મેટાવર્સની વર્ચુઅલ દુનિયામાં પણ મહિલાઓ નથી સુરક્ષિત, 16 વર્ષની સગીર છોકરી સાથે ગેંગરેપ

સગીર છોકરી સાથે વર્ચુઅલ ગેંગરેપ : ઓનલાઇન અવતારનું થયુ યૌન શોષણ, પોલિસ બોલી- પીડિતને આઘાત લાગ્યો

દેશ અને દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જે મહિલાઓ માટે બિલકુલ સુરક્ષિત નથી માનવામાં આવતી. વર્ચ્યુઅલ દુનિયામાં બળાત્કારની ઘટનાઓ બાદ એ સવાલ ઉઠવો સામાન્ય બની ગયો છે કે શું એવી કોઈ જગ્યા છે જ્યાં મહિલાઓ અને છોકરીઓ સુરક્ષિત હોય? દુનિયાભરમાં વર્ચ્યુઅલ વર્લ્ડમાં બળાત્કાર, ગેંગરેપ અને જાતીય હિંસાના કિસ્સાઓ વધી રહ્યા છે. હાલમાં જ બ્રિટનમાં 16 વર્ષની છોકરી પર વર્ચ્યુઅલ ગેંગ રેપની ઘટના સામે આવી છે. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

બ્રિટનમાં પહેલીવાર મેટાવર્સ (વર્ચ્યુઅલ વર્લ્ડ)માં 16 વર્ષની છોકરી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. બ્રિટિશ પોલીસના જણાવ્યા અનુસાર, પીડિતાનો આરોપ છે કે કેટલાક અજાણ્યા લોકોએ વર્ચ્યુઅલ રિયાલિટી ગેમમાં તેના અવતાર સાથે ગેંગરેપ કર્યો હતો. તેને શારીરિક રીતે નુકસાન થયું ન હતું, પરંતુ અધિકારીઓના જણાવ્યા અનુસાર તેના મન પર ઊંડી અસર થઈ છે. ન્યૂયોર્ક પોસ્ટના અહેવાલ મુજબ પીડિતાએ વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ પહેર્યું હતું. બ્રિટનમાં મેટાવર્સમાં બળાત્કારનો આ પહેલો કેસ છે, જેની પોલીસ તપાસ કરી રહી છે.

આવા કિસ્સાઓ એ દર્શાવે છે કે જે લોકો વર્ચ્યુઅલ રિયાલિટીમાં છોકરી સાથે આવું કરી શકે છે તે વાસ્તવિક દુનિયામાં વધુ ખતરનાક બની શકે છે. ડેઈલી મેઈલના રિપોર્ટ અનુસાર, આ કેસમાં તપાસ ખૂબ જ મુશ્કેલ થઈ રહી છે કારણ કે હાલમાં બ્રિટનમાં વર્ચ્યુઅલ રેપને લઈને કોઈ કાયદો નથી. ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ 2021માં Horizon Worlds નામની વર્ચ્યુઅલ રિયાલિટી સ્પેસ બનાવી હતી. આના પર યુઝર્સનો અવતાર બનાવવામાં આવે છે. ગેમ રમવાની સાથે લોકો બીજાના અવતારોને પણ મળી શકે છે. Horizon Worlds માં વર્ચ્યુઅલ લેવલ પર જાતીય અપરાધો સાથે જોડાયેલા ઘણા મામલા પ્રકાશમાં આવ્યા છે.

આ મામલે મેટા કંપનીના પ્રવક્તાએ કહ્યું- અમારા પ્લેટફોર્મ પર આવા ગુનાઓ માટે કોઈ સ્થાન નથી. આને ટાળવા માટે અમે અમારા યુઝર્સ માટે વ્યક્તિગત સીમા પણ બનાવી છે. તે અજાણ્યા લોકોને યુઝરના અવતારથી થોડા ફૂટ દૂર રાખે છે. વર્ચ્યુઅલ રેપનો પહેલો કેસ વર્ષ 1993માં સામે આવ્યો હતો. વર્ષ 2022માં, ફેસબુકના મેટાવર્સમાં પ્રવેશ્યાના એક કલાકની અંદર, ત્યાં હાજર અન્ય અવતાર દ્વારા એક સંશોધક પર બળાત્કાર કરવામાં આવ્યો હતો. સંશોધકે કહ્યું હતું કે બળાત્કાર વર્ચ્યુઅલ વર્લ્ડમાં થયો હતો, તેમ છતાં તેને લાગ્યું કે તેની સાથે બળાત્કાર થઈ રહ્યો છે.

ધ એક્સટેન્ડેડ માઇન્ડના 2017ના અહેવાલ મુજબ, વર્ચ્યુઅલ રિયાલિટીના શરૂઆતના દિવસોમાં 49% મહિલા યુઝર્સ વર્ચ્યુઅલ જાતીય સતામણીનો ભોગ બની હતી. જ્યારે આ પ્લેટફોર્મના ડિઝાઇનરો મોટે ભાગે પુરુષો છે અને તેઓ મહિલાઓને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાના એંગલથી એટલું વિચારતા નથી જેટલું મહિલાઓ વિચારે છે. મેટાવર્સ એ વર્ચ્યુઅલ વર્લ્ડ છે, જ્યાં કોઈપણ વ્યક્તિ વર્ચ્યુઅલ રીતે પ્રવેશી શકે છે, પરંતુ તે જગ્યાએ શારીરિક રીતે હાજર હોવાનો અનુભવ કરશે.

Shah Jina