ગ્રીષ્મા જેવી ઘટના : પ્રેમીએ પ્રેમિકાને છરીના ઘા મારીને બાથરૂમમાં કરી દીધી બંધ, ઘરને તાળું મારી થઇ ગયો ફરાર અને પછી….

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમમાં હત્યાના ઘણા મામલાઓ સામે આવતા હોય છે, થોડા સમય પહેલા સુરતમાં થયેલા ગ્રીષ્મા હત્યકાંડે આખા દેશમાં ચકચારી મચાવી દીધી હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. ત્યારે હાલ એવી જ એક ઘટના આણંદ જિલ્લાના ઉમરેઠમાંથી સામે આવી છે, જ્યાં એક પ્રેમીએ પોતાની પ્રેમિકાને છરીના ઘા મારીને બાથરૂમમાં બંધ કરી દીધી અને ઘરમાં તાળું મારીને ફરાર થઇ ગયો.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ઉમરેઠમાં આવેલી કાછીયાપોળમાં એક યુવક અને યુવતી શનિવારના રોજ ભાડે રહેવા માટે આવ્યા હતા. ત્યારે યુવક અને યુવતી વચ્ચે કોઈ બાબતે અણબનાવ થયો હતો અને રવિવારના રોજ બંને ખુબ જ ઝઘડવા લાગ્યા, ઝઘડો એ હદ સુધી વધી ગયો કે યુવકે યુવતીને મારી નાખવાનો પ્રયાસ કર્યો. યુવકે યુવતીને છરીના ઘા મારીને બાથરૂમમાં બંધ કરી દીધી.

બપોરે બનેલી આ ઘટના બાદ યુવતીને બાથરૂમમાં પૂરીને યુવક ઘરને તાળું મારીને ફરાર થઇ ગયો હતો. જેના બાદ દર્દથી પીડાતી યુવતીએ બુમરાણ મચાવી હતી, તેનો અવાજ સાંભળતા જ આસપાસના લોકો પણ એકઠા થઇ ગયા હતા. જેના બાદ મકાન માલિકને જાણ કરતા જ દરવાજો ખોલવામાં આવતા યુવતી લોહીલુહાણ હાલતમાં બાથરૂમમાંથી મળી આવી હતી અને પછી તેને 108 મારફતે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

યુવતીની હાલત વધુ ખરાબ હોવાના કારણે તેને નડિયાદ સિવિલમાં દાખલ કરવામાં આવી છે. ત્યારે આ મામલે હવે ઉમરેઠ પોલીસે તપાસ પણ હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મકાન માલિક હિતેષભાઇ મહેન્દ્રભાઈ કાછીયાએ કોઈપણ જાતના ઓળખના પુરાવા વિના આ યુવક અને યુવતીને ઘર ભાડે આપ્યું હતું, તે કોણ છે અને ક્યાંથી આવ્યા છે તેની જાણ પણ મકાન માલિકને નથી, યુવતીની હાલત ગંભીર હોવાના કારણે તેની પણ પુછપરછ થઇ શકી નથી.

Niraj Patel