સુરતમાં બે વર્ષનું બાળક તડપી તડપીને થયું મૃત્યુ, બાળકોને અગાશીમાં રમવા દેતા માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો

માં-બાપ સાવધાન: બે વર્ષનું માસુમ બાળક રમતાં રમતાં અચાનક જ પટકાયું, બનાવ સીસીટીવીમાં કેદ- જુઓ

નાના બાળકોની કાળજી રાખવી ખુબ જ જરૂરી બનતી હોય છે, તે રમતા રમતા ક્યારે ક્યાં ચાલ્યું જાય અને ક્યાંથી પડી જાય તેની કોઈને ખબર નથી હોતી, ઘણા માતા પિતા પોતાના બાળકને ઘરની અગાશીમાં ખુલ્લે આમ રમવા દેતા હોય છે, તેવા માતા પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે સુરતમાંથી. જ્યાં એક 2 વર્ષના બાળકનું 8 માળની અગાશીમાંથી નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું છે.

આ ઘટના બની છે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી લક્ષ્મી રેસિડેન્સીના આઠમા માળેથી એક ફૂલ જેવું માસુમ 2 વર્ષનું બાળક રમતા રમતા નીચે પટકાયું હતું, જેના કારણે તેનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. જેનો વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સીસીટીવીમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે ઘરની બહાર આવેલા પેસેજની અંદર બાળક રમી રહ્યું છે. અને તે પેસેજની ગ્રીલ પકડી અને બાળક ઉભું છે. ફુટેજમાં એ પણ જોઈ શકાય છે કે આ બાળક ઉપરથી કંઈક નીચે જોવાનો પ્રયત્ન કરે છે અને આ દરમિયાન જ તે ગ્રિલમાંથી બહાર નીકળીને નીચે પડી જાય છે.વળી આ સીસીટીવી ફુટેજમાં એ પણ સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે જયારે બાળક અગાશીમાં રમી રહ્યું છે ત્યારે તેની આસપાસ તેના માતા-પિતા કે પરિવારનું કોઈ સદસ્ય પણ દેખાઈ રહ્યું નથી અને બાળક ગ્રીલ ઉપરથી જ પોતાનું સંતુલન ગુમાવી બેસે છે અને નીચે પટકાય છે, જેના કારણે તેનું કરુણ મોત નીપજે છે.

માસુમ બે વર્ષના બાળકના આમ અકાળે અકસ્માતના કારણે મૃત્યુ થઇ જવાના કારણે પરિવારમાં પણ શોકનો માહોલ ફરી વાળ્યો હતો, આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી. કતારગામ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ કિસ્સો ઘણા માતા પિતા માટે લાલબત્તી સમાન છે.

Niraj Patel