ગુજરાતમાં આવેલાં શીતળામાતાના મંદિરો આમ તો અનેક હશે. પણ સૌથી પ્રખ્યાત મંદિરની વાત કરવામાં આવે તો એમાં જામનગરથી થોડે દૂર આવેલ ‘કાલાવડનું મંદિર’ મોખરે આવે. શીતળા માતાનાં ગુજરાતભરમાં આવેલાં મંદિરોમાં આ સૌથી જાણીતું છે. સદીઓ જૂના આ મંદિરનો ઈતિહાસ પણ એટલો રોચક છે કે વાંચતા જ રહો! ખાસ કરીને એક પ્રસંગ જે ૧૬મી સદીમાં બનેલો.
જામ રાવળનાં સ્વપ્નમાં આવ્યાં માતાજી —
જામનગરની સ્થાપના કરનાર જાડેજાવંશના રાજવી જામ રાવળનું નામ તો સૌએ સાંભળ્યું જ હશે. કચ્છમાંથી હાલાર પંથકમાં આવીને વસનાર અને અહીં જામનગર નામે કાઠિયાવાડનું એક મોટું રજવાડું બનાવનાર જામ રાવળ બહુ મોટા રાજવી હતા.
જામનગરથી પચાસેક કિલોમીટર દૂર દક્ષિણ-પૂર્વમાં આવેલ કાલાવડ પરગણું એ વખતે એક કાઠી રાજવીનું સંસ્થાન હતું. કાળો માંજરિયો એનું નામ. આ કાલાવડનાં પાદરમાં કાલાવડી નદીને કાંઠે શીતળા માતાનું એક મંદિર. માંજરિયા શાખાના કાઠી કાળા માંજરિયાના શીતળા માતાજી કુળદેવી હતા. કાળો માંજરિયો માતાજીનો અનન્ય ભક્ત હતો. કહેવાય છે, કે માતાજીના કાળાને સપને વાતો કરતા. કાલાવડ ચોવીસીને તાકાતવર બનાવવા પાછળ પણ શીતળા માતાનો જ હાથ હતો.

પણ પછી વખત ફર્યો. કાળા માંજરિયાનું અવસાન થયું અને તેના પછી લાખો માંજરિયો કાલાવડની ગાદી પર આવ્યો. કાલાવડથી થોડે દૂર આવેલ કોટડા ગામ ખાતે એનો ભાઈ વીરમ માંજરિયો રહેતો. અહીં આશબા પીરની દરગાહ હતી, જેના ફકીરની વાતોમાં વીરમ પૂરી રીતનો ફસાયો હતો. આ ફકીરે વીરમ પર વાતોનો એવો તો જાદુ ચલાવ્યો કે ભગવતીનો ઉપાસક, સુરજ નારાણનો પૂજારી વીરમ ઇસ્લામનો પ્રચારક બની ગયો!
દરગાહના મુંઝાવરે પછી તો વીરમની મારફત લાખા માંજરિયાને પણ ઇસ્લામનો જાદુ પાયો. લાખો પણ ઇસ્લામનો અનુયાયી બન્યો. એણે પોતાની કુળદેવી માતા શીતળાના મંદિર ભણી દુર્લક્ષ સેવ્યું અને માતાજીના મંદિરને મળતી અનાજની લાગત બંધ કરી. મંદિર વેરાન બન્યું. લોકો આવતા બંધ થયા. પૂજારીએ પણ કંઈ મળતું ન હોવાથી પૂજા બંધ કરી. એક વખતનું ભર્યું ભાદર્યું મંદિર ડાકલીયા વાંદર જેવા રાજાને લીધે ઉજ્જડ બન્યું.
એક રાતે જામનગરના રાજમહેલમાં જામ રાવળ સૂતા છે અને માતા શીતળા એમનાં સ્વપ્નમાં આવ્યાં. કહ્યું : “કાલાવડના પાદરમાં આવેલું મારું મંદિર વેરાન બન્યું છે. રાજા વિધર્મીઓની વાતોમાં લપેટાઈને ધર્મ ભૂલ્યો છે. પ્રજા ત્રાહિમામ્ પોકારે છે. ઊઠ! આ વખત છે. જા અને જીતી લે કાલાવડ. મારો તને આશિર્વાદ છે.”

કહેવાય છે, કે જામ રાવળે સપનામાં આવેલી વાત પ્રત્યે લક્ષ્ય ન આપ્યું. બે દિવસ થયા અને જામ રાવળના કુંવર જીયાજી શીતળાની બિમારીમાં સપડાયા! ડર વગર તો ફરજ ક્યાંથી યાદ આવે? હવે જામરાવળને લાગ્યું, કે સ્વપ્નની વાત સાચી હતી! તેણે માનતા કરી કે જો પોતાના પુત્રને શીતળા મટી જાય તો કાલાવડ આવીને પુત્રના વજનને ભારોભાર ચાંદી જોખશે અને મંદિરને અર્પણ કરશે.
કાલાવડની દુર્દશા —
શીતળા મટ્યો. એક દિવસ વાજતેગાજતે જામનગરથી આખો કાફલો કાલાવડ આવ્યો. શીતળા માતાનાં મંદિરે આવીને જીયાજીને ચાંદી ભારોભાર જોખવામાં આવ્યા. બ્રાહ્મણોની ચોરાશી જમાડવામાં આવી. બાળકોને ભોજન આપ્યું. જામ રાવળે ઘણું દાન પણ કર્યું. પણ મંદિરની દુર્દશા તેમનાથી જોવાઈ નહી. માતાજી જ્યાં સ્વયંભૂ પ્રગટેલા એ મંદિર આજે જીર્ણોધ્ધાર ઝંખતું હતું. અહીંનો રાજવી મારગ ભૂલ્યો હતો, જનતા ત્રસ્ત હતી, ધર્મ નષ્ટપ્રાય થયો હતો. આવા રાજવીને તો ધોકાનો જ પાઠ ભણાવાય!
જામનગરથી કાફલો અહીં આવેલો એ વખતે લાખો માંજરિયો તો પથારીવશ થઈને કોટડા જતો રહ્યો હતો. એનો દીકરો દેવાયત માંજરિયો કાલાવડની ગાદી સંભાળતો હતો. બાપ એવો દીકરો – એ નાતે દેવાયત પણ ઇસ્લામની લપેટમાં આવેલો હતો, મુંઝાવરનો ભૂલાવ્યો ભીંત ભૂલ્યો હતો.

જામનગરી ફોજની ચડાઈ —
જામ રાવળે સાથે આવેલ રસાલાને પાછો વળાવી દીધો અને જામનગરથી જેસા વજીરની આગેવાનીમાં ફોજ તેડાવી. જામનગરની વિશાળ, સશક્ત ફોજ આવી. એની સામે સદાય વિલાસમાં રહેતા નિર્બળ દેવાયત માંજરિયાની શી વિસાત? એ ભાગી છૂટ્યો અને નાનકડું ધીઁગાણું કરી જામ રાવળે કાલાવડ જીતી લીધું. પ્રજા તો એ જ માગતી હતી. ચોતરફ ઉત્સવ ઉજવાયો. માતા શીતળાના મંદિરે જામ રાવળે શીશ ઝૂકાવ્યું અને અઢળક ધન વાપરી મંદિરને ભવ્ય બનાવ્યું.
એ પછી તો કાલાવડ હંમેશા માટે જામનગરની જ રિયાસતમાં રહ્યું. આગળ જતા કાલાવડ ફરતે જામ રાવળના વંશજોએ કિલ્લો પણ બંધાવ્યો. માતાજીની નિયમિત રીતે પૂજા કરતા રહ્યા. દૂહો કહેવાયો કે,
દશ કોઠા, છ બારીયું ને બે દરવાજા હોઈ;
પાદર મોટી શીતળા, તે કાલાવડ હોઈ!
[ આર્ટિકલ સારો લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો, ધન્યવાદ! ]
કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો…!!! તમારી પણ મનોકામના પૂર્ણ થશે
Author: કૌશલ બારડ GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.