“બકા કાલે હું કલાક મોડી આવીશ.. એમાં એવું છે ને કે મારા મકાનમાલિકને ત્યાં બપોરે જમવાનું છે. મેં તો ઘસીને ના પાડી પણ એ લોકો માન્યા જ નહિ. ઉપરાંત એણે એક જવાબદારી પણ સોંપી કે દાળ ભાત મારે જ બનાવવાના છે. દશેરા લઈને વેવાઈ આવે છે મકાન માલિકને ત્યાં એટલે મારે કલાક જેવું મોડું થઇ જશે હો” પ્રિયંકા એ સંજયને કીધું.
“ કોઈ વાંધો નહિ સ્વીટુ પણ તું આવે ને ત્યારે તારા હાથના બનાવેલા દાળ ભાત લેતી આવજે. દાળ ભાત તો ઘણાં ખાધા પણ તું જે રીતે રસોઈ બનાવે છે ને એનો જગતમાં જોટો જડવો મુશ્કેલ છે. ભગવાને તારા અંગે અંગમાં ખૂબી મૂકી છે અને એ પણ વજનની ભારોભાર મૂકી છે” ચાલીશ વરસની આસપાસ પહોંચી ચૂકેલ આચાર્ય સંજયે એની શાળાની ગણિતની શિક્ષિકા પ્રિયંકાને કીધું અને જવાબમાં પ્રિયંકા મારકણું હસીને પોતાના રૂમ ભણી ચાલતી થઇ. સંજય પોતાની ઓફીસ આગળ એટલે કે આચાર્યની ઓફીસ આગળ ઉભો રહ્યો હતો એને બરાબરની ખાતરી હતી કે પ્રિયંકા હજુ વર્ગમાં જતાં પહેલા છેલ્લી વારની મીઠી કાતર જરૂર જ માણશે. અને થયું એવું જ. ક્લાસમાં જતી વખતે પ્રિયંકાએ આંખોના એવા તીર ચલાવ્યા કે સંજયને સ્વર્ગને આભ વેંતનું છેટું હોય એવો રાજીપો રુદિયામાં વ્યાપી ગયો.
આમ તો બે વરસ પહેલાં બધું ઠીક જ ચાલતું હતું. બધો જ સ્ટાફ નિયમસર આવે ને જાય. ભણાવવાનું પણ સંતોષજનક જ હતું અને અત્યારે પણ સંતોષજનક જ કહી શકાય. પણ બે વરસ પહેલાની ભરતીમાં ગણિત વિજ્ઞાનની ખાલી જગ્યા પુરાણી અને શાળામાં પણ જે ખાલીપો હતો એ ભરાઈ ગયો. બે વરસ પહેલા કેવ શાળામાં આચાર્યની કોઈ પણ મીટીંગ હોય ત્યારે સંજયભાઈ બધાને કહેતાં.

“અમારું ગામ જ એવું કલોગું છે કે વાત જ ન પૂછો!! તમે બધા રોડ ટચ એટલે ફાવી ગયા. સારા સારા તમારે ત્યાં આવે અને અમારે ત્યાં ફાલ ખરી ગયેલાય ન આવે. એક તો ઘરેથી બરાબરના કંટાળ્યા હોઈએ અને નિશાળે જઈએ એટલે વધારે કંટાળવાનું. કોઈ સારું માણસ જોવા જ ન મળે. સમાજવિધા માં પેલો વર્ષા છાયાનો પાઠ નથી આવતો કે ડુંગરની એક બાજુ વરસાદી વાદળો આવે અને ડુંગરની એ જ બાજુ ધોધમાર વરસાદ પડે અને બીજી બાજુ વાદળો કોરા કટ થઈને આવે ત્યાં વરસવાનું તો ઠીક પણ ટીપુંય પાણી નો પડે. બસ અમે અને અમારી નિશાળ ઈ ડુંગરની બીજી બાજુમાં આવીએ છીએ”
આમ તો સંજય એકદમ સીધો અને સાલસ આચાર્ય. જીવન પણ એકદમ દાગ રહિત. મનમાં કોઈ કપટ કે કુડી ભાવના પણ નહિ પણ આ એક અબળખા ખરી કે નિશાળમાં કોઈ એવું સારું માણસ હોય તો આખો દિવસ રહેવાય કોટામાં અને આ શિક્ષકની જોબ કોઈ દિવસ બોજ ન લાગે!!
પણ બે વરસ પહેલા એકી સાથે બે જગ્યાઓ ભરાણી અને એ પણ બને બહેનો. ભાષામાં સુધાબેન આવ્યાં. અને ગણિત- વિજ્ઞાનમાં પ્રિયંકા બહેન. સુધાબેનની થોડી મોટી ઉમર અને એના પતિ બેંકમાં જ નોકરી કરતાં હતા. વળી સુધાબેન અને એના પતિ જે સોસાયટીમાં રહેતા હતા એ જ સોસાયટીમાં આચાર્ય સંજય પોતાના પરિવાર સાથે રહેતો હતો. પણ ગણિત વિજ્ઞાન વાળા બહેન સાવ ફ્રેશ ભરતી હતી. સામાન્ય રીતે ગણિત વિજ્ઞાન વાળા કુશાગ્ર બુદ્ધિ ધરાવતાં હોય છે પણ પ્રિયંકા તો દેખાવમાં પણ સાંગોપાંગ રૂડી અને રૂપાળી. જાણે કે સોનામાં સુગંધ!! એયને આઠમાં ધોરણમાં આવતા ગણિતના પ્રકરણો જેવા જ લાંબા લાંબા વાળ!! ગણિતમાં આવતી બાજુ બાજુ બાજુ એટલે કે બાબાબા શરતની જેમ જ આખી દેહસૃષ્ટિ એકદમ અને અનહદ આકર્ષક!! વળી આધુનિક પણ ખરી અને વસ્ત્રપરિધાનમાં પણ માહિર! ટૂંકમાં પગાર સિવાય કાઈ ઘટે નહિ એવી વાત!! વાણી પણ એકદમ મીઠી કે જાણે તમે ખળખળ કરતુ ઝરણું વહી ન જતું હોય!! એકાદ અઠવાડિયામાં જ સંજયભાઈ આચાર્યમાં આમૂલ પરિવર્તન આવી ગયું!!

આમ તો સંજયભાઈ પોતાના દેખાવ પ્રત્યે ખાસ સભાન નહિ પણ હવે શર્ટની જગ્યાએ ટી શર્ટ અને જોડાની જગ્યાએ વુડલેન્ડના શુઝ આવી ગયાં. માથમાં હવે વાળ કાયમ ઓળેલા અને એમાં પણ ત્રણ ચાર ટીપાં આલ્માંડ હેર ઓઇલના હોય જ!! પહેલા તો સ્ટાફમાં કોઈ અતર છાંટીને આવે તો એ પણ બબડતા કે અતરથી માથું દુખવા આવે એમાં ઝેરી રસાયણો અને દસ ટકા આલ્કોહોલ આવે પણ હવે એ પણ એકી સાથે બે જાતના પરફ્યુમ લગાવવા લાગ્યાં. ટૂંકમાં આખી નિશાળ હવે મઘમઘવા લાગી!! દિવસો વિતતા ગયા એમ વિકાસ થતો ગયો. રોજ એ બનીઠનીને નિશાળે આવવા લાગ્યાં. હવે કેવ શાળામાં પણ એ પરાણે પરાણે જાય. પહેલા તો તાલુકામાં મીટીંગ આવે એટલે ખુશ ખુશ થઇ જતા સંજયભાઈને હવે શાળા છોડવી એ એક પળ માટે પણ પાલવતું નહિ. અને હોય જને કારણકે વરસો પછી શાળામાં કોઈ સારું માણસ આવ્યું હતું!!
ધીમે ધીમે સંજયભાઈ સબંધોમાં નામાંકન કર્યા પછી સ્થાયીકરણ તરફ વળ્યા અને ઠીક ઠીક પ્રમાણમાં ગુણવતા પણ વધવા લાગી. પ્રિયંકા અને સંજય એકલા હોય ત્યારે એક બીજાને તુંકારે બોલાવે પણ જયારે સ્ટાફ મીટીંગ હોય ત્યારે પૂરી મર્યાદા સાથે વહીવટી ભાષામાં સંબોધન કરતાં. પછી તો સંજયભાઈના તમામ કપડાની પસંદગી પણ પ્રિયંકા કરતી.
સંજયભાઈ એમઝોનમાંથી બ્રાન્ડેડ કપડાં મંગાવતા થયા. પછી તો પ્રિયંકાના ટીફીનનું એક ખાનું ફક્ત ને ફક્ત સંજયભાઈ માટે જ રીઝર્વ રહેતું. આમને આમ સ્થિર સંબંધો ચાલવા લાગ્યાં. નિશાળમાં પણ હવે સંજયભાઈ સદા હસતાં મુખે જ હોય!! બાળક ગમે તેવા તોફાન કરે તો પહેલા સ્ટમ્પ લઈને ઢીબી નાંખતા સંજયભાઈ હવે બાળકને પ્રેમથી હસતાં મુખે સમજાવતાં. બાળકો તો બધા ખુશ હતાં. પ્રેમ પશુને પણ સુધારી શકે છે એવું કદાચ આટલા માટે જ કહેવાયું હશેને!!

બધી જ વાતનું સુખ હતું પણ એક વાતનું દુઃખ હતું કે પ્રિયંકાને શાળામાં મોડા આવવાની ટેવ હતી. અઠવાડિયામાં ચાર દિવસ મોડી આવે. હવે પેલેથી આ શાળામાં ટેવ જ એવી ને કે કોઈ શિક્ષક મોડો આવે એ સંજયભાઈને નહોતું પાલવતું પણ હવે શું પ્રિયંકાની ઉપરવટ થોડું જવાય!! પ્રિયપાત્રને પ્રેફરન્સ ન મળે તો કોને મળે?? શરૂઆતમાં એકાદ દિવસ પ્રિયંકા મોડી આવી એટલે બે દિવસ પછી બે શિક્ષકોએ બહાના કાઢ્યા અને અર્ધો કલાક મોડા આવ્યાં. સુધાબેન વળી એક દિવસ સાડા ચારે કહ્યું કે મારે ઘરે આજે કથા છે ને એટલે વહેલા જવું છે!! સંજયભાઈ હવે કેમ ન પાડી શકે? પણ એકાદ મહિના પછી એણે આબાદ રસ્તો કાઢ્યો. સ્ટાફ મીટીંગમાં કામની વહેંચણી કરી. કોઈને પ્રાર્થનાનું કામ સોંપ્યું તો કોઈને મેદાન સફાઈનું.. કોઈને શાળા બહારની સ્વચ્છતા નું કામ સોંપ્યું. અને પ્રિયંકાને આ બધાની દેખરેખનું કામ અને ઉપરાંત શાળામાં જે કોઈ વસ્તુ ઘટે તો એ લઇ આવવાનું કામ વળી કોઈ પત્રક કે કાગળિયાં ઉપલી મોટી શાળામાં દેવાનું હોય તો પણ એ કામ સોંપ્યું!! સહુને નવાઈ લાગી કે હજુ તો આની નાની ઉમર અને તોય આટલું બધું ભારણ આ બહેન કેમ કરીને ટેકલ કરી શકશે પણ થોડાં જ સમયમાં સહુને સત્ય સમજાઈ ગયું.
પછી તો પ્રિયંકા લગભગ અર્ધો કલાક મોડી જ હોય..!! વટથી આવે એકટીવા પર..!! માથેથી સફેદ અને અતરથી મઘમઘતી બુકાની કાઢે.. કાળા કાળા ચશ્માં કાઢે.. પ્રાર્થના પૂરી થવાની તૈયારી હોય અને એક્ટીવાની આગળથી એક સાવરણી અને સાવરણો કાઢે અને હાથમાં પકડીને ઓફિસમાં જાય. પ્રાર્થના પૂરી થાય એટલે સ્ટાફની વચ્ચે સાવરણી અને સાવરણાનું બિલ આપે ને કહે.
“ બરકતની દુકાન આજ મોડી ખુલી એટલે વાર લાગી. વળી ત્યાં સાવરણી સારી નહોતી એટલે પછી બરકતને કીધું કે ગોડાઉનમાંથી લાવી આપ્ય એટલે બરકત ગોડાઉનમાં લેવા ગયો”
બસ પછી તો પ્રિયંકાને જયારે મોડું આવવાનું હોય ત્યારે નિશાળ માટે કંઇકને કંઇક લાવવાનું જ હોય!! કાઈ લાવવાનું ન હોય ત્યારે ચાર વાગ્યે બીજી રીશેષમાં આચાર્ય સ્ટાફની વચ્ચે જ પ્રિયંકાને બોલાવે અને કહે.

“ આ ઘટતાં પુસ્તકનું લિસ્ટ છે અને આ શાળાના ઓરડાની માહિતી છે તમે એમ કરજોને સાડા ચારે નીકળી જજો ને અથવા સવા ચારે જાવ તો પણ હાલશે કેવ શાળામાં આ કાગળિયાં આપી દેજો ને.. અરજન્ટ છે એટલે જ તમને કીધું..” અને હસતા મુખે પ્રિયંકા કાગળિયાં લઇ લે નાંખે પર્સમાં અને સવા ચારે એકટીવા નિશાળ છોડી છે!! અને કેવ શાળા વાળા પણ પહેલા કોઈ પત્રક ન મંગાવતા એ પણ મંગાવતા થઇ ગયાં રામ જાણે આવું પરિવર્તન કેમ કરીને આવ્યું હશે??!!
બીજા શિક્ષકો પણ હવે મોડા આવવાની કે વહેલા જવાની રજા માંગતા જ નહોતા કારણકે સંજયભાઈ એને કહી જ દેતાં.
“ શાળાના કામ માટે જ હું રજા આપું છું વયક્તિગત કામ માટે નહિ. આપણે શાળા બહારનું લાવવાનું અને વ્યવસ્થાનું કામ પ્રિયંકાબેનને સોંપ્યું છે હાલ પુરતું એટલે બીજા કોઈની હમણાં જરૂર નથી. ખુદ હું પણ સમયસર આવું છું કે નહિ. હવે નિયમિતતા વગર નહિ પાલવે એ નક્કી છે એટલે કોઈએ એવી રજા માંગવી જ નહિ. કોઈ કશું બોલતું જ નહિ. અને પ્રિયંકાને તો વળી રોજને રોજ કંઈક ને કૈંક લાવવાનું જ હોય ને!!
એક દિવસ એ ફીનાઈલના બે બાટલા લાવે.
બીજા દિવસે એસિડની બે બોટલ લાવે.
પછીના દિવસે ચોકની પાંચ પેટી લાવે ને સંજયભાઈ બધા શિક્ષકોને એક એક પેટી ચોક આપતાં કહે.
“ કલર ચોક પણ લાવવાના હતા એમ કરો બહેન કાલે કલર ચોક પણ લેતા આવજો ને બાળકો પ્રાર્થના સંમેલનમાં સફેદ ચોકથી લખે એ સારું ન લાગે આ તો શું સરકાર આપણને આપે છે ને આપણે પૈસા વાપરવાના છે ને કદાચ ઘરના વાપરવા પડે તોય વાંધો નહિ.. દર મહીને સરકાર પાકીટ ફાટી જાય અને ખિસ્સું તૂટી જાય એટલો પગાર આપે છે” બધો જ સ્ટાફ આચાર્ય તરફ અહોભાવથી જોઈ રહે એક બે જણા ધીમેકથી બોલે પણ ખરા પણ ખુબ દૂર જઈને!!

“ સાહેબ આ ગણિત વિજ્ઞાન વાળા બહેન આવ્યા પછી એકદમ પ્રમાણિક અને ઉદાર થઇ ગયા છે નહિ. હવે તો ઓફિસમાં દરેકને ચા પણ પીવરાવે છે. નિશાળમાં કોઈ અધિકારી આવે ને ઠંડુ મંગાવે ત્યારે બધાને ઠંડુ પણ હવે મળે છે.. વાડની હારોહાર એરંડો પણ પીવે જ ને” પણ નિશાળમાં લાવવાની વસ્તુ શરુ જ રહી.
“ ક્યારેક પગ લુચણીયા લાવવાના હોય તો ક્યારેક ઘડિયાળના પાવર પણ હાલે!! બાળકો માટે રમતના દડાઓ પણ પાર વગરના આવી ગયા. સાવરણી અને સાવરણા તો એટલા બધા વરસ દિવસમાં આવી ગયા કે સ્ટોર રૂમ અર્ધો સાવરણી અને સાવરણા થી ભરાઈ ગયો. એક એક છોકરાને એક સાવરણી આપોને તોય વધી પડે એટલો સ્ટોક થઇ ગયો કારણકે દર અઠવાડિયે આ બધું લાવવાનું. ડોલ પણ પાર વગરની. બધી વસ્તુ આવી જાય તો મહીને બે મહીને પ્રિયંકા રૂમે રૂમે આંટો મારે જો કોઈને કાઈ ઘટતું હોય તો!!રૂમમાં કોઈ એમ કહે કે કશું જ નથી ઘટતું તો પણ પ્રિયંકા પૂછે.
“ કાતર છે કાતર.. સ્ટેપલર.. સ્ટેપલરની પીન.. ચાર્ટ પેપર પાંચ છે એટલા ન ચાલે ઓછામાં ઓછા આઠ ચાર્ટ પેપર પેન્ડીંગ હોવા જ જોઈએ.. ચાલો હું આ બધું લેતી આવીશ પણ હા આના સિવાય કઈ ઘટતું હોય તો તરત કહી દેવું શરમમાં ન રહેવું હો કે”
પછી તો પંદર દિવસ એ ઘટતી વસ્તુ આવે..!!
“એક દિવસ સ્ટેપલર આવે બીજે દિવસે એની ભુલાઈ ગયેલી પીનો આવે.. ચાર્ટ પેપર અને પૂંઠા આવે તો ભૂલાઈ ગયેલી માપ પટ્ટીઓ અને પેન્સિલો પછીના દિવસોમાં આવે.. એમ ને એમ માર્કર પેન… ઘૂંટેલા કાગળ… નાના મોટા કટર…. નાની મોટી ફેવીકોલ અને ગુંદરની ડબ્બીઓ.. ચિત્રકામ માટેની પીંછીઓ.. લાલ પેન.. વાદળી પેન.. બાળકો માટેના નેઈલ કટર.. અને આ બધું આવી જાય પછી પરિક્ષાના દિવસોમાં ફાઈલો લાવવાની.. ઘોડા ફાઈલ લાવવાની.. બાળકનો બેઠક નંબર લખવા માટેના સ્ટીકરો લાવવાના. લીમડા છાપ સાબુ લાવવાના. અને આ બધું કે જગ્યાએથી મળે એ બધી જ દુકાનો લગભગ મોડી જ ખુલે એટલે આવવામાં મોડું તો થાય જ ને!! વળી એકટીવા આગળ બહુ જગ્યા ન હોય ને એટલે રોજ થોડું થોડું આવેને!! વળી દુકાને લગભગ રોજ ગીર્દી હોય!! એકાદ મહીને આગળના ટાયરમાં પંચર પડે પછી પાછળના ટાયરમાં પંચર પડે એટલે લગભગ રોજ સાડા અગિયાર પોણા બાર તો વાગી જ જાય!!
પણ તોય માસિક સ્ટાફ મીટીંગમાં સંજય દરેક શિક્ષકને સોંપેલ કામની સમિક્ષા કરે અને કહે. “ બધાંનું કામ શ્રેષ્ઠ છે પણ પ્રિયંકા બહેનનું કામ ઉત્તમ છે. રોજ લાવવાનું યાદ રાખવાનું વળી બજારમાં જવાનું.. બજારમાં ગાયું ભાયું અને બાયુની ગર્દીનો પાર નહિ. એ સાંકડા રસ્તામાં એકટીવા ચલાવાવાની આ વળી એને રોજનું થયું અને પાછુ વસ્તુ લાવવાની એનો મતલબ એવો નહીં કે મોડું આવવાનું. કામ પતી જાય એટલે પુરપાટ એકટીવા આવતી હોય.. ,મને તો ગામના ચાર પાંચ જણાએ કીધું કે બહેન નિશાળે આવતા હોય ત્યારે ગાડી એકદમ ફાસ હાંકે છે. તો મારે આમ તો ઘણા દિવસથી કહેવું હતું પણ હવે આજે જ કહી દઉં કે ભલે તમારે થોડું આના કરતાં પણ વધારે મોડું થાય પણ એકટીવા ધીમી હાંકવી. અમને તમારી નિષ્ઠા પર માન છે. અમને એ પણ ખબર છે કે નિશાળ તમારી રગેરગમાં વ્યાપી ગઈ છે. તમે શિક્ષણના જીવ છો એટલે સ્વાભાવિક વહેલા આવવાની ઉતાવળ હોય પણ તમે જે મોડું કરો છો એ શાળા ના કામે જ મોડું કરો છો એટલે વાંધો નહિ.” સ્ટાફ મીટીંગ વિખરાય. બધા જાય. પાંચેક મિનીટ પ્રિયંકા રોકાય ને સંજય ખાતરી કરે કોઈ છે તો નહીને અને પછી ધીમેકથી બોલે.
“ સ્વીટુ બકા પાણી લાવજે ને જરા.. તને ખબર છે ને કે શાળામાં હું તારા હાથનું જ પાણી પીવ છું.” અને પ્રિયંકા પાણી લાવે એ સંજય પીવે.. પછી એ જાય એના વર્ગમાં સંજય બારણે ઉભો રહે અને જતા જતા પણ પ્રિયંકા બે વાર તો પલટી મારીને જુએ અને આ બાજુ સંજયનો દિવસ સુધરી જાય!!

પણ એકાદ મહિના પછી સંજયની પત્ની માધવીએ સંજયને એક વખત કીધું જમતા જમતા.
“ તમે નિશાળમાં લાવવાનું કામ નવી આવેલ પ્રિયંકાને સોંપો છો ક્યારેક સુધાબેનને પણ સોંપતા હો તો.. આતો અમે ને સુધાબેન રોજ રાતે સત્સંગમાં આપણી સોસાયટીમાં ભેગા થઈએ છીએને ત્યાં વાત થતી હતી. સુધાબેન કહેતા હતા કે અમનેય સાહેબ કયારેક કામ સોંપે તો અમનેય મોડું જાવું પોસાય. કામ તો અમારેય હોયને પણ બીજા કોઈને સાહેબ કામ જ ન સોંપે એને એકને જ સોંપે” માધવીએ તો ભલા અને ભોળા ભાવે જ વાત કરી હતી એ સંજયને ખબર હતી પણ તોય એ મનમાં સમસમી ગયો કે સુધાથી આવી વાત કરાય જ કેમ અને એ પણ મારી પત્નીને!! આમ તો કોઈ પણ શાળામાં નવી શિક્ષિકાની ભરતી થાય એટલે દરેક આચાર્ય પત્નીમાં એક શંકા ઉત્પન્ન થાય જ કે ખેતર ભેળાઈ તો નહીં જાયને???
“ એ બધું આચાર્ય તરીકે મારે નક્કી કરવાનું છે કોને કહ્યું કામ સોંપવું.. સરકારે અમને પાવર આપ્યા છે આચાર્યને.. જીલ્લામાં જેમ કલેકટર રાજા હોય એમ હું શાળામાં રાજા છું.. કોની કેપેસેટી કેટલી છે એ મને ખબર હોય.. સુધાબેન પાસે સ્કુટી છે અને પ્રિયંકા બહેન પાસે એકટીવા છે. સ્કુટી વધારે ભાર સહન ન કરી શકે.. એકટીવામાં વસ્તુ ઘણી બધી આવે.. વળી સુધાબેન ને ઘરની જવાબદારી હોય એટલે આમેય મોડા આવે ને આવું કામ સોંપો એટલે કાયદેસર મોડા આવે. મારે નિશાળમાં એવો ચીલો પાડવો જ નથી. પ્રિયંકા બહેન સાબરકાંઠા ના છે અને સાબર કાંઠા વાળા છેતરાય નહિ. એટલે નિશાળની ખરીદી સસ્તી પડે.. હું બધું જોઈ વિચારીને જ કામ સોંપતો હોવ ને!! અમે પીટીસીમાં ભણતા ત્યારે આચાર્યની જવાબદારી નામનો એક પાઠ આવતો એમાં કયા સાથીદાર પાસેથી શું કામ લેવું એ બધી વિગત આવતી. એ નિયમો અનુસાર જ હું કામ કરું છું અને બીજી વાત તમે બધીયું રાતે ભેગી થઇ ને સત્સંગ કરો છો કે સહુ સહુના ધણીની ખોદણી કરો છો. જો આ વાત બીજી વાર ત્યાં થઈને તો હું રાતે તને સત્સંગમાં જવા જ નહિ દઉં. બહુ ભક્તિ ફાટીને છમરા કાઢી ગઈ હોય તો ઘરે બેસીને કેમ ના થાય” સંજયભાઈ બરાબરના ધગી ગયા.. અને જયારે જયારે કોઈનો પતિ કે પત્ની વગર કારણે ધગી જાય ત્યારે માની લેવું કે ભાઈ અથવા બહેન લગભગ ક્યાંક ફગી ગયા છે એ નક્કી!!
બસ હવે સુધાને બતાવી જ દેવું છે. સંજયને ખબર હતી કે ક્યારેક પ્રિયંકા વગર કારને અર્ધો દિવસ નિશાળે ન આવી હોય એના એક કે બે દિવસ બાદ સુધા પણ કલાક કે દોઢ કલાક મોડી આવે જ છે અને એ ચલાવી પણ લે તો. અને એ દિવસ પણ ઝડપથી આવી ગયો. પ્રિયંકા એક દિવસ બપોર પછી જતી રહીને બરાબર બીજા દિવસે સાડા દસે સંજયે જોયું તો મોબાઈલમાં સુધાબેનની રીંગ વાગતી હતી. મનમાં એ સમજી ગયો કે હમણા ફોન ઉપાડીશ અને એ બહાનું કાઢીને એક કલાક મોડી આવશે . પણ આજે એનો ફોન ઉપાડવો નથી અને અગીઅર વાગ્યા પછી આવે એટલે અર્ધી રજા મૂકી જ દેવી છે.. ચાર વખત રીંગ વાગી પણ સંજયે કોલ ન ઉપાડ્યો અને પછી એણે મોબાઈલ જ બંધ કરી દીધો. બીજાના મોબાઈલ પણ બંધ કરાવી દીધા અને ટેબલના ખાનામાં મુકાવી દીધા અને બધાને કહી દીધું.

“ જીલ્લાની ટીમ નીકળી છે એવા સમાચાર છે માટે મોબાઈલ બંધ કરીને લોકરમાં મુકાવ્યા છે ફટાફટ પ્રાથના પૂરી કરીને સહુસહુના વર્ગમાં જતાં રહો.. ટીમ આ વરસના વરસાદની જેમ કોઈ પણ ઘડીએ આવી શકે છે. આખું વાતાવરણ એકદમ ગંભીરતા જેવું અને બેસણા જેવું થઇ ગયું. ફક્ત અને ફક્ત પ્રિયંકા અને સંજયને જ ખબર હતી કે ભોજિયો ભાઈ પણ આવવાનો નથી. સાડા અગિયાર થયા પણ સુધાબેન ન આવ્યા.
“ એક વાગ્યા સુધીમાં ન આવે તો આખી રજા મૂકી દેવાની છે. આવું ચલાવી ન લેવાય.. સી એલ પણ જાણ કર્યા વગર ન મુકાય.. કપાત જ થાય પણ આ વખતે એમને જવા દેવા છે આ છેલ્લી વોર્નિંગ છે.. બાકી જાણ કર્યા વગર જાય એટલે એની રજા પડી હોય તો પણ કપાત થશે.. સાલી કોઈને ગંભીરતા જ નથી!!” સંજયભાઈ રૂમે રૂમે આંટો મારતા જાય અને બબડતા જાય. કહેવાય છે ને પ્રેમમાં પડવાથી પારાવાર હિમત પણ આવી જ જાય એમ જ સંજયભાઈમાં હવે હદ બહારની હિમત આવી ગઈ હતી. દોઢ વાગ્યો પણ સુધાબેન ન આવ્યા અને આખી રજા મુકાઈ ગઈ અને સંજયભાઈ મનોમન વિચારતા રહ્યા કે સુધાબેન આવે એટલે એને આજ બરાબર કાંકરા કાઢીને કહી દેવાનું છે. છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેવું છે. બે વાગ્યા અને સુધાબેનની સ્કુટી દાખલ થઇ નિશાળમાં અને સંજયભાઈએ મોઢા પર કરડાકી ધારણ કરી લીધી. એના શરીરમાં ડીપીઈઓ અને ટીપીઈઓનો ડબલ આત્મા ઘુસી ગયો હોય એવું લાગ્યું.
સ્ટાફરૂમમાં સુધાબેન આવ્યા અને બોલ્યા. “ સાહેબ તમને ઘણાય ફોન કર્યા પણ તમે ઉપાડ્યા જ નહિ. પછી તો તમારો ફોન બંધ આવતો હતો. સ્ટાફના બધાના ફોન બંધ આવતા હતા. હું મૂંઝાઈ ગઈ કે હવે શું કરવું??” ત્યાં વચ્ચે જ વાત કાપીને સંજયભાઈ તાડૂકયા અને સુધાબેન તો ડઘાઈ જ ગયાં.
“ નિશાળમાં આવીને કોઈના ફોન ચાલુ ન હોય.. હવે થી ફોન બંધ જ આવશે. કોઈને નિશાળના કામ સિવાય અર્ધો કલાકની પણ છૂટ નહિ મળે. આ જ તમારી આખી રજા મુકાઈ ગઈ છે પણ યાદ રાખજો બહેન કે હવે જો આગલા દિવસે જાણ કર્યા વગર ગેરહાજર રહેશોને તો કપાત પગારી કરતા પણ મને આવડે છે એટલે મહેરબાની કરીને મારા હાથે એવું કાળું કામ ન કરાવતા” સંજયભાઈ ની સામે હાથ લાંબો કરીને હવે સુધાબેન સહેજ ઊંચા અવાજે બોલ્યા.

“ ઈ તમારે જે કહેવું હોય એ કાલે કહેજો અને કપાત કરવી હોય કે મને સસ્પેન્ડ કરવી હોય એ બધું થાય ઈ કરી લેજો પણ અત્યારે તમે હોસ્પીટલે જાવ મારા બહેન માધવી બહેન હોસ્પીટલમાં દાખલ છે. હું નિશાળે આવતી હતી અને મારા બહેન અનાજનો ડબ્બો લઈને દળાવવા જતા હતા અને રસ્તા પર જ એક ખુંટીયાએ એને માથું માર્યું અને માથામાંથી લોહી નીકળ્યું. હું ઉભી રહી અને પછી એને રિક્ષામા લઇ ગઈ દવાખાને. માથામાં અને બરડામાં લાગ્યું. તમને કે સ્ટાફને કોઈને ફોન ન લાગે પછી મેં મારા પતિને વાત કરી તો એ પણ અર્ધી રજા મુકીને આવ્યા. અત્યારે તમે હોસ્પીટલે જાવ તો મારા પતિ બેંકમાં જઈ શકે. અત્યાર સુધીમાં એક બાટલો ચડી ગયો અને બીજો બાટલો ચાલુ છે અને માધવી બેનને સારું છે. અર્ધો કલાક તો એ બોલ્યા નહોતા. પણ તમારો કોઈનો ફોન જ ન લાગે હું બરાબરની મૂંઝાઈ ગઈ કે મારે કરવું શું..!! આમ થયું આજ બોલો” કઈને સુધાબેન પોતાના ક્લાસમાં જતા રહ્યા. રિશેષ પૂરી થઇ એનો પણ બેલ વાગ્યો.
સંજયભાઈ અવાક થઇ ગયા હતાં. થોડી વાર પછી એ પોતાની બાઈક લઈને હોસ્પિટલ તરફ જવા નીકળ્યાં. અને હા જતી વખતે એની આંખમાંથી બે ત્રણ આંસુ પણ નીકળ્યાં. કહેવાય છે કે જ્યાં સુધી આંખમાંથી આંસુ નીકળી શકે ત્યાં સુધી ઊંડે ઊંડે માણસાઈ ધરબાઈને પડેલી હોય છે..
સારા માણસની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે. કોઈ દેખાવથી સારું હોય તો કોઈ સ્વભાવથી સારું હોય!! દેખાવથી સારું હોય એમાં આપણું મન રાજી રહે.. સ્વભાવથી સારું હોય એમાં આપણો આતમા રાજી રહે. પસદંગી આપણા હાથમાં છે કે આપણે મનને રાજી રાખવું છે કે આત્માને રાજી રાખવો છે!!
લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ, મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.