અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 104 ભારતીયને લઈને એક અમેરિકન લશ્કરી C-17 ગ્લોબમાસ્ટર વિમાન 5 ફેબ્રુઆરીના રોજ પંજાબના અમૃતસર એરપોર્ટ પર ઊતર્યું હતું. જ્યારે પરત ફરતા ભારતીયો સાથે વાત કરવામાં આવી, ત્યારે તેઓએ આ 40 કલાકની મુસાફરીની પીડાદાયક વાર્તા કહી હતી. 104 ડિપોર્ટીઓમાંથી એક, જસપાલ સિંહે દાવો કર્યો હતો કે તેમને આખી મુસાફરી દરમિયાન હાથ પગમાં બેડીઓ બાંધી વિમાનમાં બેસાડ્યા અને તેઓ અમૃતસર એરપોર્ટ પર ઉતર્યા પછી જ બેડી દૂર કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, વિમાન અમેરિકા અને ભારત વચ્ચે ચાર જગ્યાએ ઇંધણ ભરાવા માટે રોકાયું હતું, પરંતુ અંદર બેઠેલા લોકોને વિમાનમાંથી બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવી ન હતી.
“વારંવાર વિનંતી કર્યા પછી, મને વોશરૂમમાં ઢસડીને લઈ જવામાં આવ્યો”
અમેરિકાથી ભારત સુધીની સફર વિશે વાત કરતાં લોકોએ કહ્યું કે, આ સફર નર્ક કરતાં પણ ખરાબ હતી. “40 કલાક સુધી, હાથ પગમાં બેડી પહેરાવવામાં આવી, અમારા પગ સાંકળોથી બાંધવામાં આવ્યા અને અમને અમારી સીટ પરથી ખસવાની પણ મંજૂરી નહોતી. વારંવાર વિનંતી કર્યા પછી, અમને વોશરૂમમાં ઢસડીને લઈ જવામાં આવ્યા.”
“મને ખવડાવ્યું પણ નહીં”
એક ભારતીયએ કહ્યું કે, 40 કલાકની આ યાત્રા દરમિયાન તે બરાબર ખાઈ પણ શક્યો નહીં. અમને હાથકડી પહેરાવેલી હાલતમાં જ ખવડાવવામાં આવતું. જ્યારે અમે સુરક્ષા કર્મચારીઓને થોડા સમય માટે હાથકડી ખોલવા વિનંતી કરી, ત્યારે તેમણે અમારી વાત બિલકુલ સાંભળી નહીં. આ યાત્રા ફક્ત શારીરિક રીતે જ પીડાદાયક નહોતી, પણ માનસિક રીતે પણ ખૂબ જ થકવી નાખનારી હતી.
“હું એક ક્ષણ માટે પણ ઊંઘી શક્યો નહીં”
આ આખી મુસાફરી દરમિયાન તે એક ક્ષણ માટે પણ ઊંઘી શક્યો નહીં. તેના મનમાં ફક્ત એક જ વાત ચાલી રહી હતી કે તેણે તેની પત્નીને અમેરિકામાં વધુ સારા જીવનનું જે વચન આપ્યું હતું તે પૂરું થઈ શક્યું નહીં. જૂન 2024 માં, હરવિંદર અને તેની પત્ની કુલજિંદર કૌરે એક મોટો નિર્ણય લીધો. લગ્નના ૧૩ વર્ષ પછી પણ, તેમની પાસે મર્યાદિત સંસાધનો હતા અને તેઓ તેમના બે બાળકો, ૧૨ વર્ષના દીકરા અને ૧૧ વર્ષની દીકરીના ભવિષ્ય વિશે ચિંતિત હતા.