દ્વારકામાં બે સગી બહેનોને સાપ ડંખી ગયો, 12 કલાકમાં જ બે બહેનોના મોતથી આખું ગામ હીબકે ચઢ્યું

ચોમાસાનો સમય છે  રાજ્યમાં ઠેર ઠેર વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યા છે, ત્યારે આવા સમયમાં ઝેરી જીવ જંતુઓ પણ બહાર નીકળે છે. ખાસ કરીને ગામડામાં સાપ અને વીંછી ઘરની અંદર પણ આવી જતા જોવા મળે છે અને આવા ઝેરી જીવજંતુંઓ કરડવાના કારણે ઘણા લોકોને પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે.

આવી જ એક ઘટના હાલ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં આવેલા સલાયા ગામમાંથી સામે આવી છે. ગામમાં રહેતા સાજીદ અબ્દુલ સત્તારની બન્ને દીકરીઓના છેલ્લા 12 જ કલાકમાં મોત નીપજતાં પરિવાર શોકનો માહોલ છે. બંને બહેનોના મોત સાપના ડંસથી થયા હોવા લગાવવામાં આવી રહ્યું છે. બંને બહેનોના શબને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

સાજીદભાઈ અબ્દુલભાઈ સતાર (મૌલવી)ની 14 વર્ષિય પુત્રી સબીહા અને 9 વર્ષીય ઈન્સા રાત્રીના સમયે સુતા હતા ત્યારે બન્નેના મૃત્યુ નિપજયા હતા. બન્નેના શરીર એકદમ લીલા થઈ ગયા હતા અને ગળુ પણ લીલાશવાળુ થઈ ગયુ હતુ. જેથી રાત્રીના સર્પદંશથી આ બન્નેના મોત થયાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યુ હતું.

સવારે બંને બહેનોને જગાડવાનો પ્રયાસ કરતા તે ઉઠી ન હતી. જેને લઈને બંનેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન 12 કલાકના અંતરે બંને બહેનોના મોત નીપજયા હતા. આ દુઃખદ ઘટનાને લઈને પરિવાર સમેત સમગ્ર ગામની અંદર શોકનો માહોલ ફરી વળ્યો છે.

Niraj Patel