કૌશલ બારડ ધાર્મિક-દુનિયા લેખકની કલમે

મહાકાલનાં આ મંદિરમાં નબળા મનવાળી વ્યક્તિએ ન જવું જોઈએ!

મધ્યપ્રદેશમાં આવેલ ઉજ્જૈન નગરીનો સમાવેશ ભારતની પ્રાચીન નગરીઓમાં થાય છે. શિવ, શક્તિ અને શૂરવીરોની નગરી તરીકે ઉજ્જૈન પ્રસિદ્ધ છે. હિંદુ ધર્મની સાત પવિત્ર નગરીઓ(સપ્તપૂરી)માં પણ ઉજ્જૈનનો ઉલ્લેખ છે. આ નગરીમાં આવેલું છે ભગવાન શિવનાં બાર જ્યોતિર્લિંગમાંનું એક ‘મહાકાલેશ્વર’. અનેક રહસ્યો અને સિદ્ધિઓ માટે મહાકાલેશ્વર પ્રસિદ્ધ છે. શિવનું ‘મહાકાલ’ રૂપ ભયાનક છે, ખૂંખાર છે, સમયને પણ બાનમાં રાખનારું છે.

Image Source

અહીં જાણીશું શિવજીનાં આ અતિપ્રાચીન અને ભવ્યાતિભવ્ય શિવલીંગ વિશે, મંદિર વિશે અમુક રોચક વાતો :

મહાકાલનું રૂપ વિશિષ્ટ શા માટે છે?:
શિવનાં અનેક રૂપો છે. એને કોઈ એક નામથી વર્ણવી શકાય તેમ નથી. ઉજ્જૈન અર્થાત્ અવંતિકા નગરીમાં આવેલ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગમાં શિવજી ‘મહાકાલ’ સ્વરૂપે બિરાજે છે. આ રૂપે શિવ સમયને નિયંત્રિત કરે છે. આથી જ આ રૂપ મોક્ષ પ્રાપ્તિ માટેનું પરમ સ્થાન છે. ચક્રીય ગતિમાંથી જીવને મુક્તિ અપાવનાર આ રૂપ છે.

શુક્રાચાર્યને કૃતિકાના ગર્ભમાં કેદ કર્યા:
શિવના મહાકાલ સ્વરૂપ સાથે સંકળાયેલો ઇતિહાસ રોચક છે. રાક્ષસોના ગુરૂ શુક્રાચાર્યએ શિવજીની કઠોર તપશ્વર્યા કરી. શિવ પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. શુક્રાચાર્યએ અમરત્ત્વનું વરદાન માંગ્યું. શિવે કહી દીધું કે, એ શક્ય નથી! સંસારમાં જે જન્મે છે એનું મરણ અબાધ્ય છે. તમે કંઈક બીજું માગો.

શુક્રાચાર્યએ ‘સંજીવની મંત્ર’ માગ્યો. વ્યક્તિને ગમે તેવી જાનલેવા ઇજા થઈ હોય, આ મંત્ર બોલતાવેંત તે સાજો થઈ જાય છે. શિવજીએ ‘તથાસ્તુ’ કહ્યું. શુક્રાચાર્યને અમૂલ્ય ચીજ મળી ગઈ. હવે દાનવોને કોઈ રોકી શકે તેમ નહોતું. તેમણે દેવતાઓ સામે લાગલગાટ યુદ્ધો માંડ્યાં. જેવો કોઈ દાનવ ઘાયલ થાય કે શુક્રાચાર્ય એમને સંજીવની મંત્રથી સાજોનરવો કરી દેતા. દેવતાઓ હારવા માંડ્યા. થાકેલા દેવતાઓ બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ શિવજીને જઈને કહ્યું કે તમારા આપેલાં વરદાનથી શુક્રાચાર્ય ઉત્પાત મચાવી રહ્યા છે. એમને રોકો!

Image Source

શિવજીએ કૃતિકાને ઉત્પન્ન કરી. કૃતિકા શિવગણમાંની એક હતી. એનું કદ ખૂબ મોટું હતું. એ ખૂંખાર અને પ્રચંડ હતી. શુક્રાચાર્યને એ ગળી ગઈ! એને પોતાના ગર્ભમાં સમાવી લીધા. કૃતિકાના ગર્ભમાં કેદ શુક્રાચાર્યનાં મુખમાંથી બોલાતો સંજીવની મંત્ર નિષ્પ્રભાવ બની ગયો. હવે તેનો કોઈ અર્થ ન રહ્યો. આમ, શુક્રાચાર્ય માટે શિવજીએ સમય બાંધી લીધો.

આ મંદિરમાં જવા કઠણ કાળજું જોઈએ!:
કહેવાય છે, કે શિવજીનું મહાકાલ અને કાલભૈરવ રૂપ બધાં ખમી શકતા નથી. એનાં દર્શન કાચુંપોચું હ્રદય ધરાવતા માણસો માટે નથી. ઉજ્જૈનમાં શિવ મહાકાલરૂપે સ્થાપિત છે. મહાકાલ એટલે સમયના બંધનમાંથી છોડાવનાર પરમતત્ત્વ. અહીં આવનાર અને ભક્તિભાવપૂર્વક શિવને જોનાર માણસનું અસ્તિત્ત્વ શિવમાં ખેંચાઈ જાય છે. વ્યક્તિ શિવનામમાં ઓતપ્રોત થઈ જાય છે. મહાકાલેશ્વર મંદિરની ઉત્પત્તિ આશરે પાંચ-સાત હજાર વર્ષ પૂર્વેની માનવામાં આવે છે.

દુનિયાનું એકમાત્ર દક્ષિણામુખી શિવલિંગ:
મહાકાલેશ્વર મંદિરનાં ગર્ભગૃહમાં સ્થાપિત સ્વયંભૂ શિવલિંગ વર્ષો જૂનું છે. ગર્ભદ્વાર અને શિવલિંગ દક્ષિણ દિશા તરફ છે. સામાન્ય રીતે, ભારતનું કોઈ પણ શિવમંદિર દક્ષિણમુખી નહી હોય પણ મહાકાલેશ્વરની વાત અલગ છે. શિવલિંગની બંને તરફની દિવાલના ગોખમાં ગણેશ અને કાર્તિકેય રહેલા છે, તો વચ્ચેના ગોખમાં માતા પાર્વતી ‘ત્રિપુરસુંદરી’રૂપે સ્થિત છે.

ઇલ્તુતમિશે શિવલિંગ ઉખાડી નાખેલું:
ભારતનાં અનેક પવિત્ર તીર્થસ્થાનોની જેમ મહાકાલેશ્વર પણ ધર્માંધ મુસ્લિમ આક્રાંતોઓનો ભોગ બન્યું હતું. ગુલામવંશના સ્થાપક કુતુબુદ્દીન ઐબકના બનેવી ઇલ્તુત્મિશે મહાકાલેશ્વર પર હુમલો કરીને શિવલિંગને ગર્ભગૃહમાંથી ઉખાડી નાખી પાસેના ‘કોટિતીર્થ’ કહેવાતા સરોવરમાં નાખી દીધેલું. હિંદુપ્રજાનાં પરમ શ્રદ્ધા સ્થાનને આવી રીતે નષ્ટ કરીને સંસ્કૃતિને મૃત:પ્રાય કરી નાખવાની તેની મહેચ્છા હતી. પણ તે ફળીભૂત ના થઈ. લોકોએ ફરીવાર તે શિવલિંગને સરોવરમાંથી બહાર કાઢ્યું અને મંદિરમાં સ્થાપિત કર્યું. વર્ષો પછી મરાઠાઓએ મુસ્લિમ શાસકોના હાથમાંથી માળવા જીતી લીધું અને મહાકાલેશ્વરની ભવ્યતા તેની ચરમસીમાએ પહોંચી, જે આજે પણ હેમખેમ છે.

Image Source

સ્મશાનની રાખથી થાય છે આરતી!:
મહાકાલેશ્વર મંદિરમાં દિવસમાં ચાર-પાંચ આરતીઓ થાય છે, જેમાં વહેલી સવારની ‘ભસ્મ આરતી’ અને સાંજની ‘સંધ્યાઆરતી’નો મહિમા બહુ જાણીતો છે. પરોઢમાં થતી આરતી જોવા જેવી હોય છે. કેમ કે, આ આરતી ભસ્મ(રાખ)થી થાય છે. રાખ પણ સ્મશાનમાંથી લાવવામાં આવે છે, તાજી રાખ! આ પરંપરા હજારો વર્ષોથી ચાલે છે. વર્તમાનમાં અમુક બુદ્ધિજીવી સંગઠનો દ્વારા તેનો વિરોધ પણ થયેલો. આ પછી કદાચ આરતીમાં થોડી બાંધછોડ કરવામાં આવી છે એવું કહેવાય છે. સંધ્યા ઢળે એટલે મંદિરનું આખું પ્રાંગણ દીપથી સજાવવામાં આવે છે. મંદિરની નજીક રહેલા વૃક્ષો પર પંખીઓ આવીને કલશોર મચાવવા માંડે છે. સૂર્ય મંદિરનાં ગુંબજ પર કિરણો ફેંકતો ઢળી રહ્યો હોય છે. આ અદ્ભુત નજારો મન મોહી લે તેવો હોય છે. એ પછી મહાકાલની સંધ્યાઆરતી શરૂ થાય છે. આરતી પણ કેવી? જેના માટે સદીઓ પૂર્વે કાલિદાસ પણ પોતાના કાવ્ય ‘મેઘદૂત’માં સંદેશો યક્ષનો લઈ જતા મેઘને કહે છે, કે તું મહાકાલેશ્વરની સંધ્યાઆરતી તો અવશ્ય જોજે!

શ્રાવણ મહિનામાં અને મહાશિવરાત્રી જેવાં પર્વોમાં અહીં પુષ્કળ દર્શનાર્થીઓ આવે છે. મંદિરમાંથી અપાતો લાડુઓનો પ્રસાદ પણ પ્રસિદ્ધ છે. કાયમ ૧૦-૧૫ ક્વિન્ટલ લાડુઓ બનાવવામાં આવે છે. આ વખતની મહાશિવરાત્રીએ સવા સો ક્વિન્ટલ જેટલા લાડુ બનશે!

શિવલિંગનાં દર્શન સમયે આટલી સાવધાની જરૂરી:
તહેવારોમાં જ્યારે અહીં પુષ્કળ ભીડ ઉમટે છે ત્યારે મંદિરના વ્યવસ્થાપકો માટે થોડી મુશ્કેલી જરૂર ઊભી થાય છે. આ મહાશિવરાત્રી વખતે પ્રશાસન દ્વારા એવો ઠરાવ થયો છે, કે મંદિરનાં ગર્ભગૃહમાં પૂજારી સિવાય કોઈએ પણ પ્રવેશ કરવો નહી! વી.આઇ.પી કક્ષાના લોકો સમેત બધા જ દર્શનાર્થીઓએ બહારથી જ શિવનાં દર્શન કરી લેવાં. વ્યવસ્થા જાળવવા અને બધા લોકોને દર્શનનો લાભ મળી રહે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

મંદિરનું પ્રશાસન અનેક વાર લોકોને કહે છે, કે શિવલિંગને સ્પર્શ ના કરો. શિવલિંગ પર અભિષેક કરાતા જળનું ચરણામૃત જોઈતું હોય તો જલધારામાંથી લઈ લો. પણ અમુક લોકો શિવલિંગ પર રહેલા કમંડલમાંથી જ ડાયરેક્ટ જળ લઈ લેવાની ગુસ્તાખી કરતા પણ અચકાતા નથી! શિવલિંગને હાથેથી સ્પર્શ કરવો ઉચિત નથી. શિવલિંગને કેવું પ્રબળ શક્તિસ્થાન માનવામાં આવે છે. જ્યાં સાક્ષાત્ શિવ બિરાજમાન છે એ લિંગ પર હાથ મૂકવો ખરેખર યોગ્ય નથી. માન્યું કે માણસની શ્રદ્ધા તેની પાસે આવું કરાવે છે, પણ એ બહાને પણ આ પગલું વ્યાજબી નથી. શિવનાં દર્શન તો ગર્ભગૃહની બહાર ઊભીને પણ કરી શકાય. શિવની અનુભૂતિ તો ત્યાંથી પણ થઈ શકે, જો નિષ્કામ મન હોય તો! આ વાત દર્શન કરતા દરેક શ્રદ્ધાળુએ સમજવા જેવી છે.

જય મહાકાલ!

અવનવી માહિતી સાથેનો આ લેખ સારો લાગ્યો હોય તો આપના મિત્રો સાથે પણ શેર કરજો, ધન્યવાદ!
Author: કૌશલ બારડ: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.