કૌશલ બારડ ધાર્મિક-દુનિયા

ઉત્પત્તિ એકાદશી : ‘એકાદશી’નો જન્મ જ આ દિવસે થયો હતો! લક્ષ્મી-વિષ્ણુને સાથે રીઝવવા આટલું કરો

એકાદશીનાં મહત્ત્વ વિશે તો વધારે કંઈ કહેવાની જરૂર છે જ નહી. એકાદશીના ઉપવાસ લોકો એમ જ નથી કરતા! દરેક ચંદ્રપક્ષની અગિયારસનો દિવસ મનુષ્ય માટે પાપનાશક બનતો હોય છે, જો હ્રદયપૂર્વક અનુસરણ કરવામાં આવે તો! કારકત મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશીનું મહાત્મય પણ એવું જ છે. આ એકાદશીનું નામ છે : ઉત્પત્તિ એકાદશી.

Image Source

આ વર્ષે કારતક મહિનાની વદપક્ષી અગિયારસ શુક્રવારના રોજ આવે છે. આથી શુક્રવારે ‘ઉત્પત્તિ એકાદશી’ ઉજવવામાં આવશે.(૧૧ ડિસેમ્બર)

આ એકાદશી એક વાતે ખાસ છે : આ દિવસે ‘એકાદશી’ નામની દેવીનો જ ઉદ્ભવ થયો હતો! આ એકાદશીએ અમુક કામો કરવાં જોઈએ, જે આગળ જતા ભવભવનું ભાતું બાંધવા માટે કામ આવે તેવાં છે. અહીં એ બધી વાતો ટૂંકમાં અને સચોટ રીતે જણાવવાનો પ્રયાસ કર્યો છે:

Image Source

કેવી રીતે થયો ‘એકાદશી’નો જન્મ?:
મુર નામના રાક્ષસે સ્વર્ગલોકમાં હાહાકાર પ્રસરાવી દીધો હતો. એ બહુ બળશાળી દાનવ હતો. અમરાપુરીના દેવોના હથિયારો એની આગળ ફિક્કાં લાગતાં હતાં. આથી ભગવાન વિષ્ણુએ જ તેનો સંહાર કરવાનું નક્કી કર્યું. મુર અને મુરારિ(ભગવાન વિષ્ણુ) વચ્ચે ભયંકર યુદ્ધ થયું. યુદ્ધ લાંબા સમય સુધી ચાલ્યું. આખરે ભગવાન વિષ્ણુને નિદ્રા આવવા લાગી.
ધરતી પર ઉતરીને તેઓ બદ્રિકાશ્રમની ભૂમિ પર આવ્યા. અહીંની હેમવતી નામક ગુફામાં પથ્થરનું ઓશીકું કરીને લાંબા થયા. અનેક દિવસોના થાકથી પળભરમાં જ ભરનીંદરમાં પોઢી ગયા. મુર દાનવ પણ વિષ્ણુને ખોળતો-ખોળતો પાછળ આવ્યો હતો. ભગવાન વિષ્ણુને ગુફામાં સૂતેલા જોયા એટલે તેને લાગ મળ્યો. ચૂપકીદીથી તે વિષ્ણુ પર વાર કરવા જતો હતો એ જ ઘડીએ વિષ્ણુનાં શરીરમાંથી એક તેજસ્વી દેવી પ્રગટ થયાં. તેઓ ‘એકાદશી’ હતાં. તેણે એક જ ઘા મુર પર કર્યો અને મુરનું મસ્તક ને ધડ અલગ થઈ ગયાં!

આ ધડાધડીના અવાજોથી ભગવાન વિષ્ણુની નીંદર ઉડી. એકાદશી દેવીએ તેમને બધી વાત કહી સંભળાવી. પ્રસન્ન થઈ ભગવાને તેમને વરદાન માગવા જણાવ્યું. દેવીએ વરદાન માગ્યું કે, મારા પ્રાગટ્ય દિવસે ધરતીલોકના જે માનવીઓ શ્રદ્ધાપૂર્વક વ્રત કરે, ઉપવાસ કરે, દાન-પુણ્ય કરે તેનાં પાપોનો ક્ષય થજો અને આવા ભાવકોને વૈકુંઠમાં સ્થાન આપો! વિષ્ણુએ ‘તથાસ્તુ’ કહ્યું.

Image Source

આ એકાદશીએ કરવાં જેવાં કામ:
ઉત્પત્તિ એકાદશીની વાત તો ઉપર જણાવી દીધી છે. અનેક વાતે આ એકાદશી ખાસ છે. આ દિવસે મુરારિ અને મહાલક્ષ્મી અર્થાત્ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરવાથી ઘરમાં ધનધાન્ય અને આરોગ્યની તાણ રહેતી નથી. માટે લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનનું પૂજન ખાસ કરવું.

સવારે વહેલા ઊઠીને સ્નાન કરવું. સ્નાનાદિ કર્મથી પરવારીને વિષ્ણુ-લક્ષ્મીનું પૂજન કર્યાં બાદ દાનકર્મ પણ કરવું જરૂરી છે. દાન વગર તો એકેય એકાદશી ફળીભૂત થતી નથી. ગાયોને ગોંદરે કે શહેરમાં હો તો ગાયો માટે ચારો વેંચાતો હોય ત્યાં જઈ ગાયોને ચારો નાખવો. ગૌશાળામાં પણ જઈ શકાય. પક્ષીઓને ચણ નાખવી.

આ ઉપરાંત મનુષ્યને કેમ ભૂલી શકાય? દુ:ખી, નિ:સહાય એવા મનુષ્યોની સહાય તો કરવી જ રહી. શિયાળાની ઠંડીમાં કોઈ ગરમ વસ્ત્ર વગર ફૂટપાથ પર ઠરડાતા અનાથોને ગરમ વસ્ત્રો આપો તો એનાથી ઉત્તમ બીજું શું હોય!

Image Source

આવાં કામો કરીને ઉજવેલી એકાદશી સફળ છે. એનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે, વિષ્ણુની કૃપાથી શાંતિ પ્રસરે છે અને લક્ષ્મીજીની કૃપાથી ધનમાં પણ બરકત આવે છે. આ વર્ષે એકાદશી સાથે શુક્રવારનો સંયોગ રચાયો છે. ૧૧ તારીખના રોજ એકાદશી છે અને શુક્રવાર પણ છે.

‘સ્કંદપુરાણ’ના ‘વિષ્ણુખંડ’માં વર્ષમાં આવતી બધી જ એકાદશીની કથાઓ અને તેમનાં મહત્ત્વ વિશે ચર્ચા કરવામાં આવી છે. આ કથા પણ તેમાં જ આપવામાં આવી છે.

આર્ટિકલ ગમ્યો હોય તો શેર જરૂરથી કરજો, ધન્યવાદ!