અલવિદા ડિસ્કો ડાન્સર: બપ્પી દાએ માત્ર 3 વર્ષની ઉંમરે જ તબલા શીખી લીધા હતા

સંગીતની દુનિયાનો વધુ એક સિતારો થયો અસ્ત, લતાજી બાદ બપ્પી દાની વિદાઈ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ફરી એકવાર શોકનો માહોલ છવાયો છે. દેશના જાણીતા સિંગર અને કંપોઝર બપ્પી લહેરીનું નિધન થયું છે. બપ્પી લહેરી એ જ વ્યક્તિ છે જેમણે દેશના યુવાનોને ડિસ્કો અને રોક ગીતથી રૂબરૂ કરાવ્યા હતા. હવે આ દિગ્ગજ સંગીતકાર આપણી વચ્ચે નથી રહ્યા.

આ સમાચાર સામે આવતા જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકની લાગણી છવાઈ ગઈ. તેમના અવસાનથી તેમના કરોડો ચાહકોને મોટો આંચકો લાગ્યો છે. લતાજી બાદ બપ્પી લહેરીના નિધનથી સંગીતની દુનિયામાં મોટો ફટકો પડ્યો છે. બપ્પી લહેરને મ્યૂઝિકના કિંગ કહેવામાં આવતા હતા. તેમનો જન્મ 27 નવેમ્બર 1952ના રોજ પશ્ચિમ બંગાળના કોલકાતામાં થયો હતો.

તેમને નાનપણથી જ સંગીત પ્રત્યે ઉંડો લગાવ હતો અને તેથી જ તેમણે બાળઅવસ્થામાં જ સંગીત શીખવાનું શરૂ કરી દીધુ હતું. તેમણે 70ના દાયકામાં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. એ સમયે માત્ર બપ્પી લહેરના ગીતોની ધૂમ હતી. લોકો તેમના ગીતો સાંભળીને ઝુમી ઉઠતા હતા.

બપ્પીદાને સોનું ખુબ પ્રીય હતું. તેઓ હંમેશા સોનાની ચેન અને વીટીઓ પહેરી રાખતા હતા.  બપ્પીદાની ફેશન સ્ટાઈલ અન્ય લોકોથી અલગ હતી તેવી જ રીતે તેમનું સંગીત પણ અન્ય કરતા જુદુ હતું.

કદાચ તમને નહીં ખબર હોય પરંતુ તેમને સંગીત વારસામાં મળ્યું હતું. તેમના પિતાનું નામ અપરેશ લહેરી હતું, જે પ્રખ્યાત બંગાળી સિંગર હતા અને તમની માતા બાંસરી લહેરી પણ એક સંગીતકાર હતી. બપ્પીદાએ વર્ષ 1977માં ચિત્રાની સાથે લગ્ન કર્યા હતા.

બપ્પી દાની સંગીત સફર વિશે વાત કરીએ તો તેમણે માત્ર 3 વર્ષની ઉંમરે તબલા વગાડવા અને સંગીત શીખવાનું શરૂ કરી દીધુ હતું. એવું કહેવાય છે કે તેમણે તેમના માતા પિતા પાસેથી જ સંગીતની વિદ્યા લીધી હતી. બપ્પી લહેરીએ તેમની કારકિર્દીનું પહેલું ગીત બંગાળી ફિલ્મમાં જ ગાયું હતું. તેમને વર્ષ 1973માં પહેલીવાર ‘નન્હા શિકારી’ ફિલ્મમાં સંગીત આપવામાં ચાન્સ મળ્યો હતો.

તેમને સાચી ઓળખ તો 1975ના વર્ષમાં મળી. જ્યારે તેમણે બે દિગ્ગજ કલાકારો મોહમ્મદ રફી અને કિશોર કુમાર સાથે ફિલ્મ ‘જખ્મીમાં’ ગીત ગાયું. કિશોર કુમારે બપ્પી લહેરની ખુબ મદદ કરી હતી. તે બન્નેનું બોંડિગ ખુબ સારૂ હતું.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે બપ્પી લહેરી એક માત્ર કલાકર છે જેમને કિંગ ઓફ પોપ માઈકલ જેક્સનને મુંબઈમાં આયોજીત એક કાર્યક્રમમમાં આમંત્રિત કર્યા હતા. આ લાઈવ શો 1996માં આયોજીત કરવામાં આવ્યો હતો. આ સાથે તેમણે એક દિવસમાં સૌથી વધુ ગીતો રેકોર્ડ કરવાનો પણ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

તેમણે બોલિવૂડની મ્યુઝિક દુનિયામાં એક અલગ જ ટ્રેન્ડ શરૂ કર્યો હતો. તેમના ગીતા આજે પણ એટલા જ લોકપ્રિય છે. જેમ કે 2011માં આવેલ ડર્ટી પિક્ચરનું ‘ઉ લા લા ઉ લા લા’ તેમનું જ ગીત હતું. જે ખુબ હિટ ગયું હતું. તેમના જવાથી સંગીતની દુનિયામાં એક મોટી ખોટ પડી છે.

YC