અંધવિશ્વાસમાં ગયો માસૂમ દીકરીઓનો જીવ, સાપે માર્યો ડંખ તો હોસ્પિટલથી જગ્યાએ બાબા પાસે લઇ ગયા માં-બાપ, ત્રણ કલાક સુધી કરાવતા રહ્યા ઝાડ-ફૂંક

સાપે ડંખ માર્યો તો 3 કલાક સુધી ઝાડ-ફૂંક કરાવતા રહ્યા માં-બાપ : હોસ્પિટલની જગ્યાએ બાબા પાસે લઇ ગયા, બે માસૂમ દીકરીઓના મોત

ગુજરાત સહિત દેશભરમાંથી કેટલીકવાર અંધશ્રદ્ધાના એવા કિસ્સા સામે આવે છે કે આપણે સાંભળી હેરાન રહી જઇએ. રાજસ્થાનમાંથી એક કિસ્સો એવો સામે આવ્યો, જેમાં સાપ કરડ્યા બાદ માતા-પિતા તેમની બે માસૂમ દીકરીઓને હોસ્પિટલ લઈ જવાને બદલે બાબા પાસે લઈ ગયા. બાબાએ 3 કલાક ઝાડ-ફૂંક કરી અને પછી ત્રણેક કલાક બાદ પણ હોંશ ન આવતા આખરે પરિવારજનો બંનેને લઈને હોસ્પિટલ દોડ્યા હતા.

જો કે, હોસ્પિટલ પહોંચ્યા તો ખબર પડી કે બંનેનું મોત થઈ ચૂક્યું છે. આ મામલો દૌસાના સૂરજપુરા ગામના રામબાસવાળાની ધાણીનો છે. મળતી માહિતી મુજબ, રોહિતાશ મીણા પરિવાર સાથે રૂમમાં સૂઈ રહ્યો હતો. મંગળવારે રાત્રે 2.30 કલાકે સાપ રૂમમાં ઘુસ્યો હતો. તેણે સૌપ્રથમ પિતા પાસે સૂઇ રહેલી નાની વંશને ડંખ માર્યો. શારીરિક રીતે નબળી હોવાથી તે ચીસો પણ ન પાડી શકી અને બેભાન થઈ ગઈ. આ પછી સાપે માતા પૂજાદેવીની પાસે સૂઈ રહેલી 4 વર્ષની માન્યાને પણ ડંખ માર્યો.

માન્યાને સાપ કરડતાની સાથે જ પૂજા જાગી ગઈ અને તે બાદ લાઈટ ચાલુ કરી તો જોયું કે ત્યાં સાપ દેખાયો. સાપના ડંખ મારવાને કારણે માન્યા બૂમો પાડવા લાગી અને પછી પૂજાએ સાપને દૂર ફેંક્યો. ચીસો અને રડવાનો અવાજ સાંભળીને પરિવારના અન્ય સભ્યો પણ આવી ગયા અને દરમિયાન બંને બેભાન થયેલી દીકરીઓને પરિવારના સભ્યો અલીપુર ગામમાં ભક્તવાલા બાબાની જગ્યા પર લઈ ગયા. અહીં બાબાએ લગભગ 3 કલાક જાડ-ફૂંક કર્યા અને તેઓ ભસ્મથી સારવાર કરતા રહ્યા.

આટલું કરવા છતાં બાળકીઓ હોશમાં ન આવી, ત્યારબાદ લોકો બંનેને લઇને દૌસાની સરકારી હોસ્પિટલમાં ગયા. જિલ્લા હોસ્પિટલના ઈમરજન્સી ડ્યુટી ઈન્ચાર્જનું કહેવું છે કે બંને છોકરીઓને મૃત હાલતમાં લાવવામાં આવી હતી. તપાસમાં મોટી છોકરીના કાન પાછળ ડંખના નિશાન મળી આવ્યા હતા. નાની બાળકીના શરીર પર કોઈ નિશાન કે લોહી નહોતું.

જો કે, એવું માનવામાં આવે છે કે બંનેના મોત સાપ કરડવાથી થયા છે. જો છોકરીઓને તાત્કાલિક હોસ્પિટલમાં લાવવામાં આવી હોત તો તેમનો જીવ બચી શક્યો હોત. પૂજા અને રોહિતાશ મીણાના લગ્ન 2018માં થયા હતા, તેમને બે દીકરીઓ હતી. એકસાથે બે દીકરીઓના મોતથી પરિવારની ખુશી છીનવાઈ ગઈ હતી. રડી-રડીને પતિ-પત્ની બંનેની હાલત ખરાબ છે. ઉલ્લેખનીય છે કે, આ મામલો સાતેક મહિના પહેલાનો હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે.

Shah Jina