ઢોલીવુડ મનોરંજન

ગુજરાતી સિનેમા વિશેની ના જાણેલી કેટલીક વાતો, જે દરેક ગુજરાતીએ જાણવી જોઈએ

ગુજરાતી સિનેમા એટલે આપણે જેને ઢોલીવુડ કહીએ. પરંતુ છેલ્લા કેટલાય સમયથી ગુજરાતી સિનેમાનું રંગ રૂપ બદલાઈ ગયું છે. હવે અર્બન ગુજરાતી સિનેમા તરીકે એકથી એક ચઢિયાતી ફિલ્મો આવે છે જેને જોનારો વર્ગ પણ આજે ઘણો જ મોટો છે. ખાસ કરીને યુવાનોને આકર્ષે એવી ફિલ્મો પણ આવવા લાગી છે. તે છતાં પણ ગુજરાતી સિનેમાને હજુ જે પ્રકારે સફળતા મળવી જોઈએ તે રીતે નથી મળી, તેની પાછળના ઘણા બધા કારણો છે.

જો ફિલ્મોની વાત કરીએ તો ઘણી જ સારી વાર્તાઓ અને સારા અભિનય સાથેની ફિલ્મો હવે આવે છે તે છતાં પણ માતૃભાષાની ફિલ્મો જોવામાં ક્યાંક ને ક્યાંક ગુજરાતીઓ હજુ પાછા પડે છે. પરંતુ એક વાત ગુજરાતી દર્શકો પણ નથી જાણતા કે જે ફિલ્મો આપણે થિયેટર સુધી જોવા નથી જઈ શકતા એજ ફિલ્મોને રાષ્ટ્રીય કક્ષાએ પણ ઘણા જ પુરસ્કારો મળ્યા છે.

આજે ગુજરાતી સિનેમામાં દરેક પ્રકારની ફિલ્મો બને છે. એ લવ સ્ટોરી હોય, કોમેડી હોય, હોરર હોય, સાય ફાઈ હોય, રમત સાથે જોડાયેલી હોય કે પછી ફેમેલી ડ્રામા હોય. ફિલ્મ કલાકારો અને ફિલ્મ નિર્માતાઓ ખુબ જ મહેનતથી આ ફિલ્મો બનાવે છે. સાથે જ સંગીત અને ગીતો પણ આજના દરેક ઉંમરના દર્શકોનેને સ્પર્શે તેવા હોય છે.

અર્બન ગુજરાતી સિનેમામાં આવેલી ફિલ્મ “રોન્ગ સાઈડ રાજુ”એ પણ બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ ફિલ્મ એવોર્ડ ગુજરાતી 64માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં જીત્યો હતો. તો ફિલ્મ “રેવા”એ પણ બેસ્ટ ફીચર ફિલ્મ ગુજરાતી તરીકે 66મોં નેશનલ ફિલ્મ એવોર્ડ મેળવ્યો હતો. આ ઉપરાંત પણ “રેવા” ફિલ્મ ઘણા એવોર્ડ જીતી ચુકી છે.

તો તાજેતરમાં જ લોકડાઉન પહેલા આવેલી ફિલ્મ “ગોળકેરી” એક જ સપ્તાહમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ ગુજરાતી સિનેમામાં બની હતી. તો એના પહેલા આવેલી ફિલ્મ “હેલ્લારો”એ તો ઘણા કીર્તિમાન સ્થાપિત કર્યા છે. 66માં રાષ્ટ્રીય ફિલ્મ એવોર્ડમાં બેસ્ટ ફીચર ફિલ્મ તરીકેનો એવોર્ડ પણ “હેલ્લારો” ફિલ્મને મળ્યો છે. અને આ ઉપરાંત ફિલ્મમાં અભિનય કરનારી 13 મહિલા અભિનેત્રીઓને 66માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં તેમના પ્રદર્શન માટે એક વિશેષ જૂરી એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાતી સિનેમાની જ “રોમ-કોમ”, “કેશ ઓન ડિલિવરી”, “ચોર બની થનગાટ કરે”, “શુભારંભ” જેવી ફિલ્મો મનોરંજનનો એક મોટો ખજાનો છે.

ગુજરાતી સિનેમાની એક ખાસ વાત એ છે કે ગુજરાતી સિનેમા એવા કલાકારોને પણ આવકારે છે જે ગુજરાતી સિનેમા બહારના એટલે કે બૉલીવુડ સાથે પણ જોડાયેલા છે. ઘણી ગુજરાતી ફિલ્મોમાં બોલીવુડના ઘણા કલાકારોએ કામ કર્યું છે. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને તેમની પત્ની જયા બચ્ચને પણ “કેરી ઓન કેસર”ફિલ્મમાં કેમિયો રોલ કર્યો હતો.

ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ હવે ગુજરાતની બહાર પણ શૂટિંગ કરવા માટે જાય છે. દેશમાં જ નહિ વિદેશમાં પણ ગુજરાતી ફિલ્મોના શૂટિંગ હવે થવા લાગ્યા છે. ગુજરાતી ફિલ્મો હંમેશા કંઈક નવું અને સર્જનાત્મક કરવામાં માને છે અને જેના કારણે નવી નવી સામગ્રી પણ દર્શકોને પીરસે છે. ફિલ્મ “ચાલ જીવી લઈએ”નું મોટાભાગનું શૂટિંગ ઉત્તરાખંડમાં થયું છે, અને આ ફિલ્મ પણ દર્શકોને ખુબ જ પસંદ આવી છે અને ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં થિયેટરમાં સૌથી વધુ દિવસ ફિલ્મ પ્રસારિત થવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો.

એટલું જ નહિ, ગજરાતી સિનેમા વિવિધ પ્લેટફોર્મના માધ્યમ દ્વારા પણ દર્શકો સાથે જોડાવવાના પૂરતા પ્રયત્નો કરે છે. અલગ અલગ પ્લેટફોર્મ ઉપર ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવાના પણ પૂરતા પ્રયાસો કરવામાં આવે છે.

ગુજરાતી સિનેમા હવે વિશ્વના ખૂણે ખૂણે બેઠેલા ગુજરાતી સાથે પણ જોડાઈ રહ્યું છે. દૂર બેઠેલો ગુજરાતી પણ ગુજરાતી સિનેમાની સાથે ભાષાના વૈભવ અને ગુજરાતની અસ્મિતાને માણી શકે છે. ગુજરાતી ફિલ્મ નિર્માતાઓ અને ફિલ્મ કલાકારો ખુબ જ મહેનત કરી અને કંઈક નવીનતાની સાથે દર્શકોને મનોરંજન મળે એ પ્રકારની ફિલ્મોનું નિર્માણ કરતા હોય છે.

નીચે વિડીયોમાં જુઓ કેટલીક ગુજરાતી ફિલ્મો બનાવવામાં કેવી મહેનત કરવામાં આવે છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.