ભારતનું એક માત્ર રેલવે સ્ટેશન જ્યાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી ભાષામાં થાય છે જાહેરાત

સામાન્ય રીતે આપણે વિદેશ જઈએ ત્યારે વિઝાની જરૂર પડે છે, બાકી દેશના કોઈ પણ ખુણે આપણે સરળતાથી હરી ફરી શકીએ છીએ. પરંતુ એવું નથી, ભારતમાં એક એવું રેલ્વે સ્ટેશન પણ છે જ્યાં જવા માટે તમારે વિઝાની જરૂર પડશે. વાત સાંભળીને આંચકો લાગ્યો ને! આ વાત સાચી છે. આજે અમે તમને દેશના આવા જ કેટલાક વિચિત્ર રેલવે સ્ટેશનો વિશે જણાવીશું જેના વિશે જાણીને તમને નવાઈ લાગશે. દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર એક અનોખું રેલવે સ્ટેશન છે જે બે રાજ્યોમાં આવે છે. આ રેલવે સ્ટેશન રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં આવે છે અડધી ટ્રેન એક રાજ્યમાં તો અડધી બીજા રાજ્યમાં ઉભી રહે છે. તો આવો જાણીએ આવા જ અનોખા રેલવે સ્ટેશનો વિશે.

1.ભવાની મંડી: ભારતમાં એવા ઘણા રેલવે સ્ટેશનો છે જે તેની ભવ્યતા માટે જાણીતા છે. પરંતુ રાજસ્થાનમાં આવેલુ આ રેલવે સ્ટેશન તેનાથી કંઈક અલગ છે. હકિકતમાં ભવાની મંડી રેલવે સ્ટેશન રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદની વચ્ચો વચ્ચ છે. આ અનોખા રેલવે સ્ટેશને તમને બન્ને રાજ્યોની સંસ્કૃતિના દર્શન થશે. આ રેલ્વે સ્ટેશનની ખાસ વાત એ છે કે મુસાફરો ટિકિટ લેવા રાજસ્થાનમાં ઉભા હોય છે જ્યારે ટિકિટ આપનાર ક્લાર્ક મધ્ય પ્રદેશમાં ઉભો હોય છે. મધ્ય પ્રદેશના લોકો દરેક કામ માટે આ સ્ટેશને જતા આવતા હોય છે તેથી બન્ને પ્રદેશના લોકોમાં પ્રેમ ભાવ જોવા મળે છે.

2.નવાપુર રેલવે સ્ટેશન: આ રેલવે સ્ટેશન પર ભવાની મંડીની જેમ બે રાજ્યોમાં પડે છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદ પર આ રેલવે સ્ટેશન આવેલું છે. આ રેલવે સ્ટેશન પર મુકવામાં આવેલી બેન્ચ બે રાજ્યોની સરહદ વચ્ચે છે. આ સ્ટેશનનની સૌથી અનોખી વાત એ છે કે અહીંયા હિન્દી, અંગ્રેજી,ગુજરાતી અને મરાઠી ભાષામાં જાહેરાત કરવામાં આવે છે. જ્યારે આ રેલવે સ્ટેશન બન્યું હતું ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાત એક જ રાજ્ય હતા. સંયુક્ત મુંબઈ પ્રાંતમાં નવાપુર સ્ટેશન આવેલું હતું. પરંતુ 1961માં જ્યારે ભાગલા પડ્યા તો આ સ્ટેશન મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજીત થઈ ગયું.

3.નામ વગરનું રેલવે સ્ટેશન: પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લામાં એક અનોખુ રેલવે સ્ટેશન છે. અનોખુ એટલા માટે કે આ રેલવે સ્ટેશનનું કોઈ નામ નથી. આ રેલવે સ્ટેશન વર્ધમાન ટાઉનથી 35 કિમી દૂર આવેલું છે. વર્ષ 2008માં તેને બનાવવામાં આવ્યું હતું. તે સમયે તેનું નામ રૈનાગઢ રાખવામાં આવ્યું હતું પરંતુ રૈના ગામના લોકોએ તેનો વિરોધ કર્યો અને રેલવે બોર્ડને ફરિયાદ કરી. ત્યાર બાદ તેને લઈને હજુ કોઈ નિર્ણય આવ્યો નથી તેથી આ સ્ટેશનનું કોઈ નામ રાખવામાં આવ્યું નથી.

4.અનોખું રેલવે સ્ટેશન: ઝારખંડમાં પણ એક રેલવે સ્ટેશન છે જેનું કોઈ નામ નથી. રાજધાની રાંચીથી ટોરી જતી રેલ લાઈન પર આ સ્ટેશન આવે છે. વર્ષ 2011માં આ રેલવે સ્ટેશન પર પહેલીવાર ટ્રેનને દોડાવવામાં આવી હતી. ત્યારે રેલવેએ તેનું નામ બડકીચાંપી રાખવાનો નિર્ણય કર્યો હતો પરંતુ કમલે ગામના વિરોધના કારણે આ નામ રાખી ન શકાયું. ત્યારે લોકોએ એવી દલીલ આપી કે આ સ્ટેશન માટે અમે જમીન આપી છે તો તેનું નામ કમલે રાખવામાં આવે. ત્યાર બાદથી આ સ્ટેશનનું કોઈ નામકરણ કરવામાં આવ્યું નથી.

5.અટારી: ભારતના આ અનોખા રેલવે સ્ટેશન પર જવા માટે વિઝાની જરૂર પડે છે. તમે અહીં વિઝા વગર જઈ શકતા નથી. આ રેલવે સ્ટેશન પંજાબ અને અમૃતસર જિલ્લામાં આવે છે. જો તમે આ રેલવે સ્ટેશન પર વિઝા વગર પકડાઈ જાવ તો તમારી સામે કેસ દાખલ કરવામાં આવે છે અને તમને સરળતાથી જામીન પણ નથી મળતા. આ સ્ટેશનેથી સમઝોતા એક્સપ્રેસને લીલી ઝંડી બતાવવામાં આવે છે. આ સ્ટેશન છે તો ભારતમાં પરંતુ પાકિસ્તાની વિઝા વગર અહીં કોઈ પણ ભારતીયને પ્રવેશ મળતો નથી.

YC