એક બાજુ કોરોનાએ કહેર મચાવ્યો છે. તો બીજી તરફ કોવીડ હોસ્પિટલમાં આગ લાગવાના બનાવમાં પણ વધારો થયો છે. રાજકોટમાં કોવીડ હોસ્પિટલમાં આગ લાગતા 5 લોકો બળીને ભડથું થઇ ગયા હતા. જયારે 1ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. વધુ વિગતની રાહ જોવાઈ રહી છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર, રાજકોટના આનંદ બંગલા ચોકમાંઆવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ ભભૂકી ઉઠી હતી. જેમાં 5 હતભાગીઓના મોત નિપજ્યા હતા. જયારે ICU વોર્ડમાં 11 પૈકી 6 દર્દીને બચાવી લેવામાં આવ્યા હતા. અહીં 33 દર્દી સારવાર લઇ રહ્યા હતા. બચાવી લેવામાં આવેલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે. ઘટનાને પગલે પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, મધરાતે 12:20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો.
CM Shri @vijayrupanibjp has expressed grief over the incident of fire at Shivanand COVID Hospital in Rajkot. CM has ordered a probe into the incident and announced an ex-gratia of Rs.4 lakh each to the family of deceased.
— CMO Gujarat (@CMOGuj) November 27, 2020
આ આગની દુર્ઘટનામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ આગ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા પ્રત્યેક વ્યક્તિઓના વારસદારને 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ આ ઘટનાની તપાસ માટે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અધિક મુખ્ય સચિવ એકે રાકેશને જવાબદારી સોંપી છે.

હોસ્પિટલના બીજા માળે મશીનરીમાં શોટસર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. સપ્ટેમ્બર મહિનાથી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી હતી.