ભાવનગરના લાખણકા ડેમ પર સાત મિત્રો ગયા ફરવા, એક મિત્ર પાણીની બોટલ ભરવા ગયો અને ડુબ્યો તો બીજો બચાવવા જતા ડુબ્યો

ઘણીવાર ડેમમાં ન્હાવા પડવાના કારણે ડુબવાની ઘટનાઓ બનતી હોય છે અને કેટલાક લોકોના મોત પણ નિપજતા હોય છે ત્યારે આ બાબતે લોકોએ જાગૃત થવાની જરૂરી છે. આવી એક ઘટના હાલમાં સામે આવી છે, જેમાં બે યુવાનોનું મોત થયુ છે.

ભાવનગરના બુધેલ નજીક આવેલા લાખણકા ડેમ પર ફરવા આવેલા 7 મિત્રોમાંથી બે મિત્રો ડેમના પાણીમાં ડૂબી જતા એકનું મોત નિપજ્યું છે તો એક લાપતા હોવાથી શોધખોળ હાથ ધરવામાં આવી છે. રવિવારે સાંજના સમયે બે યુવાન ડુબી જતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ઉલ્લેખનીય છે કે, એક મિત્રને બચાવવા જતાં બીજો મિત્ર પાણીમાં પડતાં બંને પાણીમાં ગરકાવ થઈ જતાં ફાયર વિભાગ દ્વારા બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

ઘટનાની વિગત અનુસાર, રવિવારના રોજ સાંજે 7 મિત્રો લાખણકા ડેમ પાસે ફરવા આવ્યા હતા અને તે દરમિયાન એક મિત્રને ઊલટી થતાં કેવલ નામનો યુવક પાણી ભરવા ડેમમાં ગયો હતો. તે દરમિયાન પાણીમાં પગ લપસી જતાં ડેમમાં ગરકાવ થયો હતો.ફાયરબ્રિગેડની શોધખોળ દરમિયાન કેવલ સોલંકી નામના યુવકની લાશ મળી આવી છે. જ્યારે અન્ય એક યુવકનો હજી કોઈ પત્તો લાગ્યો નથી.

બંને યુવકો ડેમના પાણીમાં ગરકાવ થતા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ઘણી જહેમત બાદ કેવલ સોલંકીની લાશ મળી આવી હતી. બંને યુવાનો સરદારનગર પચાસવારીયામાં રહે છે. કેવલ સોલંકી નામનો યુવાન પાનવડી PWD ઓફિસમાં પટ્ટાવાળા તરીકે ફરજ બજાવતો. કેવલ સોલંકીની ઉંમર 20 વર્ષની છે. જયારે બીજો લાપતા યુવક જે છે હાર્દિક સોલંકી તેની ઉંમર 27 વર્ષ હોવાનું જાણવા મળ્યુ છે.

ડેમમાં પડેલા બે યુવાનોની ફાયર વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી અને ઘણા કલાકોની જહેમત બાદ મોડી રાત્રે બન્ને યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા, ફાયર વિભાગ દ્વારા બંને ના મૃતદેહ પીએમ અર્થે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Shah Jina