પોરબંદરમાં સગા બે દીકરાઓએ જ બાપની બેરહેમીથી હત્યા કરી અને લાશ જમીનમાં દફન કરી દીધી, આ રીતે ખુલ્યું રહસ્ય

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના મામલાઓ સામે આવી રહ્યા છે. ઘણીવાર અંગત અદાવતમાં કોઈની હત્યા કરી દેવામાં આવતી હોય છે તો ઘણીવાર કોઈ દુશ્મની પણ હત્યાનું કારણ બનતી હોય છે. ઘણીવાર પરિવારમાં જ એવું પણ બનતું હોય છે જેના કારણે બાપ દીકરો જ એકબીજાના દુશ્મન બની જાય છે અને પછી હત્યા પણ કરી દેતા હોય છે. હાલ આવો જ એક મામલો પોરબંદરમાંથી સામે આવ્યો છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, પોરબંદરના રાણાવાવ સિમ વિસ્તારમાં રહેતા એક પરિવારમાં 45 વર્ષીય લખમણભાઇ બાપોદરાની હત્યાની જાણ પોલીસને થઇ હતી, આ ઘટનાની ફરિયાદ મૃતકના પિતાએ જ પોલીસ મથકે નોંધાવી હતી, જેના બાદ રાણાવાવ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તપાસ હાથ ધરી હતી.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ હત્યા બીજા કોઈએ નહિ પરંતુ મૃતકના દીકરા વિજય અને વિરાજે જ કરી હતી. પોલીસે કડકાઈથી પુછપરછ કરતા દીકરો ભાંગી પડ્યો હતો અને પોતે જ તેના પિતાની હત્યા કરી છે તે જણાવ્યું. વિજયે પોલીસને જણાવ્યું હતું કે તેના પિતાને દારૂ પીવાની કુટેવ હતી અને દારૂના નશામાં અવાર નવાર ઘરમાં ઝઘડા પણ કરતા હતા.

વિજયે જણાવ્યું કે ગત 25 ઓગસ્ટના રોજ પણ તેના પિતા દારૂ પીને આવ્યા હતા અને ઘરમાં ઝઘડો કરવા લાગ્યા હતા, આ ઉપરાંત વિજયની માતાને પણ મારવા માટે દોડ્યા હતા, જેનાથી ગુસ્સે ભરાયેલા બંને દીકરાઓએ કુહાડીના ઘા ઝીંકીને પિતાનું ઢીમ ઢાળી દીધું. અને મૃતદેહને ઘરની બાજુમાં આવેલી જમીનમાં દાટી દીધો હતો. પોલીસ પણ દીકરાનો જવાબ સાંભળીને ચોંકી ઉઠી હતી. ત્યારે પોલીસ હવે આ મામલે એફએસએલ રિપોર્ટ કરાવ્યા બાદ ઘટનાનું સાચું કારણ તપાસવામાં લાગી છે.

Niraj Patel