દુનિયાભરમાંથી ઘણા અજીબો ગરીબ કિસ્સાઓ સામે આવતા હોય છે, તેને જોઈને કોઈપણ વિચારમાં પડી જાય. હાલ તેલંગાણામાંથી પણ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં છેલ્લા 25 દિવસથી બે મરઘાં જેલની અંદર બંધ છે. અને પોતાના છૂટવાની રાહ જોઈ રહ્યા છે.
આ મરઘાને સટોડિયા દ્વારા લાવવામાં આવ્યા હતા. તેઓ તો જામીન ઉપર ઘરે ચાલ્યા ગયા, પરંતુ મરઘાં જેલમાં જ બંધ રહી ગયા. આ મામલો તેલંગાણાના ખમ્મમ જિલ્લાનો છે. જ્યાં મિડિગૌડા પોલીસ સ્ટેશનની અંદર આમરઘા છેલ્લા 25 દિવસથી જેલમાં બંધ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સંક્રાંતિ પર્વ નિમિત્તે મરઘાં લડાઈનો ખેલ ચાલી રહ્યો હતો. જેમાં સટ્ટેબાજી થઇ રહી હતી. ત્યાં પોલીસ અચાનક જ રેડ મારી અને ઘટના સ્થળેથી 10 લોકોની ધરપકડ કરી લેવામાં આવી. સાથે જ બે મરઘાં અને એક બાઈક પણ જપ્ત કરવામાં આવી.
સટ્ટોડિયાઓ તો જામીન ઉપર બહાર નીકળી ગયા પરંતુ આ મરઘાઓ જેલમાં જ રહી ગયા. પોલીસ દ્વારા તેમને સાબિતીના રૂપમાં જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે.
તો આ બાબતે પોલીસનું કહેવું છે કે આ મરઘાને કેસની મુદત બાદ જ છોડવામાં આવશે. મરઘાને છોડવાના આદેશ બાદ તેમની બોલી લગાવવામાં આવશે અને જે વધારે બોલી લગાવશે તેમને બંને મરઘાં આપી દેવામાં આવશે.