મુકેશ સોજીત્રા લેખકની કલમે

“બસ કશું જ નથી કહેવાનું એન્જોય ડીકે યોરસેલ્ફ!! જિંદગી તો જે જીવી જાણી!!” – “વાત એક ડી કે ની” – વાંચો આ અદભૂત વાર્તા

નામ તો એનું દિલીપ કરશન હતું પણ બધા જ એને ડી કે કહેતા!! આ નામ એટલું બધું પ્રચલિત થઇ ગયું કે એ જે સોસાયટીમાં રહેતા હતા એ સોસાયટી આમ તો બે શેરીની જ હતી. સોસાયટીનું નામ અંબિકા સોસાયટી હતું. પણ તોય લોકો એને હવે ડીકે સોસાયટીના નામથી જ ઓળખતા!! ઉમરેય ડીકે ની કાઈ નાની નહોતી!! પંચાવન વટાવી ગયેલા અને હવે નિવૃત્તિ આડે ત્રણ વરસ બાકી હતા. શરૂઆતમાં સાતેક વરસની નોકરી જુનાગઢ બાજુ કરેલી ત્યારબાદ આ તાલુકામાં આવી ગયા. તાલુકા પંચાયતનો આખો સ્ટાફ એને ડીકે જ કહેતાં. જુનીયર કલાર્કથી શરુ કરીને અત્યારે હેડ ક્લાર્ક સુધી પહોંચી ગયેલા વળી થોડા સમય પહેલા જ એને મોટું પ્રમોશન આવવાનું હતું પણ તાલુકો છોડવો એને ગમતો નહિ એટલે એ જતું કરેલું!! ઠેઠ જીલ્લા સુધી એની ઓળખાણ સારી એટલે ડીકે ને કોઈ જાતનો વાંધો નહોતો આવ્યો!!

સંતાનમાં બે દીકરીઓ પરણાવી દીધેલી બે ય સુખી હતી. પછી સાત ખોટનો એક દીકરો એ પણ સરકારી નોકરીએ લાગી ગયો હતો બસ હવે એને એકને જ પરણાવવાનો હતો!! તાલુકા પંચાયતમાં હોવા છતાં એ નાણાની ભીડ અનુભવતો!! લગભગ વીસ તારીખની આજુબાજુથી એ એના સીનીયર ત્રણેક કર્મચારીઓ પાસે થોડી થોડી રકમ માંગી લે અને પગાર થાય એટલે ચૂકવી દે!! આમ જીવનો હોલ દોલ!! પોતાની ઓફિસમાં આમ તો પાંચ જણા બેસતાં પણ ચા પાણી અને નાસ્તાનો ખર્ચ કરવાનો હોય તો ડીકે પાછું વાળી ને ના જોવે!! એક બે મહિના તો સમજ્યા!! કે ભાઈ પોસાય પણ ડીકે ને તો આ હવે નોકરી પૂરી થવા આવી ત્યાં સુધી પોસાણ થયું!! એનો સીનીયર ઓઝા હમેશા અઠવાડિયામાં બે વાર ડીકે ને સંબોધીને કહે!! જોકે ઓઝાની ઉમર નાની હતી પણ હતો સીનીયર!!

“ ડીકે તમારી નાણા ભીડ છે એનું મોટું કારણ એ છે કે તમે પહેલથી જ આયોજન નથી કર્યું. જ્યારે તમે કોઈ પણ સરકારી નોકરીએ ચડો ને ત્યારે આવનારા પગારના ચાર ભાગ કરવા. એક ભાગ ખર્ચનો.. એક ભાગ માં બાપને મોકલવા માટે એક ભાગ બચતનો અને એક ભાગ શેર બજારમાં રોકાણ કરવાનો!! પછી તમારા લગ્ન થાય એટલે ચારના પાંચ ભાગ કરવા!! એક ભાગ પત્નીનો કાઢવાનો!! જે લોકો આ રીતે પાંચ ભાગ કરે છે એ લોકો તમારી ઉમરના થાય ત્યારે એને વાપરવા યોગ્ય નાણા મળી રહે” ઓઝાને બારમાં ધોરણમાં અર્થ શાસ્ત્રમાં ૧૦૦ માંથી ૧૦૦ ગુણ આવ્યા ત્યારથી એના મનમાં એક મોટો વહેમ ઘુસી ગયો હતો કે મોટામાં મોટો અર્થ શાસ્ત્રી તો હું જ છું!! એની નોકરીને હજુ દસ જ વરસ થયા હતા. શેરમાં રોકાણ કરતો હતો પણ હજુ બે પાંદડે થયો નહોતો!! એક વાર રોકેલી રકમ ડબલ થઇ ગઈ હતી!! વળી પછી એ રકમ સિંગલ થઇ ગઈ!! પણ એની પાસે આવા ગજબના ઉદાહરણ હતા!! ક્યારેક ડીકે દલીલ પણ કરે!!

Image Source

“ઓઝા સાહેબ વાત તો સાચી પણ આ બધું પહેલેથી જ સુખી હોય એ કરી શકે. મારી સાત પેઢીમાં હું પહેલો નોકરિયાત મારા કુટુંબમાં!! અરે કુટુંબ જવા દો આખા ગામમાં પહેલી સરકારી નોકરી મને મળેલી. આખે આખો પગાર ઘર ખર્ચમાં વપરાય જાય!! અને આમ સાત વરસે ડબલ થાય એ વાતમાં હું માનતો નથી!! માની લોકે તમે અત્યારે જે મસાલો ખાવ છો એ પાંચ રૂપિયાનો એક આવે છે. એમ સાત વરસ પછી એ જ મસાલો દસ કે બાર રૂપિયાનો આવશે!! જેમ તમે રોકેલી રકમ સાત વરસે ડબલ થઇ જાય એમ લગભગ દરેક વસ્તુના ભાવ પણ સાત આઠ વરસે ડબલ થઇ જાય ને??? અને સહુથી મોટી વાત કે રોકાણ કરવા માટે પગારમાંથી કાઈ વધવું જોઈએને!! વળી મારા પિતાજીનું બહોળું કુટુંબ!! એટલે શરૂઆતમાં તો કાઈ જ ન વધ્યું!! પછી તો મારા લગ્ન બે દીકરી અને એક દીકરાને ભણાવવાનો ખર્ચ. બને દીકરીઓને પરણાવી એનો ખર્ચ!! પણ તોય છેલ્લે છેલ્લે છોકરો શિક્ષક્મા તો શિક્ષક્મા નોકરીએ લાગ્યો એ જ મોટી વાત છે. હવે મારો છોકરો તમે કહો એમ એના પગારમાંથી ચાર ભાગ કરી શકશે. બાકી આપણે તો જેમ તેમ કરીને પૂરું કર્યું આ બધું!!

અને વાત સાચી હતી ડીકે ની!! પણ ડીકે ના છોકરાને નોકરી મળી હજુ ત્રણ માસ પહેલા!! શિક્ષક્ની નોકરી અને એ પણ ફિક્સ પગાર માં પણ તોય ડીકે એ ભવ્ય પાર્ટી આપી હતી!! આખા તાલુકા પંચાયતના સ્ટાફના તમામ સભ્યોને સાગમટે ઘરે જમાડ્યા હતા!! બસો રૂપિયાની ડીશ કેટરર્સવાળાને ઉધડી આપી દીધી હતી. આટલું સરસ જમણવાર કરવા છતાં બાંધકામ શાખા વાળા અને શિક્ષણ શાખા વાળા એક ખૂણામાં ડીકેનું જ ખાતા જાય અને એની ખોદણી કરતાં જાય!!

“ એક નંબરનો એચ પી છે ડીકે!!( એચ પી એટલે હરખ પદુડો ) અમુક માણસોને જેમ પંપ મારો એમ એમ ફુલાઈ જાય!! હવે દર મહીને વીસ તારીખે પગાર ખૂટી જાય.. બીજા પાસે રકમ માંગવી પડે તોય મારા બટા દીકરીના લગ્ન હોય એવો જમણવાર કરે. આ લોકો આવે એવું જ વાપરી નાંખે છે ભવિષ્યનો વિચાર નથી કરતાં!!” સરસ મજાનો કેરીના રસની ચોથો વાટકો પીતાં પીતાં દવે બોલતો હતો. ત્યાં તરત જ મકવાણા બોલ્યો.

“ ભારત જ એક એવો દેશ છે જ્યાં જિંદગીની અર્ધી કમાણી લગ્નમાં ખર્ચાય છે. આવા સમારંભોમાં વપરાય છે. બાકી તમે સ્વીડન ,ફ્રેંચ અને ઇટાલી જુઓ ત્યાના લોકો આપણા જેટલું જ કમાય છે પણ લગ્નમાં એક રૂપિયાનો પણ ખર્ચ નહિ!! એક એન્ગેજમેન્ટ રીંગ નો જ ખર્ચ!! બધા એક જ સ્થળે ચર્ચમાં ભેગા થાય!! ધોળા ધોળા બાસ્તા જેવા ડ્રેસ પહેરે વીંટી પહેરાવે અને કારમાં રવાના!! કાઈ વેરેન્તાઈઝ જ નહીને” બસ આવી રીતે સહુ ડીકેની આગળ તો સારા રહે પણ પાછળથી ઠેકડી અને હાંસી ઉડાડતા જાય!! પણ તોય સહુ એક વાત કબૂલ કરતા જ કે ગમે તેટલા પૈસાવાળો હોય પણ ડીકે જેવો ઉડાઉ અને ઉદાર આપણે હજુ સુધી જોયો નથી.

અને વાત પણ એટલી જ સાચી. કોઈ કારણ હોય ખુશીનું તો માણસ હરખમાં આવીને ખરચ કરે પણ આ તો ડી કે દિલીપ કરશન એ તો વગર ખુશીએ પણ ખર્ચ કરી નાંખે અને તાલુકા પંચાયતનો સ્ટાફ પણ એવો કે ઘણા બધા કારણો શોધી કાઢે અને ડીકે પાસે ચા નાસ્તાનો ખર્ચ કરાવે!!

ક્યારેક પનારા બોલે.
“ આજ બપોર પછી વરસાદ આવે.. અને જો હું સાચો પડું તો ડીકે પાંચસો ગાંઠીયા મંગાવે કબૂલ”
“ આજે જીલ્લામાંથી કોઈ અધિકારી વિઝીટ લેશે અને લે તો ડીકે ચા મંગાવશે” પટેલ બોલે
“ આજે ચાર વાગ્યા સુધીમાં સેન્સેક્સમાં સો કરતા વધારે ગાબડું પડશે અને પડે તો ડીકે ભજીયા ખવરાવશે” ઉપાધ્યાય બોલે.

અને લગભગ રોજ આવા કોઈના કોઈ બહાના હેઠળ ડીકે ને ખર્ચ કરાવ્યે જ છૂટકો!! અને ડીકે કંટાળીને નહિ પણ ઉમંગથી પાછો ખર્ચ કરે!! ગાંઠીયા કે ફાફડા એ જાતે લઇ આવે. બધાના આવીને ભાગ પાડે. પ્રેમથી ચટણી પીરસે. અને વળી એ છેલ્લે સહુથી ઓછા ગાંઠીયા ખાય અને એમાં કોઈ બીજા ભળી જાય તો એનો ભાગ પણ એને આપી દે અને પાછો કહે!!

“ખવરાવે કોઈનું ખૂટી ગયું હોય એવું બન્યું નથી. ભેગું કરે એનું ખૂટી ગયું હોય એવા દાખલા છે. અને આ તો અમારો આશરો ધરમ કહેવાય. મારા બાપા કરશન પ્રેમજી પાસે કાઈ જ નહોતું પણ ગામના પાદરમાં કોઈ સાધુ નીકળે તો ગામલોકો મારા બાપના ઘર સુધી મૂકી જતા. રોટલો તો રોટલો સાધુ જમ્યા વગર નો જાય ઈ પાકું!!” પણ જરાક ડીકે આડો અવળો થાય કે તરત જ સ્ટાફ રોન કાઢે!!

Image Source

“ ખવરાવવાથી ખૂટી જાય એવું બન્યું નથી પણ ડીકે આ દાખલો પણ બેસાડશે એ નક્કી!! એના ઘરના ને તમે જોયા છે સાવ સાદા!! એના ગળામાં કોઈ દિવસ એક સોનાનો ચેઈન પણ આપણે જોયો નથી. અને ડીકે પાસે વાહનમાં એક માત્ર લ્યુના છે. એ તો હવે છોકરો શિક્ષક્મા નોકરીએ લાગ્યો છે એટલે એ કદાચ હોન્ડા લે છે. બાકી ગુજરાતનો આ કદાચ પ્રથમ કિસ્સો હોત કે તાલુકા પંચાયતના કોઈ કર્મચારીની આખી જિંદગી લ્યુનામાં પૂરી થઇ ગઈ” રાઠોડ કહેતો.

“ અને એ લ્યુના પણ કેવી ત્રીસ વરસ થયા હશે એ લીધી એને.. પાછલું વ્હીલનું ટાયર એક વાર બદલાયું છે. બાકી આગલા વ્હીલનું ટાયર તો કમ્પનીએ આપેલું જ છે. વાપરે તો ઘસાયને!! સાવ સાદા માણસો છોકરાય એવા એની બાઈ પણ એવી અને લ્યુના પણ એવી જ!! ભગવાન પણ ગોતી ગોતીને ભેગા કરતો હશે નહિ” ત્રિવેદી માવો ચોળતાં ચોળતાં બોલે!!

“ એ તો સારા પ્રતાપ ટીડીઓ સાહેબ કોઠારીના કે એના પ્રતાપે એક સોસાયટીમાં ઘરનું ઘર થઇ ગયું બાકી નિવૃત થાત ત્યારે પણ ડીકે તાલુકા પંચાયતના ક્વાટર્સ માં રહેતો હોત!!

અને એ વાત એકદમ સાચી હતી. ટીડીઓ તરીકે કોઠારી આ તાલુકામાં ચાર વરસ રહ્યા હતા. આવ્યા ત્યારથી એ ડીકે ને ખુબજ માન આપતાં. શરૂઆતમાં જ એ પામી ગયા હતા કે ડીકે ને આ બીજા ખંધા કર્મચારીઓ ખોતરી ખાય છે. અને એને એ જાણીને નવાઈ પણ લાગી કે એને પગાર સિવાય બીજી કોઈ આવક પણ નથી અને મહીને લગભગ પૈસા ખૂટી જાય તો પણ આ માણસ આટલો બધો નાસ્તો કરાવે છે શું કામ. ડીકે ને ચેમ્બર્સમાં બોલાવીને બે ત્રણ વાર એનું ધ્યાન પણ દોરેલું પણ ડીકે નો એક જ જવાબ “ ખવડાવ્યે કોઈનું ખૂટી જતું નથી”

પછી તો એક રોડ કોન્ટ્રાકટર કરીને શાહ ભાઈ હતાં. તાલુકાના અને જીલ્લાના મોટાભાગના ડેમ અને રસ્તાના કામ એની જ કંપનીને મળતા. ખુબ જ પૈસાવાળો માણસ! એને ટીડીઓ કોઠારીએ વાત કરી.

“ શાહ આ બધા ને ઘરના ઘર અને સારી એવી પ્રોપર્ટી થઇ ગઈ છે. આ એક ડીકે જ એવો છે કે એણે અત્યાર સુધી પગાર સિવાયના પૈસામાં રસ નથી દાખવ્યો. આનું કાંઇક કરવું પડશે. તમે જે સોસાયટીમાં મકાન બાંધો છો એ સોસાયટીમાં એને એક મકાનનો દસ્તાવેજ કરી દો તો ધર્મનું કામ ગણાય!!” શાહ પણ જમાનાનો ખાધેલ માણસ હતો એ બોલ્યો.

“ હું તો એને એક નહિ બે મકાન આપું પણ એ લેશે નહિ!! વચ્ચે એ બાંધકામમાં હતો ત્યારે મહીને જે રકમ હું આપતો એમાંથી પણ એ ન લે અને બીજા કર્મચારીને આપી દે!! વાત વાતમાં ડીકે કહે કે મારે જરૂર જ નથી ને!! બોલો એના ખાતે મારે મકાન કરવું કેમ” પછી તો કોઠારી અને શાહે યુક્તિ કરી. સોસાયટીના ઉદઘાટન વખતે બધા જ કર્મચારીઓને બોલાવ્યા અને ટીડીઓ કોઠારીએ કહ્યું કે

“આ સોસાયટી શાહભાઇ બાંધવાનું શરુ કર્યું ત્યારે એક સંકલ્પ કર્યો હતો કે સોસાયટી પૂરી થાય ત્યારે બધાજ કર્મચારીઓના નામની એક ચિઠ્ઠી આ બોકસમાં નાંખવાની અને પછી એમાંથી એક ચિઠ્ઠી ખેંચવામાં આવશે એમાં જેનું નામ નીકળે એને શાહભાઇ આ સોસાયટીનું એક મકાન આપશે” કહીને કોઠારીએ શાહભાઇ પાસે એક ચિઠ્ઠી ખેંચાવી અને એમાં ડીકે નું નામ નીકળ્યું!! અને કેમ ના નીકળે?? બધી જ ચિઠ્ઠીઓ ડીકેના નામની જ લખી હતી!! અને એના કારણે જ એને ઘરનું ઘર થયું હતું!! અને એ ઘરમાં ડીકે રહેવા ગયા ત્યારે પણ એક આખા મહિનાનો પગાર વાપરીને મોટો જમણવાર કર્યો હતો!!

બસ હવે ડીકે ને નિવૃત થવાને ત્રણેક વરસથી પણ ઓછો સમય રહ્યો હતો. સાથી કર્મચારીઓને દરેકને કાર હતી. નવા નવા બુટ અને નવા મોબાઈલ અને નવા સુટ સાથે એ લોકો ઓફિસે આવતા ડીકે ઝભ્ભો અને લેંઘો એક દિવસ એનાથી જુનિયર ક્લાર્ક ઓઝાએ એને એક પુસ્તક આપ્યું અને કહ્યું!!

“ આ બેસ્ટ સેલર પુસ્તક છે… “રીચ ડેડ અને પુઅર ડેડ” મારી પાસે આ પુસ્તક મોડું આવ્યું છે બાકી વહેલા આવ્યું હોત તો અત્યારે હું કરોડ પતિ હોત!! પણ તોય મને ઘણો ફાયદો થયો છે. આ તમારા છોકરાને વાંચવા આપજો એની શરૂઆતની નોકરી છે એટલે જીવન કેમ જીવાય પૈસો કેમ કમાવાય એ બધી ખબર પડે!! નહિતર એ પણ તમારી જેમ જ ગરીબાઈમાં જીવન કાઢી નાંખત!! ગુજરાતીમાં કહેવત છે ને કે “જમાઈ ગરીબ હોય પણ “સરકારી જમાઈ” ક્યારેય ગરીબ નો હોય!! આપણે નોકરિયાત સરકારી જમાઈ છીએ પણ તોય આખી જિંદગી નોકરી કરીને તમે નિવૃતિના આરે છો?? તમારી પાસે બચ્યું શું??” ઓઝાએ આપેલ પુસ્તકના એકાદ બે પાનાં વાંચીને ડીકે

“બહુ સરસ છે. મને લાગે છે કે ભારતમાં આ પુસ્તકની એક એક કોપી સરકારે બધા જ કુટુંબને આપી દેવાય એટલે ગરીબીનો પ્રોબ્લેમ સોલ્વ થઇ જાય!! ખરેખર સારું પુસ્તક છે!! બોલો હવે ચા પીવી છે કે ગાંઠીયા ખાવા છે. તમે મને આટલું સરસ પુસ્તક આપ્યું એટલે એના બદલામાં મારે પણ તમને કશુક આપવું જોઈએને??? અને તરત એ પાંચસો ગાંઠીયા લઇ આવે અને પ્રેમથી ખવરાવે અને પાછા બોલે પણ ખરા કે “ ખવરાવવાથી કોઈનું ખૂટી જતું નથી ક્યારેય”

છ માસ પછી બધાને નવાઈ લાગી ડીકેના છોકરાએ નવી નકોર બાઈક લીધી અને એ પણ દોઢ લાખની!! અઠવાડિયા પછી વળી વધારે નવાઈ લાગી એક ફોર વહીલ પણ ડીકે એ લીધી!! હોન્ડા અમેઝ લીધી!!ઓઝા એ તો બહુ પ્રશ્નો પૂછ્યા પણ ડીકે એ હસતો ચહેરો રાખીને જવાબ ટાળી દીધા!! ડીકેના છોકરાનું સગપણ એક શિક્ષીકા સાથે થયું અને લગ્ન જેવડો જમણવાર ડીકે એ ગોઠવ્યો!! બધાને મન મુકીને ખવરાવ્યું!! હવે ડીકેના દેખાવમાં ફેરફાર થવા લાગ્યો. સાવ સાદો ફોન વાપરતો ડીકે અચાનક જ વન પ્લસ સેવન પ્રો, વાપરવા લાગ્યો. અને છ મહિના પછી દીકરાના લગ્ન વખતે ડીકે એ રીતસરનો માભો પાડી દીધો. એના લગ્નમાં અત્યારે સુધી તાલુકામાં નોકરી કરી ગયેલા સોળ જેટલા ટીડીઓ આવ્યા હતા!! અને આવે કેમ નહિ ડીકે માણસ જ એવો હતો!! ડીકેના શરીર પર રેમન્ડ નો સુટ અને પગમાં વુડલેન્ડના મોંઘા બુટ હતા. લગ્નમાં જમણવારનું આયોજન ભપકાદાર હતું અને સહુ નવાઈ ત્યારે પામી ગયા કે લગ્નમાં જમાઈ સાથે આવેલી બને દીકરીઓને ડીકે એ એક મારુતિ સ્વીફ્ટ ભેટમાં આપી!!!

Image Source

રાઠોડ , પટેલ, મકવાણા બધાને અઢળક બળતરા થઇ પણ સહુથી વધારે બળતરા ઓઝાને થઇ!! ઓઝાને થયું કે મેં એને” રીચ ડેડ પુઅર ડેડ’ પુસ્તક આપ્યું એને હજુ આઠેક માસ થયા છે. આઠ માસમાં આટલી બધી સંપતિ ક્યાંથી આવી ડીકે પાસે?? શું કોઈ લોટરી લાગી કે જમીનમાંથી સોનાનો ચરુ નીકળ્યો!! જમણવારમાં ઉત્તમ પ્રકારનું ભોજન હોવા છતાં ઓઝાની ભૂખ સાવ મરી ગઈ હતી. એના મનમાં એક જ પ્રશ્ન સતાવતો હતો કે!! દર મહીને બધા પાસે થોડા થોડા પૈસા માંગે અને પૂરું કરતો ડીકે અચાનક આટલો બધો વૈભવશાળી કેમ??? લગ્નમાં ટીડીઓ કોઠારી પણ આવ્યા હતા એ એક દિવસ વધુ રોકાયા!! લગ્ન ધામધુમથી પુરા થયા પછીના દિવસની રાતે ધાબા પર કોઠારી અને ડીકે અને સાથે ઓઝા બેઠા હતા!! અને ડીકે એ શરુ કર્યું!!

“ સાહેબ તમે મને પૂછતાં હતાને કે અચાનક આટલું પરિવર્તન કેમ?? આટલી સંપતિ ક્યાંથી આવી?? બીજાને તો હું ના જવાબ આપું પણ તમારા પર મને માન એટલે કહું છું. મારી શરૂઆતની નોકરી જુનાગઢમાં હતી હજુ એકલો જ હતો લગ્ન નહોતા થાય. ત્યાં ચારેક ભાઈબંધો થયા પણ બધા જ ડોનના દીકરા!! મારી કયારે સંગત બગડી ગઈ એનો પણ ખ્યાલ ન રહ્યો. એ લોકો સાથે રહીને એ વખતે એ સમયમાં અમે દીવથી ઈંગ્લીસ બોટલો લાવતા અને વેચાણ કરતા. મારો દેખાવ સાદો અને કોઈને મારા પર સહેજેય શંકા ન જાય એટલે માર કવાર્ટસમાં માલ ઉતરતો. સપ્લાય એ લોકો કરતાં. કઈ રીતે પોલીસથી બચવું એ હું શીખવતો!! ધંધો ધોમ ચાલી ગયો ઘણી બધી આવક થવા લાગી!! ચારેક વરસમાં ઘણા પૈસા કમાયા. બુટલેગર પાસે પૈસો ટકે નહિ એ હું સારી રીતે જાણતો હતો. પૈસા અમે વેડફ્યા નહિ પણ જુનાગઢમાં એ વખતે અલગ અલગ જગ્યાએ પ્લોટ્સ લેવા માંડ્યા. પછી મારા લગ્ન થયા. મારી પત્નીને આ બધી ખબર પડી. એણે મને ના પાડી પણ હું માન્યો નહિ એ વરસ દિવસ રીસામણે ગઈ!! મારા પિતાજીએ પણ મને સમજાવ્યો. હું મારી પત્નિને તેડવા પિયર ગયો. મારા સસરાને ઘરે તો સીધો ના ગયો પણ બાજુના ઘરે ગયો!! થોડીક શરમ મને આવતી હતી. બાજુના ઘરે એક શાંતુમાં કરીને ડોશીમાં હતા!! એણે મને જોયો અને સીધો જ ઘઘલાવી નાંખ્યો પણ એણે જે વાત કરી એ જોઇને મેં જ ઘડીએ બુટલેગરનો ધંધો બંધ કરવાનો નિર્ણય કર્યો!! એણે મને કીધું કે મારી સગાઈની વાત ચાલતી હતી ત્યારે ઘણા મોટા નોકરિયાતના માંગા આવ્યા હતા પણ મારી પત્નીએ મારો સારો સ્વભાવ જોઇને મને પસંદ કર્યો હતો. ઘણા શ્રીમંત મુરતિયાને ઠુકરાવીને એણે મને પસંદ કર્યો અને હું સાવ કડા વગરના ડબ્બા જેવો નીકળ્યો!! શાંતુ ડોશીએ ભગવાનને પણ સંભળાવ્યું કે આવા ના જન્મ થાય ને તરત જ પાછા બોલાવી લેતો હોય તો ભગવાન પણ આવાને મનુષ્ય તરીકે કેમ જન્મ આપતો હશે!! બસ શાંતુ ડોશીને હાથ જોડીને વિનંતી કરી કે હવે એક ફરિયાદ આવે તો કહેજો અને એ વચ્ચે રહ્યા હું મારી પત્ની દક્ષાને તેડી લાવ્યો. બસ એક પણ ફરિયાદ પછી મેં ઉભી જ થવા નથી દીધી. એકાદ વરસ હું જુનાગઢ રહ્યો પછી અહી બદલી થઇ!! બસ મારી એ સાત વરસની કમાણીમાંથી જુનાગઢમાં મારે નામે એ વખતે ચાર પ્લોટ બસો બસો વારના હતાં એ એમને એમ રાખ્યા!!” ડીકે બોલતા હતા અને કોઠારી અને ઓઝા આ ડીકેનું ભૂતકાળનું એક અલગ જ રૂપ સામે આવી રહ્યું હતું!! ડીકે એ આગળ ચલાવ્યું,
“બસ પછી તો બે દીકરીઓનો જન્મ થયો.દીકરાનો જન્મ થયો. વરસે વરસે એકાદ વાર જુનાગઢ જતો ચારેય પ્લોટ્સનો વાર્ષિક વેરો ભરી દેતો જુના સાથીદારોને કલાક મળતો એ લોકો પણ ધીમે ધીમે બધું સંકેલી ને કાયદેસરના કામોમાં લાગી ગયા.મારા પ્લોટ્સના ભાવ સતત વધતા જતા હતા અને એનો મને આનંદ હતો એટલે જ બહુ ભેગું કરવાની ઈચ્છા નહોતી મારી કારણ કે ભૂતકાળમાં જે ભેગું કર્યું હતું એ ભવિષ્યમાં પુરતું થઇ રહેવાનું હતું!! બસ છ મહિના પહેલા જ એક પ્લોટ ઉંચી કીમતે વેચી નાંખ્યો. એમાંથી આ બધું કર્યું. દીકરીઓને એના લગ્ન વખતે કશું નથી આપી શક્યો એટલે બે ય જમાઈઓને એક એક કાર આપી દીધી. બધાય ખુશ હું તપ પેલેથી જ ખુશ!!! અને ઓઝા સાહેબ તમે જે પુસ્તક મને આપ્યું ને એ પુસ્તક હું વરસો પહેલા જીવી ગયો હતો. મારા ભાઈ બંધોએ ઘણી વાર કીધું કે પ્લોટ વેચી નાંખ સારી એવી રકમ આવે એમ છે પણ મારે એવી કોઈ જરૂર નહોતી.અત્યારે જરૂર પડી ત્યારે એક જ પ્લોટે ભુક્કા કાઢી નાંખ્યા તેટલી રકમ આવી છે. હજુ ત્રણ બાકી છે. એ મારો છોકરો વેચશે એને જયારે જરૂર પડશે ત્યારે!! સ્ટાફમાં પાછળથી મારી ઠેકડી ઉડાડતા એ પણ મને ખબર છે. પણ તોય હું બધાને ખવરાવતો. બધા પોતાનું રોકાણ ક્યાં છે. ભવિષ્યમાં કઈ કાર એ લોકો લેવાના છે. ક્યાં શેરમાં કેવું ભવિષ્ય છે એની વાતો મને સંભળાવતા ત્યારે હું એને મનોમન કહેતો કે મને જે ભાગ્ય ભગવાને આપ્યું છે એ તમને કોઈને નથી આપ્યું તમે વાતો કરી જાણો છો!! હકીકતમાં એને નાસ્તો કરાવીને હું એની ઠેકડી ઉડાડતો હતો!! બસ બે ત્રણ મહિના માં હું કાર શીખી જઈશ. પછી નિવૃત થઇ જઈશ. એક મારી પોતાની સુંવાંગ મોટી કાર લેવી છે. બસ પછી હું અને દક્ષા સાથે આપણા ટીડીઓ સાહેબના નિવૃત ડ્રાઈવર મોનજીભાઈને લઈને આખું ભારત ફરવાની ઈચ્છા છે!! બસ જીવનમાં શું જોઈએ કોઠારી સાહેબ તમે જ કહો??? ઓઝા ભાઈ તમારું શું કહેવાનું છે??”

“ બસ કશું જ નથી કહેવાનું એન્જોય ડીકે યોરસેલ્ફ!! જિંદગી તો જે જીવી જાણી!!” કોઠારી બોલ્યા અને ડીકેનો વાહો થાબડ્યો!!

સતાધારી અને સંપતિવાન બનવા માટે દસ ટકા મહેનત અને નેવું ટકા નસીબનો ફાળો હોય છે!! ભાગ્ય સારા હોય તો એજ સંપતિવાન બની શકે છે.. બાકી સાત સાત પેઢીથી પ્રામાણીકતા અને મહેનતથી કામ કરનારાની આઠમી પેઢી પણ હજુ બે પાંદડે થતી નથી એવા પણ દાખલાઓ છે!!

લેખક:- મુકેશ સોજીત્રા
૪૨, “હાશ”, શિવમ પાર્ક સોસાયટી, સ્ટેશન રોડ,  મુ.પો ઢસા ગામ તા. ગઢડા જી. બોટાદ પીન ૩૬૪૭૩૦
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks