વડોદરા નજીક આવેલા સિંઘરોટ ચેક ડેમમાં નાહવા માટે ગયેલા 5 મિત્રોમાંથી બેને મળ્યું દર્દનાક મોત, પરિવારે ગુમાવ્યા એકના એક વ્હાલસોયા દીકરા, રડી રડીને હાલ બેહાલ

જો મિત્રોની આ વાત માની લીધી હોતી તો આજે બંને મિત્રો જીવતા હોતા…સિંઘરોટ નદીમાં 2 મિત્રોના ડૂબી જવાથી મોત, 5 મિત્રો ગયા હતા નાહવા…

Two Friends Drown In Sindhrot Check Dam : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં કેટલાય લોકો મોતને પણ ભેટતા હોય છે. કોઈનું રોડ અકસ્માતમાં મોત થાય છે તો કોઈ આકસ્મિક દુર્ઘટનાનો ભોગ બનતું હોય છે. ત્યારે હાલ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પણ માહોલ ચાલી રહ્યો છે અને આ ગરમીના કારણે ઘણા લોકો નદી, તળાવ કે કેનાલમાં નાહવા માટે પણ જતા હોય છે અને ત્યાં પણ ડૂબી જવાના કારણે તેમના મોત થતા હોય છે.

ત્યારે હાલ એવી જ એક ઘટના વડોદરા નજીક આવેલા સિંઘરોટ ચેકડેમમાંથી સામે આવી છે. જ્યાં પાંચ મિત્રો નાહવા માટે ગયા હતા પરંતુ તેમાંથી 3 જ જીવતા બહાર આવી શક્યા. બે મિત્રોના ડૂબી જવાના કારણે મોત થયા. આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર હાલ ગરમી અને વેકેશનનો માહોલ હોવાના કારણે  ખેડા જિલ્લા મહેમદાવાદ તાલુકમાં આવેલા ખંભાલી ગામના 5 મિત્રો પીકનીક મનાવવા માટે સિંઘરોટ ચેકડેમ ગયા હતા.

આ મિત્રોમાં 19 વર્ષીય સાગર હસમુખભાઈ રોહિત, 17 વર્ષીય સોહન પ્રવિણભાઇ રોહિત, 19 વર્ષીય વિશાલ ગિરીશભાઇ પરમાર, 11 વર્ષીય અક્ષત અશોકભાઇ રોહિત અને કેતન ગુરુવારે બપોરે 12 વાગ્યાના સુમારે સિંઘરોટ ચેકડેમ પહોંચ્યા હતા અને નદી કિનારે પોતાની બેગ મૂકીને નાહવા માટે ગયા હતા.

જેમાંથી 19 વર્ષીય સાગર અને 17 વર્ષીય સોહન પાણીના ઊંડા પ્રવાહમાં તણાઈ જતા તેમના મોત થયા. સ્થાનિક તરવૈયાઓની મદદથી તેમના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા. ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બંને છોકરાઓના મૃતદેહ કબ્જે કરીને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ત્યારે આ મામલે તેમની સાથે રહેલા એક મિત્ર વિશાલે જણાવ્યું કે અમે નાહતા હતા ત્યારે બપોરે 2.30 વાગ્યાની આસપાસ મને અને કેતનને ભૂખ લાગી અને અમે નાસ્તો કરવા માટે જતા હતા. ત્યારે સોહન, સાગર અને અક્ષતને પણ નાસ્તો કરવા અમારી સાથે આવવા કહ્યું પરંતુ તેમને ના કહી, જેના બાદ અક્ષત પછીથી અમારી સાથે આવી ગયો અને સાગર અને સોહન નાહવા માટે રોકાયા.

તેણે આગળ જણાવ્યું કે અમે નાસ્તો કરી પરત આવ્યા ત્યારે સોહન અને સાગર દેખાયા નહિ, જેથી અમે તપાસ કરી અને ક્યાંક ગયા હશે એમ વિચાર્યું, પરંતુ એક કલાક થયો હોવા છતાં તે ના દેખાતા અક્ષતે જણાવ્યું કે તે ચેક ડેમની પાછળના ભાગમાં કુદકા મારીને નાહી રહ્યા હતા. ત્યાં તપાસ કરતા સોહનનો મૃતદેહ પાણીમાં તરતો દેખાયો. જેના બાદ સ્થાનિક તરવૈયાઓને જાણ કરાતા તેમણે સોહનનો મૃતદેહ બહાર કાઢ્યો અને થોડીવાર બાદ સાગરનો પણ મૃતદેહ દેખાતા તે પણ બહાર કાઢવામાં આવ્યો.

વિશાલે એમ પણ જણાવ્યું કે અક્ષત અમારી સાથે નાસ્તો કરવા માટે આવ્યો જેના કારણે તે બચી ગયો હતો. જો સોહન અને સાગર પણ અમારી સાથે આવી ગયા હોતા તો આ દુર્ઘટના સર્જાઈ ના હોત. મોતને ભેટેલા સોહન અને સાગર પરિવારના એકના એક પુત્ર હતા. સોહનને બે બહેન છે અને સાગરને એક બહેન છે. ત્યારે આ ઘટનાને લઈને પરિવાર માથે આભ તૂટ્યું હોય તેવો માહોલ સર્જાયો છે.

Niraj Patel