દુઃખદ : અમેરિકાના જ્યોર્જિયામાં પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવતાં મૂળ ગુજરાતીની કરવામાં આવી હત્યા, જાણો કોને હત્યા કરી

અમેરિકાના જ્યોર્જિયામાં પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ગુજરાતી મૂળના અધિકારી પરમહંસ દેસાઈની હત્યા કરી દેવાઈ છે. તેમનું 8 નવેમ્બરના રોજ મોત થયુ હતુ. તેઓ પોલિસ અધિકારી તરીકેની ફરજ બજાવતા હતા.

તેમના પિતા દિનેશચંદ્ર દેસાઈ 30 વર્ષ પહેલાં બીલીમોરાથી અમેરિકા ગયા હતા અને ત્યાં જ રહી ગયા હતા. જણાવી દઇએ કે, પરમહંસ દેસાઇની ઉંમર 38 વર્ષ હતી અને તેઓ ડોમેસ્ટિક વાયોલન્સના કેસમાં એક આરોપીની ધરપકડ કરવા માટે ગયા હતા. ત્યાં આરોપીએ પોલિસને જોઇને પિસ્તોલ કાઢી હતી અને પરમહંસને ગોળી મારી તે ફરાર થઇ ગયો હતો.

પરમહંસ આ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જયાં ચાર દિવસ સુધી મોત સામે તેઓ ઝઝૂમ્યા હતા અને આખરે તેમનું 8 નવેમ્બરના રોજ અવસાન થયુ હતુ. આ ઘટના બાદ તો પરિવાર પર જાણે કે દુખોનો પહાડ તૂટી પડ્યો હતો. પરંતુ આ દરમિયાન તેમણે પરમહંસના અંગોનું દાન કર્યુ હતુ અને 11 લોકોને નવુ જીવન આપ્યુ હતુ.

તેમના અંતિમ સંસ્કાર રવિવારના રોજ સ્થાનિક સમય અનુસાર 11 વાગ્યે કરવામાં આવ્યા હતા. 5 ઓક્ટોબર 1983ના રોજ જન્મેલા પરમહંસ હેર્ની કાઉન્ટી પોલિસ ડિપાર્ટમેન્ટમાં ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. તેમને પત્ની અને બે સંતાનો છે. તેમને 8 અને 11 વર્ષના બે દીકરાઓ છે. તેમની બહેને ભાઇના પરિવારને મદદ કરવા માટે ફંડ એકત્ર અભિયાન ચલાવ્યુ છે.

આ અભિયાનમાં 250000 ડોલર એકત્ર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યુ હતુ, અને શનિવાર સાંજ સુધી 4700થી પણ વધુ લોકોએ 313900 ડોલરથી વધુનુ ડોનેશન કર્યુ છે. પરમહંસને ગોળી મારનાર આરોપીનું સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. તેના માથે 30000 ડોલરનું ઇનામ પણ જાહેર કરાયુ છે. પોલિસે આ મામલે આરોપીને છૂપાનાર બેની ધરપકડ કરી છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર જ્યારે સ્વેટની ટીમ એપાર્ટમેન્ટમાં છુપાયેલા આરોપીને પકડવા માટે તેને ઘેરી રહી હતી ત્યારે જ જેક્સને પોતાની જ બંદૂકથી છોડવામાં આવેલી ગોળીથી મોતને ભેટ્યો હતો.

Shah Jina