DJના તાલ ઉપર ઝૂમી રહ્યો હતો વરરાજા, અચાનક ટેન્કર પડ્યું ઊંધું, ડ્રાઈવર અને ક્લીનરને બચાવવા ગયો, પરંતુ પાછળથી આવતી બીજી ટ્રકે રહેંસી નાખ્યો

ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ઘણા અકસ્માત કેમેરામાં પણ કેદ થઇ જતા હોય છે અને આવી ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોને ધ્રુજારી પણ છૂટી જતી હોય છે. અકસ્માતમાં ઘણા માસુમ લોકોના જીવ પણ ચાલ્યા જતા હોય છે, ત્યારે હાલ એવા જ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે.

આ ઘટના સામે આવી છે રાજસ્થાનના ઉદયપુરમાંથી. જ્યાં 7 દિવસ બાદ લગ્ન કરવા માટે જઈ રહેલા વરરાજાનું મોત થયું હતું. યુવક ડીજે પર ડાન્સ કરી રહ્યો હતો અને સગા-સંબંધીઓની નજર સામે રોડ અકસ્માતમાં મોતને ભેટ્યો. આ યુવક બે બહેનોનો એકમાત્ર ભાઈ હતો. આ ઘટના ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવે 48 પર ટીડીના બોરીકુઆન-ગોજ્યા ગામમાં સર્જાઈ હતી. જેમાં 25 વર્ષીય વિનોદ મેઘવાલના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. મંગળવારે ઘરે ચાલી રહેલા માંગલિક કાર્યક્રમમાં વરરાજા મિત્રો સાથે ડીજે પર ડાન્સ કરી રહ્યો હતો.

આ દરમિયાન ઘરની સામે હાઇવે પર ટેન્કર પલટી મારી ગયું હતું. વરરાજા વિનોદ મેઘવાલ ટેન્કરની કેબિનમાં ફસાયેલા ડ્રાઇવર અને સહાયકને મદદ કરવા દોડી આવ્યો હતો. વિનોદ બંનેને બહાર લઈ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવતી એક ટ્રકે તેને ટક્કર મારીને કચડી નાખ્યો હતો. જ્યાં વિનોદનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

અકસ્માત બાદ વિનોદના ઘરમાં ખુશી વચ્ચે શોકનો માહોલ છવાયો હતો. મિત્રો અને સ્વજનોની નજર સામે જ વિનોદનું મોત થયું હતું. કોણ ઈચ્છે તો પણ તેને બચાવી શકાયો નહીં. અકસ્માત બાદ પરિવારજનો રોષે ભરાયા હતા અને મૃતદેહને હાઈવે પર રાખી વિરોધ શરૂ કર્યો હતો. અકસ્માતમાં વરરાજાના મોતની જાણ થતાં પહોંચેલા ટીડી પોલીસ સ્ટેશને લોકોને સમજાવીને મામલો શાંત પાડવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.

પોલીસે મૃતકનો મૃતદેહ ટીડી ખાતે સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ કરાવ્યો હતો. વિનોદના લગ્ન ઋષભદેવની થાપડાવાડીમાં રહેતી મનીષા સાથે થવાના હતા. બંને પરિવારમાં ખુશીનું વાતાવરણ થોડીવારમાં શોકમાં ફેરવાઈ ગયું હતું. વિનોદ ઉદયપુરની એક ખાનગી કોલેજનો વિદ્યાર્થી હતો. તે બે બહેનોનો એકમાત્ર ભાઈ હતો. તેના પિતા મજૂરી કામ કરે છે. વિનોદની એક બહેન પરિણીત છે.

Niraj Patel