શીઝાન ખાનના સંપર્કમાં આવ્યા બાદ બદલાઇ ગઇ હતી ભાણી- પહેરવા લાગી હતી હિજાબ, મામાનો દાવો

ટીવી અભિનેત્રી તુનિષા શર્માની મોત મામલે રોજ રોજ નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. પોલિસ આ મામલે તુનિષાના એક્સ બોયફ્રેન્ડ અને તેના કો-સ્ટાર શીઝાન ખાનની પૂછપરછ કરી રહી છે જેની અભિનેત્રીના મોત મામલે ધરપકડ કરાઇ છે. ત્યારે હાલમાં બુધવારના રોજ અભિનેત્રીના મામાએ ચોંકાવનારો અને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે શીઝાન ખાનને મળ્યા પછી તુનિષા ઘણી બદલાઇ ગઇ હતી. તુનિષાએ હિજાબ પહેરવાનું શરૂ કરી દીધુ હતુ. ગઇકાલના રોજ એટલે કે બુધવારે તુનિષા શર્માના મામા પવન શર્માએ જણાવ્યું હતું કે,

“પોલીસે આજે કોર્ટ સમક્ષ જણાવ્યું હતું કે શીઝાનના અન્ય ઘણી છોકરીઓ સાથે પણ સંબંધો હતા. પોલીસે દરેક એંગલથી આ મામલાની તપાસ કરવી જોઈએ.” શીઝાનને મળ્યા પછી તુનિષા ઘણી બદલાઇ ગઇ હતી, તેણે હિજાબ પહેરવાનું શરૂ કરી દીધુ હતુ. જણાવી દઇએ કે, તુનિષા ગત શનિવારે ટીવી શો અલી બાબા: દાસ્તાન-એ-કાબુલના સેટ પર મૃત હાલતમાં મળી આવી હતી. જેના બીજા દિવસે તેના એક્સ બોયફ્રેન્ડ અને કો-સ્ટાર શીઝાન ખાનની આત્મહત્યા માટે ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

શીઝાન અને તુનિષાનું 15 દિવસ પહેલા જ બ્રેકઅપ થયું હતું. શીઝાનની રવિવારે ધરપકડ કર્યા બાદ મુંબઈની વસઈ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેના ચાર દિવસના રિમાન્ડ પોલીસને આપ્યા અને તે બુધવારે પૂરા થતાં પોલીસે ફરી તેને કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે શીઝાનના રિમાન્ડને બે દિવસ માટે લંબાવ્યા છે. હવે શીઝાન 30 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે. બીજી તરફ, તુનિષા અને શીઝાન વચ્ચે શું થયું, પોલીસ હવે બંનેની વોટ્સએપ ચેટની પણ તપાસ કરી રહી છે.

પોલીસે કહ્યું કે વોટ્સએપ ચેટના 250-300 પેજ રિકવર કર્યા છે. તે જૂનથી ડિસેમ્બર સુધી છે. પોલીસે એમ પણ કહ્યું હતું કે તેઓ શીઝાન અને તેની ‘સિક્રેટ ગર્લફ્રેન્ડ’ વચ્ચેની ડિલીટ થયેલી ચેટ્સને પુનઃપ્રાપ્ત કરશે. પોલીસે વધુમાં જણાવ્યું કે તેઓ આ ડીલીટ કરાયેલી ચેટ્સ અંગે શીઝાનની પૂછપરછ કરવાની પણ યોજના બનાવી રહ્યા છે. પોલીસે કહ્યું, “તુનિષા તેના બ્રેકઅપથી પરેશાન હતી અને પહેલેથી જ ડિપ્રેશનનો શિકાર હતી, જેના કારણે તે અલગ થયા પછી એકલતા અનુભવી રહી હતી.”

Shah Jina