવવું માટે કંકાપુરીનો માર્ગ પકડ્યો.

કંકાપુરીમાં વીર વચ્છરાજ લગ્નની ચોરીમાં ત્રીજો ફેરો પૂર્ણ કરી ચોથો ફેરો માંડવાની તૈયારીમાં જ હતા ત્યાં દેવલબહેન દોડતા આવ્યા, વીર વચ્છરાજે દેવલબહેનને સામે જોયા. ફાટેલી લાલ આંખો, છુટા વાળ, મોઢેથી ભાઈ ભાઈ મારી સોએ ગાયોને બહારવટિયા વાળી ગયા. સાંભળતાજ વીર વચ્છરાજે તલવારના એક જ ઝાટકે વરમાળા કાપી. અને ઘોડે બેસી ગયા, અને ઘોડાને ભગાવતા પહોંચ્યા ડુંડાસ ગામને ગોંદરે.

Image Source

તેમની પાછળ પાછળ બહેન દોડ્યા અને જાનના વેલડાઓ પણ દોડ્યા. વચ્છરાજ વરરાજાએ બહારવટિયાઓને કહયું. “આ સતી ચારણ દેવલબહેનની ગાયો છે. આ ન લઈ જાઓ, એક બહેન – દીકરી અબળા અને તેની ગાયો બળજબરીથી લઈ જવી એમાં શુરવીરતા નથી. આવો આ ગાયોથી સારી અને વધુ ગાયો મારા રાજયમાંથી તમને આપુ.”

નિષ્ઠુર બહારવટિયા એકના બે ન થયા. અને ગાયો પાછી ના આપી, જેથી મોતનું તાંડવઃ ખેલાયું, ધીંગાણું વિફર્યું. વીર વચ્છરાજે પ્રતિજ્ઞા લીધી કે “તલવારની પીંછીયે પાણી મુક્યું. કોઈ એકને પણ જીવતો જવા દવ તો બ્રહ્મ હત્યાનું પાપ છે.” આંખો લાલ થઈ, અગ્નિ વરસવા લાગ્યો. રોમેરોમમાં શુરાતન ઉભરવા લાગ્યું. “દેવલબહેન આ ભયંકર ધીંગાણું છે. તમે ડરશો નહિ. વિજય આપણો છે. કોઈકની તલવારે મારું માથું કપાય તો એ આકાશમાં ઊછળશે. ત્યારે તમે એ માથું તમારી સાડીના પાલવમાં જીલી લેજો અને મારા ધડ ઉપર મુકશો એટલે હું સજીવન થઈશ અને ફરી પાછો યુધ્ધે ચડીશ. માથું ધરતી ઉપર પડવા દેશો નહી, પડશે પછી હું સજીવન નહિ થાઉં.” એવું વીર વચ્છરાજે દેવલબહેનને કહ્યું. અને બહારવટીઓની સામે પડ્યા.

Image Source

સાત દિવસ અને સાત રાતો સુધીઘમાસાણ યુધ્ધ ચાલ્યું. તેમાં અનેકવાર દાદાનું મસ્તક કપાયું અને દેવલબહેનને  તેને પાલવમાં જીલી લેતા, ધડ ઉપર પાછું મૂકતા જ દાદા સજીવન થઇ જતા. સાતમાં દિવસે દાદાનું મસ્તક કપાયું ઉછળીને દૂર ધરતી ઉપરપડી ગયું. બહેનને અફસોસ થયો, અને બોલી ઉઠ્યા: “મારા વીરાની પ્રતિજ્ઞા પૂરી ના થઈ. કાળા મોઢાળા હજી કોક કોક જીવતા મુઆ છે.” આ સાંભળતા જ ધડને વાચા ફૂટી:  “બહેન ચિંતા કરીશ નહીં. તલવાર હાથમાં છે. માથા વગરનું ધડ લડશે.” મારો મારો કરતું ધડ બહારવટિયાના ટોળા ઉપર ત્રાટકયું. બહારવટિયા જીવ બચાવવા ભાગ્યા. પાછળ ધડને હાથમાં તલવાર. મહુવા પહોંચતા સુધીમાં તો બધાયના ઢીમ ઢાળી દીધા.

આ ધડની શુરવીરતા જોતા મહુવાના લોકો ભાગવા લાગ્યા, બચાવો… બચાવો… ત્યાં કોઈએ ગળીના દોરે ધડ અભડાવ્યું. મહુવાને પાદર ધડ ઢળી પડ્યું. તોયે શુરવીરનું ધડના અંગે અંગમાં વીરતા ઉભરાઈ નીકળેલી. ડાબી ભુજા ખેંચાઈ, ધીંગાણે ચડેલી ભુજા દાઠા ગામના દરવાજે પડી. જમણી ભુજા ખેંચાઈ તે પાંચાળમાં પડી. દાદાનો રેવત ઘોડો પડાણામાં જઇને પડ્યો.

Image Source

સોલંકી શુરવીર વીર વચ્છરાજનું તેજ અખંડ બ્રહમમાં સમાય ગયું. આ ધર્મ યુધ્ધમાં ઢોલીવાળા સહીત આખી જાન વીરગતિને પ્રાપ્ત થયા. સોલંકી વીર વચ્છરાજ દાદાનું મસ્તક ડુંડાસ ગામે મદિરમાં પુંજાય છે. ધડ મહુવાના મંદિરમાં પુંજાય છે. ડાબો હાથ દાઠા ગામે પૂજાય છે. દાદાની જાનમાં જે જે કુળના પૂર્વજો વીર ગતિને પામ્યા તે તે સઘળા કુળમાં પૂજાય છે. અને વિશેષ તો વીરતા અને બલિદાનની કદરદાન દૃષ્ટિવાળા તમામ લોકો પુંજાય છે.

આજે પણ આ અમ્ર કથા લોકોના હૈયે વસેલી છે, વાછરા દાદા પાસે જે કોઈ પણ પ્રેમ ભાવ અને સાચી ભક્તિથી માન્ગે છે તેમની મનોકામના દાદા જરૂર પૂર્ણ કરે છે. આજે પણ દાદાનું એટલું જ સાત જોવા મળે છે.

Image Source

જય વાછરા દાદા !!! આવા જ ધાર્મિક અને માહિતી સભર લેખ વાંચવા માટે જોડાયેલા રહો અમારી સાથે, આ લેખ તમને કેવો લાગ્યો જરૂર જણાવજો !!!