ધંધુકાના યુવકની હત્યાના તાર છેક મુંબઈ સુધી પહોંચ્યા, અમદાવાદ અને મુંબઈના મૌલવીની પણ ભૂમિકા, હર્ષ સંઘવી તાબડતોબ ધંધુકા જવા રવાના

ધંધુકામાં કિશાન ભરવાડ નામના યુવકની હત્યા મામલામાં પોલીસે તેજ ગતિએ પોતાની તપાસ આરંભી દીધી છે. આ મામલામાં હવે ખુલાસાઓ પણ સામે આવી રહ્યા છે. કિશાન ભરવાડે એક મહિના પહેલા સોશિયલ મીડિયામાં એક ચોક્કસ જ્ઞાતિ વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, જેના બાદ પોલીસે તેની અટકાયત પણ કરી હતી અને અન્ય પક્ષ સાથે મળીને સમાધાન પણ કરવામાં આવ્યું હતું, પરંતુ થોડા દિવસ બાદ જ એટલે કે 25 જાન્યુઆરી મંગળવારના રોજ કિશનની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

આ મામલામાં હાલમાં એક ચોંકાવનારો ખુલાસો પણ સામે આવ્યો છે. આ હત્યાના તાર છેક મુંબઈ સુધી પણ જોડાયેલા હોવાનું મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર કિશનની હત્યા પાછળ મુંબઈ અને અમદાવાદના 2 મૌલવીની સંડોવણી હોવાની વાત સામે આવી છે.

પોલીસે આ મામલામાં અલગ અલગ 7 ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે. આ કેસની અંદર હવે SOG, LCB અને લોકલ પોલીસ સહિત કુલ 7 ટીમો તપાસની અંદર લાગી ગઈ છે. આ સમગ્ર મામલાની તપાસ DYSP રિના રાઠવાના સુપરવિઝન હેઠળ થઇ રહી છે. ધંધુકામાં પણ કિશન ભરવાડની હત્યાનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે અને તેના પગલે જ ગઈકાલે સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.

પોલીસે આ મામલામાં અત્યાર સુધી 5 લોકોની ધપરકડ કરી લીધી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસ પુછપરછમાં એ વાત પણ સામે આવી છે કે કિશનની હત્યા કરવા માટે હથિયાર અમદાવાદના એક મૌલવીએ આપ્યું હતું. ત્યારે હવે આ હત્યાકાંડના પડઘા આખા ગુજરાતમાં પણ પડ્યા છે અને ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ કિશનના પરિવારને મળવા માટે ધંધુકા જવાના છે.

કિશનની હત્યા બાદ પરિવારે પણ તેનો મૃત દેહ સ્વીકારવાની ના પાડી હતી અને સ્થાનિક લોકો પણ વિરોધમાં ઉતરી આવ્યા હતા. જેના બાદ પોલીસે સમાજના આગેવાનો સાથે મળી અને સમજાવટ કરી હતી કિશનનો મૃતદેહ પરિવારે સ્વીકાર્યો હતો અને ત્યારબાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. કિશનના અંતિમ સંસ્કારમાં મોટા પ્રમાણમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

તો આ હત્યાના પડઘા છેક નવસારી સુધી પણ પડેલા જોવા મળ્યા હતા. નવસારીમાં હિન્દૂ સંગઠન દ્વારા રેલી યોજી અને આ ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી. નવસારી જિલ્લાના વિવિધ સંગઠનો દ્વારા રેલી યોજી હતી અને મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા જેના બાદ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Niraj Patel