BAPS સ્વામિનારાયણ મંદિરના પૂજારીએ યુવતી પર દુષ્કર્મ કરીને પ્રેગ્નન્ટ કરી? યુવતીના પિતાએ મોટો આરોપ લગાવતા જુઓ શું શું કહ્યું

આણંદ જિલ્લાના ઉમરેઠમાં રામ તળાવ પાસેથી શનિવારે ત્યજી દીધેલી હાલતમાં નવજાત બાળક મૃત હાલતમાં મળી આવ્યું હતું. જેની તપાસ દરમિયાન એક માનસિક દિવ્યાંગ યુવતીએ બાળકને જન્મ આપ્યો હોવાનું સામે આવ્યું છે. જેને લઈ યુવતીના પિતાએ ઉમરેઠ BAPS મંદિરના પૂજારી પર ગંભીર આરોપ લાગાવ્યો છે. BAPS મંદિરના પૂજારી પર યુવતીને અવારનવાર દુષ્કર્મ કરીને ગર્ભવતી બનાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

પીડિતાના પરિવારજનોએ આ અંગેની ફરિયાદ કરતા જણાવ્યું છે કે, “આ મંદિરનો પૂજારી અમારી મંદબુદ્ધિની દીકરીને ધાકધમકી આપીને દુષ્કર્મ ગુજારતો હતો. જેનાથી દીકરીને ગર્ભ રહી ગયો હતો.” ઉમરેઠ પોલીસે ભોગ બનનારી યુવતીના પરિવારની અરજી લઇ વધુ તપાસ શરૂ કરી છે. હાલ યુવતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ અંગે પીડિતાના પિતાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, “આ સ્વામિનારાયણ મંદિરની જ્યારથી ઈંટ મૂકી ત્યારથી મારા માતા અહીં કામ કરતા હતા. તેમના ગુજરી ગયા બાદ મારી પત્ની અને મંદબુદ્ધિની દીકરી અહીં કામ કરતી હતી. મારી દીકરીને પૂજારીએ બળાત્કાર કરીને ગર્ભવતી બનાવી છે.

મારી દીકરી સવારે ચાર વાગે આંગણવાડી પાસે પેશાબ કરવા ગઈ હતી. ત્યારે તેનું બાળક પડી ગયું હતું. જે બાદ તે બાળકને અમે બાજુમાં મૂક્યું અને દીકરીને અમે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જે બાદ ત્યાંથી તેણીને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી.”

પોલીસની પૂછપરછમાં મારી દીકરીએ જણાવ્યું છે કે, “આ મંદિરના પૂજારીએ મારી સાથે દુષ્કર્મ કર્યું છે. આ સાથે તેણે આ અંગેની કોઈને જાણ કરીશ તો મારી નાંખવાની પણ ધમકી આપી હતી.” જેથી અમારે હવે ન્યાય જોઈએ છે. આ મંદિરને સીલ વાગવું જોઈએ. આ સંસ્થા મોટી છે અને ગરીબનું કોઈ ન સાંભળે તેવું ન થવું જોઈએ. ન્યાય એવો આપો કે, અન્ય કોઈ યુવતી સાથે આવું ન થાય.

મને ફસાવવામાં આવી રહ્યો છે : પૂજારી

જે પૂજારી પર દુષ્કર્મનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે પૂજારીએ આરોપને નકાર્યા છે. પૂજારી એ કહ્યું કે, આ મને ફસાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આ યુવતી અવાર-નવાર મંદિરમાં જમવાનું લેવા આવતી હતી. કોઈ દિવસ જમવાનું ના આપતા આ પ્રકારનો આરોપ લગાવ્યો છે. છેલ્લે ત્રણ મહિના પહેલાં તે ખાવા લેવા આવી હતી, પછી આવી જ નથી. મને ફસાવવા માટે આ બધું કર્યું છે.

Twinkle