ટીવી મિકેનિકની દીકરી સાનિયા મિર્ઝાનું થયુ NDAમાં સિલેક્શન, બનશે દેશની પહેલી મુસ્લિમ મહિલા ફાઇટર પાયલટ

ટીવી મિકેનિકની દીકરી સાનિયા બની ફાઇટર પાયલટ, પિતા બોલ્યા- દિલને સ્પર્શી ગઇ દીકરીની એક વાત, આ માટે કરાવી તૈયારી

તમે એક કહેવત તો સાંભળી જ હશે કે જો તમે કોઇ વસ્તુને શિદ્દતથી ચાહો એટલે કે દિલથી ચાહો તો પૂરી કાયનાત તમને એ મેળવવામાં સામેલ થઇ જાય છે. આ લોકપ્રિય ડાયલોગ બોલિવૂડના કિંગ ખાન કહેવાકા શાહરૂખ ખાનનો પણ છે. હાલમાં એક યુવતીએ આવું કારનામું કર્યું છે કે જેના વખાણ ચારેકોર થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરના જસોવર ગામની ટીવી મિકેનિકની દીકરી સાનિયા મિર્ઝાએ ઈતિહાસ રચ્યો છે. તે દેશની પ્રથમ મુસ્લિમ યુવતી અને રાજ્યની પ્રથમ મહિલા ફાઈટર પાઈલટ બની છે.

સાનિયા મિર્ઝાના વખાણ કરતા લોકો થાકતા નથી. સાનિયા મિર્ઝાએ NDA પરીક્ષા પાસ કરી અને 149મો રેન્ક મેળવ્યો અને ભારતીય વાયુસેનામાં ફાઈટર પાઈલટ બનવા માટે પસંદ થઈ. તે ભારતીય વાયુસેનામાં જોડાનાર દેશની પ્રથમ મુસ્લિમ મહિલા અધિકારી અને ફાઈટર પાઈલટ તરીકે જોડાનાર રાજ્યની પ્રથમ મહિલા અધિકારી બની છે. મિર્ઝાપુરના જસોવર ગામની રહેવાસી સાનિયા મિર્ઝા પર તેના માતા-પિતા અને ગ્રામજનોને ગર્વ અનુભવે છે. તેના પિતા મિર્ઝાપુરમાં ટીવી મિકેનિક તરીકે કામ કરે છે.

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ સાનિયા મિર્ઝાપુર જિલ્લાના જસોવર વિસ્તારના રહેવાસી શાહિદ અલીની પુત્રી છે. શાહિદ વ્યવસાયે ટીવી મિકેનિક છે. પોતાની પુત્રીના આ માઈલસ્ટોન પર સાનિયાના પિતા શાહિદે કહ્યું, “હું ખૂબ જ ખુશ છું. મારી દીકરીએ સમગ્ર જિલ્લામાં પોતાનું નામ રોશન કર્યું છે. તેની પસંદગી ફાઈટર પાઈલટ તરીકે કરવામાં આવી છે. પૂરા દેશમાં માત્ર બે જ સીટ હતી. ઉત્તર પ્રદેશમાં પણ તેનું નામ છે. હું ટીવી મિકેનિક છું. મેં મારા બાળકો માટે 14-16 કલાક કામ કર્યું છે અને કોઈ વસ્તુની કમી નથી રાખી.

મારી દીકરી અવની ચતુર્વેદીને જોતી હતી અને તેમનાથી પ્રેરિત હતી.” સાનિયા મિર્ઝાની માતાએ પણ તેમની દીકરીના વખાણ કર્યા અને કહ્યું કે, “અમારી દીકરીએ અમને અને આખા ગામને ગૌરવ અપાવ્યું છે. તેણે ફાઈટર પાઈલટ બનવાનું પોતાનું સપનું પૂરું કર્યું છે. તેણે ગામની દરેક છોકરીને તેના સપના પૂરા કરવા માટે પ્રેરણા આપી છે.” પોતાની સફળતા પર સાનિયાએ કહ્યું, “મારે 27મી ડિસેમ્બરે એકેડમીમાં જોડાવાનું છે.

મેં મારું પ્રારંભિક શિક્ષણ મારા ગામમાંથી કર્યું છે. મને વિજ્ઞાનમાં રસ હતો અને નાનપણથી જ હું એન્જિનિયર બનવા માંગતી હતી. પરંતુ ગામની શાળામાં વિજ્ઞાન પ્રવાહ ન હતો. જેના કારણે તે શહેરમાં ગઇ. ધોરણ-12 બોર્ડમાં જિલ્લામાં ટોપ કર્યું. સાનિયાએ વધુમાં જણાવ્યું કે તે અવની ચતુર્વેદીથી પ્રેરિત હતી. જ્યારે ખબર પડી કે તે દેશની પહેલી મહિલા ફાઈટર પાઈલટ છે, જે 2015માં કમિશન થઇ હતી. પરંતુ ત્યારપછી કોઈ મહિલાને ફાઈટર સ્ટ્રીમમાં સામેલ કરવામાં આવી નથી.

ત્યારથી મેં ફાઈટર પાઈલટ બનવાનું સપનું જોયું હતું. પછી એનડીએની તૈયારી શરૂ કરી. એનડીએમાં મહિલાઓ માટે 19 બેઠકો હતી જેમાંથી 2 બેઠકો ફાઈટર પાઈલટ માટે હતી.સાનિયાએ કહ્યું કે મારા માતા-પિતાએ મને પૂરો સાથ આપ્યો હતો. બધાએ મને ભણવા માટે પ્રેરણા આપી. મને આશા છે કે ભવિષ્યમાં લોકો મારી પાસેથી પ્રેરણા લેશે.

Shah Jina