લેખકની કલમે

“વચન – મિત્રતાનું…” – દુનિયામાં લોહીના સંબંધો કરતા પણ કેટલાક સંબંધો અધિક સત્વ વાળા હોય છે. વાંચો આજની આ સુંદર સ્ટોરી મિત્રતાની પરિભાષા સમજાઈ જશે !!

“એક વ્યક્તિ એવો જેનો, ભરોસો કરું બની હું અંધ.
એ બીજું કોઈ નહિ, છે મારો ભાઈથી અધિક ભાઈબંધ…”
– અલ્કેશ ચાવડા ‘અનુરાગ’

એક નાનકડું ગામ. ગામમાં માંડ બસો ત્રણસોની વસ્તી. આખું ગામ ખૂબ સંપીલું. બધા લોકો પોતપોતાની થોડી ઘણી જમીન પર ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવતા. ખેતીમાંથી બધાને એટલી આવકતો થઈ જ જતી કે ખાઈ પી અને આવતા વર્ષ ભેગા થઈ જાય અને પોતાના નાનામોટા સામાજિક વ્યવહારો પાર પાડી શકે.
એ ગામમાં એકબીજાની પડોશમાં બે મિત્રો પણ રહેતા. બંનેની મિત્રતા એટલે જાણે કૃષ્ણ અને સુદામાની મિત્રતાજ જોઈ લો. એકબીજાના સારા નરસા પ્રસંગે બંને મિત્રો ભેગા મળી કામ કરી લેતા. ખેતીનું કામ હોય કે બીજું કાંઈ કામ બંને સાથે ને સાથે જ હોય. એકના પરિવારમાં એની પત્ની અને દસ વર્ષનો એનો દીકરો તો બીજા મિત્રના પરિવારમાં ભાઈને એક પાંચ વર્ષની દીકરી. એની પત્નિ વર્ષ પહેલાજ ઝેરી તાવ આવતા ભગવાનને વ્હાલી થઈ ગઈ હતી. બંને મિત્રોનો સંપ જોઈ અજાણ્યા માણસ ને તો એમજ લાગે કે આ બંને સગા ભાઈઓ હશે. એકબીજાના ઘર પણ પડોશમાં હોવાથી એકબીજાનો આખો પરિવાર કાંતો આ ઘરે અથવા બીજા ઘરે સાથેજ હોય. એક મિત્ર બીજાના પુત્રને પોતાનોજ પુત્ર અને બીજો પેલી દીકરીને પોતાની સગી દિકરીથીયે અધિક સ્નેહ આપતો… લોકો પણ કહેતા કે “વાહ ભાઈબંધી હોય તો આ બે જણ જેવી…!!!”
વર્ષો વીતતા એક ઘટના એવી બને છે કે એક મિત્ર નો દીકરો સખત તાવમાં પટકાય છે. ઘણી બધી દવા કરાવવામાં આવે છે ત્યારે એક મહિને માંડ એ બેઠો થાય છે. એક તો દસ વર્ષનો કુમળો જીવ અને એમાંય ભારે પાવર વાળી એલોપેથી દવાની અસર એવી થાય છે કે એને તાવ તો મટે છે પણ દવાની ગરમીની અસર એની આંખો પર થાય છે. આંખોમાં સખત બળતરા અને સતત પાણી આવવાની સમસ્યા ઉદભવે છે. ફરીથી એને દવાખાને બતાવવામાં આવે છે. ડોકટર દવાતો આપે છે પણ એની ખાસ અસર થતી નથી. ફરિયાદ વધતી જાય છે અને એક દિવસ એ દસ વર્ષના બાળકની આંખોની રોશની સદા માટે ચાલી જાય છે. એ સદા માટે અંધ બની જાય છે. માત્ર એક નહિ પણ બંને મિત્રો માથે જાણે મુસીબતનો પહાડ તૂટી પડે છે. ડોકટર પણ કહે છે કે…”હવે આ છોકરો ફરી દેખતો તોજ થઈ શકે કે કોઈ બીજા માણસની આંખ એને મળે…”
એ રાત્રે મિત્રના દીકરાના ભવિષ્ય માટે જોયેલા સુંદર સ્વપ્નો કે એ છોકરો ભણી ગણી ખૂબ મોટો માણસ બને એ બીજા મિત્રને રોળાઈ જતું લાગ્યું. રાત્રે મોડે સુધી ખૂબ વિચાર કર્યો અને બીજા દિવસે સવારે પોતાના મિત્રને પોતાનો નિર્ણય જણાવ્યો કે…

“હું, તારા દીકરા ને મારી આંખો આપી ફરી દુનિયા દેખતો કરીશ…એને મેં સદા મારો જ દીકરો ગણ્યો છે…”

બીજા મિત્રની મનાઈ છતાં એમની ભાઈબંધીનાં સમ આપી એ મિત્રને મનાવી લે છે અને એક મિત્ર બીજા મિત્રના દીકરા ને પોતાની આંખો આપી મિત્રના દિકરારૂપ ભાવિ જીવનમાં અજવાળા પાથરે છે અને પોતે બની જાય છે અંધ…
વર્ષો વીતતા જાય છે. પોતાના માટે અંધ બનેલ મિત્રને બીજો મિત્ર પછીતો પોતાની સાથે પોતાના ઘર માજ સદા માટે રાખી લે છે. જુવાન થતી જતી એની દીકરીને પણ સગા પિતા થિયે અધિક સ્નેહ આપતો જાય છે. પિતાના મિત્રની આંખો પામી દુનિયા દેખતો થયેલ એ યુવાન છોકરો શહેરમાં ભણે છે અને આ બાજુ ગામડે અંધ બનેલ મિત્રની દીકરી યુવાનીમાં પ્રવેશી લગ્નની ઉંમરની થાય છે.

…વર્ષો બાદ ફરી એકવાર કાળનું ચક્કર બંને મિત્રોના જીવનમાં ફરે છે અને આ વખતે કાળ ફરી એકવાર તાવની બીમારીમાં એ દીકરીના અંધ બાપ નો જીવ લે છે. મરતી વેળાએ બીજો મિત્ર એના મિત્રના માથા પર હાથ મૂકી એને વચન આપે છે કે…
“મારા ભાઈ, તું દીકરીની સહેજ પણ ચિંતા ન કર. એ મારી જ દિકરી છે. એના લગ્ન અને બીજા બધા વ્યવહાર હું મારું ખોરડું વેચીને પણ પુરા કરીશ. આ દીકરી ને બાપ ની ખોટ કદી નહિ સાલવા દઉં. તે મારા દીકરા માટે આપેલી કુરબાની સામે તારી દીકરી માટે હું જે કાંઈ કરીશ એતો કાંઈ નથી…”
મરતા ટાણે મિત્રની આટલી હૈયા ધારણા થી એ ભાઈ મોઢા પર આછેરા સ્મિત સાથે સદા માટેની નીંદમાં પોતાના મિત્રના ખોળામાજ અંતિમ સ્વાસ્ લે છે…
મિત્રની દીકરીના લગ્નનો પ્રસંગ આવે છે. પ્રસંગ પાર પાડવા અને દીકરીને ઓછું ન આવે એમ એ પ્રસંગ પાર પાડવા બેઉ માણસ વિચારે છે. પણ પ્રસંગ કઈ રીતે કરે ? ઘરમાં તો ઝાઝી મૂડી પણ ન હતી. જે કાંઈ બચત થતી એ દીકરાના ભણતર પાછળ ખર્ચાતી હતી. અને એ ભાઈ અને એની પત્ની દિકરી ને ખબર ન પડે એમ પોતાનું ઘર શેઠને ત્યાં ગીરવે મૂકી લગ્ન માટે રૂપિયા લઇ આવે છે… અને પોતે મિત્રને આપેલા વચન મુજબ એ દીકરીના ધામધૂમથી લગ્ન કરે છે. ઘર ગીરવે મૂક્યું એ વાતની જાણ એ દંપતિ અને ત્રીજા એ શેઠ સિવાય કોઈને થતી નથી.
સાસરે વિદાય થતી દીકરી ને એ વિચારે ખૂબ રડું આવે છે કે એક સગો બાપ પણ ન કરે એટલા વ્હાલ અને લાડકોડ થી એના પિતાના ભાઈબંધે પોતાને પરણાવી. આ વિચારે ફરી ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા એ દીકરી વીંટળાઈ વળે છે એના પિતાના અને પોતાના બાપ સમ એ ભાઈ ને… ભારે હૃદયે મિત્રની દીકરીને વિદાય કરી ઘરમાં આવી એ ભાઈ પોતાના મૃત મિત્રના ફોટા સામે જોઈ ચોધાર આંસુએ રડી પડે છે. અને મનોમન કહે છે…
“મારા ભાઈ થિયે અધિક મારા ભાઈબંધ, આપણી દિકરી ને આજે એના સાસરે વળાવી દીધી છે ભાઈ. તને આપેલા વચનને પૂર્ણ કરવાની આ શરૂઆત છે. આ દીકરી ના બધા વ્યવહારો આમ જ હું મારી જાત વેચી ને પણ પુરા કરીશ મારા ભાઈ…જરૂર પુરા કરીશ…”

● POINT :-
દુનિયામાં લોહીના સંબંધો કરતા પણ કેટલાક સંબંધો અધિક સત્વ વાળા હોય છે. અને આમાનો એક સંબંધ એટલે મિત્રતા…
લોકો અત્યારે પોતાના સ્વાર્થમાં પોતાના વચનો અને બીજાના ઉપકારો ભૂલી જાય છે ત્યારે કેટલાક માણસો એવા પણ હોય છે જે વચનને ખાતર, સંબંધને ખાતર પોતાનું સર્વસ્વ કુરબાન પણ કરી દે છે…

લેખક: અલ્કેશ ચાવડા ‘અનુરાગ’
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks