ગુજરાતમાં મોતની છલાંગ: ખરીદી માટે નીકળેલી બે બહેનપણીઓએ કેનાલમાં ઝંપલાવી જીવનલીલા સંકેલી લીધી

કોરોના કાળમાં આર્થીક તંગીથી કંટાળીને ઘણા લોકો પોતાનું જીવન ટૂંકાવી દેતા હોય છે, તો ઘણા લોકો પ્રેમમાં નાસીપાસ થતા જીવન ટૂંકાવે છે. થોડા સમયથી નહેરમાં કૂદીને આપઘાત કરવાના કિસ્સાઓ પણ વધ્યા છે ત્યારે એક તાજો મામલો હારીજ પાસે આવેલી ભલાણામાંથી સામે આવ્યો છે. જ્યાં ગામમાંથી પસાર થતી કેનાલમાં બે બહેનપણીઓએ કૂદી અને જીવન ટૂંકાવી લીધું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શંખેશ્વર તાલુકાના સિપર ગામે રહેતા જગદીશભાઈ અજમલભાઈ જાદવ (નાડોદા પટેલ )ની 21 વર્ષની ભત્રીજી સ્નેહલ નનુભાઈ જાદવની અને મુબારકપુરા ગામે રહેતી તેની 23 વર્ષની બહેનપણી જયશ્રી ગગજીભાઈ સિંધવ ગત તારીખ 01-06-2021ને મંગળવારે શંખેશ્વર ખાતે ખરીદી કરવા નીકળી હતી. બંને સહેલીઓ મોડે સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોને ચિતા થવા લાગી અને ત્યારબાદ તેમની શોધખોળ કરવામાં આવી હતી.

પરિવારે જયારે આ બંને બહેનપણીઓની શોધખોળ ત્યારે જે હકીકત સામે આવી તે ખરેખર તેમના માટે પણ રૂંવાડા ઉભા કરી દે તેવી હતી. પરિવારને જાણવા મળ્યું કે બંને બહેનપણીઓએ પોતાની જિંદગીથી કંટાળી અને હારીજના ભલાણા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી. જે જાણ થતા જ પરિવાર માથે આભ તૂટી પડ્યું હતું. બંને બહેનપણીઓના કરુણ મોત નિપજ્યા હતા.

આ ઘટના અંગેની જાણ જગદીશભાઈ જાધવે પોલીસને આપી હતી. જે અંતર્ગત હારીજ પોલીસે સીઆરપીસી 174 મુજબ નોંધ કરી છે. જેની વધુ તપાસ કાર્યવાહી પો.સ.ઇ.એસ.બી.સોલંકી ચલાવી રહ્યા છે.

Niraj Patel