જામનગરમાં દીકરીના લગ્નમાં હાથી પર બેસાડીને ફુલેકુ ફેરવ્યું, નાનપણથી રાખેલી દીકરીની ઈચ્છા દાદાએ તેના લગ્નમાં પૂર્ણ કરી, જુઓ વીડિયો

ના ઘોડા પર, ના બુલેટ પર કે ના રૂફટોપ કાર પર, જામનગરની આ દીકરી હાથી પર બેસીને પહોંચી લગ્નના મંડપમાં, જુઓ વીડિયો

હાલ આખા દેશમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા બધા યુગલો પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે, આ દરિયાન લગ્નને લઈને ઘણી એવી ખબરો પણ સામે આવી રહી છે કે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. હાલ એવા જ એક લગ્નની ખબર જામનગરમાંથી સામે આવી છે. જ્યાં એક દીકરી હાથી પર સવાર થઈને લગ્ન મંડપમાં જતી જોવા મળી રહી છે. (તમામ તસવીરો સૌજન્ય: BBC)

દરેક દીકરીના બાળપણથી જ કેટલાક સપના હોય છે, નાની ઢીંગલીથી લઈને લગ્નમાં શાનદાર એન્ટ્રી કરવા સુધીના સપના આજે દીકરીઓ જોતી હોય છે, પરંતુ ઘણી દીકરીઓના સપના પૂર્ણ નથી થતા અને ઘણી દીકરીઓના સપના પૂર્ણ થઇ જતા હોય છે. આવું જ એક સપનું જામનગરના બિનલબા સરવૈયાએ પણ જોયું હતું. જેને તેના દાદાએ પૂર્ણ કર્યું.

આજની છોકરીઓ જ્યાં ઘોડા પર, બુલેટ પર, રૂફટોપ કાર બેસીને જવાના સપના જોતી હોય છે ત્યાં બિનલબાએ હાથી પર બેસીને લગ્ન સ્થળ પર જવાનું સપનું જોયું હતું. તેમના આ સપનાને બિનલબાના દાદા અરવિંદ સિંહ સરવૈયાએ પૂર્ણ કર્યું અને બિનલબાને હાથી પર બેસાડી વાજતે ગાજતે લગ્ન મંડપ સુધી લઇ ગયા.

પોતાની પૌત્રીની ઈચ્છા પૂર્ણ કરવા માટે દાદા અરવિંદ સિંહે ખાસ મોરબીથી હાથી મંગાવ્યો. જેના પર બિનલબાને બેસાડ્યા, સાથે જ બેન્ડવાજાના તાલ પર સગા, સંબંધીઓ, મિત્રો અને સ્નેહીજનો વાજતે ગાજતે લગ્ન મંડપ સુધી પહોંચ્યા હતા. દાદાએ આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે બિનલબાએ નાનપણથી જ હાથીપ બેસવાનું સપનું જોયું હતું જે મેં આજે પૂર્ણ કર્યું.

બીબીસી મીડિયા સાથે વાત કરતા બિનલબાએ જણાવ્યું હતું કે, “કન્યા ડોલીમાં જાય, કારમાં જાય, રૂફટૉપવાળી કારમાં જાય પણ મારી ઇચ્છા હતી કે હાથી પર સવારી સાથે મારી વિદાય કરવામાં આવે. મારી નાનપણથી ઇચ્છા હતી કે મારે આવી રીતે શાહી સવારી લઈને લગ્નમંડપથી ઘર સુધી જવું છે તો મારા દાદા અરવિંદસિંહ સરવૈયાએ મારી ઇચ્છા પૂરી કરી છે.”

જામનગરના રસ્તાઓ પર બિનલબાની હાથી પર બેસીને શાહી સવારી નીકળી હતી, જેને જોવા માટે લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. બિનલબાને હાથી પર આ રીતે લગ્ન મંડપ સુધી જતા જોવા પણ એક લ્હાવો હતો. હાથમાં તલવાર લઈને નાચતા ગાતા બિનલબા લગ્ન મંડપ સુધી પહોંચ્યા હતા.

Niraj Patel