મહેસાણાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન, આજે સિદ્ધપુરમાં થશે અંતિમવિધિ

ગુજરાતના મહેસાણાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું રવિવારના રોજ નિધન થયુ હતુ. તેમની અંતિમવિધિ સિદ્ધપુરમાં કરવામાં આવશે. સિદ્ધપુરનાા સરસ્વતી મુક્તિધામમાં અંતિમવિધિની જરૂરી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામાં આવી છે અને તેમની આજે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આશાબેન પટેસની અંતિમયાત્રા બરોડા બેંક, વિજય સોસાયટી, સજ્જન બેંક, ગોકુલધામ, ઉમિયા માતાજી ચોક, ઉમા સોસાયટી રોડ, વિશ્વકર્મા રોડ, ગાંધીચોક, ઊંઝા નગરપાલિકાથી અંડરબ્રિજ થઈ તેમના ગામ વિશોળ ખાતે લઇ જવામાં આવી હતી, ત્યાંથી અંતિમવિધિ પાર્થિવદેહને સિદ્ધપુર લઈ જવામાં આવ્યો હતો. પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત ભાજપના અગ્રણીઓ સિદ્ધપુર પહોંચ્યા છે.

આશાબેન પટેલની અંતિમયાત્રામાં મંત્રી જગદીશ પંચાલ પણ ઊંઝા પહોંચ્યા હતા. તેમજ અંતિમ યાત્રા 8 વાગ્યે ઊંઝા શહેરમાં ફર્યા બાદ તેમના વતન વિશોળ જશે. વિશોળ ખાતે લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે. વિશોળ બાદ સિદ્ધપુર ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આશાબેન પટેલનું ડેન્ગ્યુને કારણે મલ્ટી ઓર્ગન ફેલ થતા રવિવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું.

અમદાવાદમાં સારવાર દરમિયાન આશાબેન પટેલનું નિધન થયા બાદ તેમના પાર્થિવદેહને ઊંઝા લઈ જવામાં આવ્યો હતો અને ઊંઝા APMCમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. લોકોએ મોટી સંખ્યામાં પાર્થિવદેહનાં અંતિમ દર્શન કર્યાં હતાં. ઊંઝાના ધારાસભ્યના નિધનથી ઊંઝા સહિત રાજ્યને મોટી ખોટ પડશે. તેમજ અંદાજે 25 દિવસ પહેલા આશાબેન પટેલે આપેલ શબવાહીનીમાં જ તેમની અંતિમયાત્રા નીકળશે.

આશાબેનના નિધનથી ઊંઝા શોકમગ્ન થયુ છે. તથા ઊંઝા શહેર અને APMC આજે બંધ રહેશે. તેમજ ઊંઝાના વેપારી એસોસિએશને બંધની જાહેરાત કરી છે. તથા ધારાસભ્યના નિધનને પગલે શોક પાળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ ઉપરાંત પીએમ મોદીએ પણ શોક વ્યક્ત કર્યો હતો.

Shah Jina