સુરતના બે પાક્કા મિત્ર ક્રીશ અને મીતે મરતાં મરતાં 12-12 વ્યક્તિને નવજીવન આપ્યું- PHOTOS જોઈને સલામ કરશો
અંગદાન માટે આજે ઘણા જાગૃત બની ગયા છે, અને તેમાં પણ ગુજરાતની અંદરથી ઘણા પરિવારો પોતાના વ્હાલ સોયા સંતાનો અને સ્વજનોને ખોયા બાદ તેમના અંગદાન કરીને માનવતા મ્હેંકાવતા હોય છે. આ બધામાં સુરત ખુબ જ અગ્રેસર રહ્યું છે. સુરતમાંથી વખતો વખત અંગદાન કરીને માનવતા મહેકાવવાના પ્રસંગો સામે આવતા રહે છે. ત્યારે હાલ બારમા ધોરણમાં ભણતા બે મિત્રોના અકસ્માત બાદ તેમનું બ્રેઈન ડેડ થયું હતું, જેના બાદ પરિવારે તેમના અંગદાન કરવાનો નિર્ણય કરી અને 12 લોકોને નવું જીવન આપ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં ગત 24 ઓગસ્ટના રોજ વેસુ કેનાલ રોડ પર જી.ડી.ગોએન્કા સ્કૂલ પાસે મોપેડ પર જતા શારદાયતન સ્કૂલના ઘોરણ 12 કોમર્સના બે વિદ્યાર્થી મિત્રોને એક કારચાલકે ઉડાવી દીધા હતા. આ બંને વિદ્યાર્થીઓનાં પિપલોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા.
પહેલાં ધોરણથી સાથે મોટા થયા, સાથે રમ્યા, સાથે ભણ્યા અને મોત પણ સાથે આવ્યું. એક અકસ્માતે બે પરિવારના કૂળદિપકોને ઓલવી નાખ્યા. જોકે, આ બંને પરિવારે અગમ સ્થિતિઓમાં પણ પોતાના વ્હાલસોયા ગુમાવ્યા પછી માનવતા ગુમાવી નહીં.
બ્રેઈનડેડ થયેલા મીત કલ્પેશકુમાર પંડ્યા અને સુરતી મોઢવણિક સમાજના બ્રેઈનડેડ ક્રિશ સંજયકુમાર ગાંધી પરિવારના 18 વર્ષીય બે મિત્રોના પરિવારોએ ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી પોતાના વ્હાલસોયા દીકરાઓની કિડની, લિવર, હૃદય, ફેફસાં અને ચક્ષુઓના દાન કરી બાર-બાર વ્યક્તિઓને નવજીવન આપી માનવતાની મહેક ફેલાવી છે. સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા એક જ દિવસે 13 અંગો અને ટીસ્યુઓનું દાન કરાવવાની ગુજરાતની સૌપ્રથમ ઘટના છે.
ક્રિસ ગાંધીનો 23મીએ જન્મ દિવસ હતો, જેથી મિત્રોને પાર્ટી આપવા માટે તેના બાળપણના મિત્ર મીત સાથે વીઆઇપી રોડની એક રેસ્ટોરાંમાં ગયો હતો. મિત્રોને હોટેલમાં જન્મદિવસની પાર્ટી આપી બંને ઘર તરફ રિટર્ન થતા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. મીત પરિવારમાં એકનો એક દીકરો હતો, જેના પિતા કેટરીંગનું કામ કરે છે, જ્યારે ક્રિસને એક ભાઈ છે અને પિતા ફરસાણનો ધંધો કરે છે.
પોલીસે આઇપીસીની કલમ 304 હેઠળ ગુનો નોંધ્યો છે. ભાગી છૂટેલો ક્રેટા કારનો માલિક સિટીલાઇટની સુર્યપ્રકાશ રેસીડન્સીમાં રહે છે. પોલીસે ફૂટેજના આધારે તપાસ કરતાં કાર કાપડ વેપારી સુરેશની હતી, જેને ડ્રાઇવર રિઝવાન શેખ ચલાવતો હતો. પોલીસે રિઝવાનની ધરપકડ કરી હતી.
સુરતથી હૈદરાબાદનું 926 કિ.મીનું અંતર 180 મિનિટમાં કાપીને ક્રિશના ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ પુનાના રહેવાસી CRPFમાં ફરજ બજાવતા 54 વર્ષીય વ્યક્તિમાં હૈદરાબાદની કીમ્સ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. જેઓ છેલ્લા દોઢ વર્ષથી 24 કલાક 12 થી 15 લીટર ઓક્સિજનના સપોર્ટ ઉપર હતા. સુરતથી અમદાવાદનું 288 કિ.મીનું અંતર 90 મિનિટમાં કાપીને મીતના હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ બરોડાની રહેવાસી 21 યુવતીમાં અમદાવાદની સીમ્સ હોસ્પીટલમાં કરવામાં આવ્યું હતું.
જ્યારે ક્રિશના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ રાજકોટના રહેવાસી 55 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં જયારે મીતના લિવરનું ટ્રાન્સપ્લાન્ટ બાયડના રહેવાસી 47 વર્ષીય શિક્ષકમાં અમદાવાદની સ્ટર્લીંગ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી ચાર કિડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ ચાર જરૂરિયાતમંદ દર્દીઓમાં અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) હોસ્પિટલમાં કરવામાં આવશે.