જન્મદિવસની ઉજવણી કરી પરત ફરતા કાકા-ભત્રીજાને નડ્યો હતો અકસ્માત, 17 વર્ષિય યુવકનું થયુ મોત

સુરતમાં જન્મદિવસની પાર્ટીમાંથી રિટર્ન આવતા થયો અકસ્માત…પરિવારે એકનો એક લાડલો દીકરો ગુમાવ્યો

ગુજરાતમાં ઘણીવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે અને અકસ્માતમાં કેટલાક લોકો તેમનો જીવ પણ ગુમાવતા હોય છે, ત્યારે હાલમાં જ આવી એક ઘટના સામે આવી છે, જેમાં એક 17 વર્ષિય યુવકે જીવ ગુમાવ્યો છે. સુરતમાં ડિંડોલી-ગોડાદરા બ્રિજ કાકા-ભત્રીજા બાઇક પર સવાર થઇ જઇ રહ્યા હતા. ત્યારે ઓવરટેક કરવાના ચક્કરમાં ડિવાઈડર ઉપર મુકેલા ફૂલના કુંડા સાથે અથડાતા 17 વર્ષિય ભત્રીજાનું કરૂણ મોત નીપજ્યું હતું અને એકને ઇજા પહોંચી હતી.

આ ઘટના ગત ગુરૂવારની સાંજે બની છે. આ અકસ્માત બાદ બન્નેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા 17 વર્ષીય રોહિતને મૃત જાહેર કરાયો હતો. જયારે કાકાની હાલત સાધારણ હોવાનું ડોક્ટરોએ કહેતા પોલીસે ફરિયાદ દાખલ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની વિગત તપાસીએ તો, અમરોલી કોસાડ આવાસ ખાતે રહેતા ઉમેશ મંગેશ રાજકોટીયા અને તેમનો 17 વર્ષીય કૌટુંબિક ભત્રીજો રોહિત ગત 9મી તારીખે કોઈ સંબંધીના ત્યાં બર્થડે પાર્ટીમાં આવ્યા હતા. ત્યારબાદ તેઓ સાંજે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.

બાઇક પર સવાર થઇ બંને ડિંડોલી-ગોડાદરા બ્રિજ પાસેથી પસાર થઇ રહ્યા હતા. બાઈક ચાલક ઉમેશ ભાઇએ ઓવરટેક કરવા જતા બેલેન્સ ગુમાવ્યું હતું અને બાઈક રોડ ડિવાઈડર પર મુકેલા ફુલના કુંડા સાથે અથડાતા ગંભીર અકસ્માત થયો હતો. જેમાં ઉમેશભાઈને હાથ-પગ અને શરીરના ભાગે ઈજાઓ થઇ હતી. જ્યારે રોહિતને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રોહિતનું મોત નીપજ્યું હતું. રોહિતના મોતના સમાચારે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.

Shah Jina